Abtak Media Google News

રાજ્યભરમાં ઉતરાયણ પર્વ ઉમંગપૂર્વક ઉજવાતું હોય છે, પરંતુ પતંગના દોરાથી અનેક નિર્દોષ પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુના બનાવો બનવાની સંભાવનાના સમયે રાજ્ય સરકાર દ્વારા પક્ષીઓના જીવન રક્ષણ માટે “કરુણા અભિયાન” શરૂ કરવામાં આવ્યું છે. જે અન્વયે સમગ્ર રાજ્યમાં “જીવદયા એ જ પ્રભુસેવા”ના મંત્ર સાથે 20 જાન્યુઆરી સુધી ઘવાયેલ પક્ષીઓને બચાવવા અને સારવાર માટેની રાજયવ્યાપી કામગીરી હાથ ધરવામાં આવશે.

ક્લેક્ટર કચેરી ખાતેથી પક્ષીઓની સારવાર અર્થે “એનિમલ હેલ્પલાઇન 1962″ની એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ અપાયો

21 પક્ષી નિદાન કેન્દ્રો, 10 કંટ્રોલ રૂમ, સોનોગ્રાફી, પેથોલોજી સહિતની અદ્યતન સુવિધા સાથે ઘવાયેલ પક્ષીઓને અપાશે ત્વરિત સારવાર

જે અનુસંધાને રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા “કરુણા અભિયાન” હેઠળ ઈજાગ્રસ્ત થયેલ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવા માટે સુદ્રઢ આયોજનના ભાગરૂપે આજરોજ ક્લેક્ટર કચેરી ખાતેથી અધિક નિવાસી કલેક્ટર ચેતન ગાંધી દ્વારા પક્ષીઓની સારવાર અર્થે “એનિમલ હેલ્પલાઇન 1962″ની આશરે સાત એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું. આ તકે અધિક નિવાસી ક્લેક્ટરએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજકોટ જિલ્લામાં “કરુણા અભિયાન” હેઠળ ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે કરુણા 1962ની 22 એમ્બ્યુલન્સ, એનિમલ હેલ્પલાઇનની 11 એમ્બ્યુલન્સ, 3 બાઈક એમ્બ્યુલન્સ,  2 અદ્યતન હાઇડ્રોલીંક એમ્બ્યુલન્સ, જીવદયા ઘરની 1 એમ્બ્યુલન્સ, સોનોગ્રાફી, પેથોલોજી

તેમજ જરૂરી ઓપરેશન માટેની તૈયારી સાથે વિવિધ વેટરનરી ડોક્ટરોની ટીમ સુસજ્જ રહેશે.

ખાસ કરીને જુનાગઢ અને આણંદથી 18 તબીબો સેવા માટે રાજકોટ આવશે. તેમજ પશુપાલન વિભાગના 10 ડોક્ટરોની ટીમ તાલુકા કક્ષાએ ફરજ નિભાવશે. ત્વરિત સારવાર માટે 21 નિદાન કેન્દ્રો, ક્લેકશન સેન્ટર સાથે  જિલ્લાની તમામ તાલુકાઓની રેન્જ કચેરીએ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. વધુમાં પક્ષી નિદાન કેન્દ્રોની માહિતી માટે વોટ્સએપ મોબાઈલ નં. 832000200 ઉપર “ઊંફિીક્ષફ” મેસેજ લખીને વિિંાંત://બશિ.ંહુ/સિીક્ષફફબવશુફક્ષ ઉપર ક્લિક કરવાથી જિલ્લાવાર વિગતો મળી રહેશે અધિક નિવાસી કલેકટરએ ઉમેર્યું હતું.

એક પણ પક્ષી સારવાર મેળવવામાંથી વંચિત ન રહી જાય તે માટે રાજકોટ વન વિભાગના કંટ્રોલ રૂમ નંબર 8141770274, કરુણા અભિયાન અને હેલ્પલાઇન નંબર ( 1962,9898499954, 9898019059, ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર કંટ્રોલરૂમ નંબર 0281 – 2471573, ટોલ ફ્રી નંબર 1077) ની જાણકારી મહત્તમ નાગરિકો સુધી પહોંચાડવા પર તેમણે ખાસ ભાર મુકયો હતો. સાથોસાથ વન વિભાગ દ્વારા ટાસ્કફોર્સ ટીમની રચના કરવામાં આવી છે, જેના દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરા, ચાઈનીઝ વેંચતા વેપારીઓ પર રેડ પાડવામાં પણ આવશે.

આપણી મજા અન્ય માટે સજા ન બને તેવી રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાની અપીલ કરતા અધિક નિવાસી કલેકટરશ્રી ચેતન ગાંધીએ કહ્યું હતું કે, આપણે જવાબદાર નાગરિક બનીને પતંગના દોરાનો વ્યવસ્થિત નિકાલ કરવો જોઈએ. તાર ઉપર લટકતા દોરાને કારણે ઘણી વાર સામાન્ય નાગરિક પણ ઈજાગ્રસ્ત બને છે. ગુચવાયેલ દોરા જ્યાં ત્યાં ન ફેકીને યોગ્ય નિકાલ સાથે કચરા પેટીમાં નાખવા જોઈએ. આપણી બેદરકારીના કારણે પતંગના દોરા પક્ષીના પગમાં ફસાવાની ઘટના બનતી હોય છે. ત્યારે વ્યક્તિગત જવાબદારી નિભાવીને કોઈને પણ ઇજાગ્રસ્ત કર્યા વિના ઉલ્લાસ પૂર્વક ઉત્તરાયણની ઉજવણી કરવા કહ્યું હતું.

આ અભિયાનમાં વન વિભાગ, પશુપાલન વિભાગ, પોલીસ તંત્ર વિવિધ સરકારી તેમજ અર્થ સરકારી તંત્ર, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ,પશુચિકિત્સક અધિકારીઓ, મહાનગરપાલિકા ખાનગી વેટરનરી ડોક્ટરો પોતાનું યોગદાન આપી રહેલા લોકોનો અધિક નિવાસી કલેક્ટરે આભાર માન્યો હતો.

આ તકે ગુજરાત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય રાજેન્દ્રભાઈ શાહ, એનિમલ હેલ્પલાઇનના  પ્રતિક સંઘાણી, મિત્તલ ખેતાણી, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણીઓ, મદદનીશ વન સંરક્ષક એસ.ટી.કોટડીયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ.બી.મોકરિયા, વિક્રમસિંહ પરમાર, તબીબો, નર્સિંગ સ્ટાફ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.