Abtak Media Google News

250 બેડના આઇપીડી વિભાગને સપ્ટેમ્બર માસથી કાર્યરત કરી સર્જરી પણ કરવામાં આવશે

દાખલ દર્દીઓના સગા સબંધીઓને રહેવા સહિતની સગવડ ઊભી કરવામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા અને સૌરાષ્ટ્ર અને કચ્છની જનતાને સસ્તી અને સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર મળી રહે તે માટે રાજકોટ ખાતે એઇમ્સનું નિર્માણ થઇ રહ્યું છે. જેની કામગીરી પર લોકલ લેવલ પર ધ્યાન રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ ડો.વલ્લભ કથિરીયાને પ્રેસિડેન્ટ તરીકેની એક મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

પ્રેસિડેન્ટની જવાબદારી સોંપવામાં આવતા જ ડો.વલ્લભ કથિરીયાએ સમીક્ષાઓનો દોર શરૂ કરી દીધો છે. જે અંગે ’ ’અબતક’ મીડિયા દ્વારા ખાસ મુલાકાત કરવામાં આવી હતી. જેમાં એઇમ્સના પ્રેસિડેન્ટ ડો.વલ્લભ કથિરીયાએ અનેક મુદ્દાઓ પર વિશેષ ચર્ચાઓ કરી હતી.

આ અંગે ’અબતક’ સાથેની ખાસ વાતચીતમાં એઇમ્સ પ્રેસિડેન્ટ ડો.વલ્લભ કથીરીયાએ જણાવ્યું હતું કે એઈમ્સ ખાતે આગામી સપ્ટેમ્બર માસ સુધીમાં 250 બેડની આપીડી શરૂ કરવાના કરીને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. જેના દ્વારા દર્દીઓને દાખલ કરી તેમના ઓપરેશન અને સર્જરી માટેની કામગીરી શરૂ કરવામાં આવશે. જેનાથી સૌરાષ્ટ્ર અને ગુજરાતભરની જનતાને સસ્તી અને સુપર સ્પેશિયાલીસ્ટ સારવાર મળી રહે.

હાલ એઇમ્સ ખાતે ઓપીડી સારવાર શરૂ કરવામાં આવી છે. પરંતુ જેના કારણે હજુ સુધી હોસ્પિટલના તબીબી અને સર્જન ઓપરેશન અને સર્જરીથી વંચિત રહ્યા છે. જેમાં આઇ.પી.ડી.વિભાગ શરૂ કરવા માટે મેઇન બિલ્ડીંગના બે માળ પર કામ શરૂ કરવામાં આવી રહ્યું છે. જેમાં 250 બેડની વ્યવસ્થા અને સાથે સર્જરી અને ઓપરેશનની પણ સુવિધા મળી રહેશે. ઓપરેશન વિભાગની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે. તેની સાથે ફકત દર્દી માટે નહિ પરંતુ તેમની સાથે આવતા સબંધીઓ માટે પણ સંપૂર્ણ વ્યવસ્થા બની રહે તે માટે પણ વિચારસરણી ચાલી રહી છે.

તે ઉપરાંત વધુમાં જણાવતા ડો.વલ્લભ કથિરીયાએ કહ્યું હતું કે, આઇપીડી કામ પૂર્ણ થયા બાદ આગળના હર એક તબ્બકે ધીમે ધીમે બેડની સંખ્યામાં અને સુવિધાઓમાં વધારો કરી 750 બેડ સુધી પહોચવાની કામગીરી આગામી માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જશે. હાલ જે બિલ્ડીંગમાં ઓપીડી શરૂ છે તે ધર્મશાળાની છે.

બીજી તરફ તમામ શહેરને એઈમ્સ સાથે જોડવા માટે પણ માર્ગ અને વાહન વ્યવહાર પર કામગીરી કરવામાં આવી રહી છે. જેના માટે રીંગ રોડ પર એક બ્રીજની કામગીરી શરૂ છે અને બીજી તરફ ફાટક પાસે પણ બ્રિજ બનાવવા માટે કામગીરી કરવામાં આવશે. આ અંગે પ્રેસિડેન્ટ ડો.વલ્લભ કથિરીયાએ જણાવ્યું હતું કે હાલ એઈમ્સ સુધી પહોંચવા માટે એસટી સંચાલન સાથે વાતચીત ચાલી રહી છે. ખંઢેરી અને એઇમ્સ પાસે પણ બસ સ્ટોપની વ્યવસ્થા થાય તે માટે પણ કામગીરી કરવામાં આવશે.જ્યારે બીજી તરફ મહત્વની વાત જણાવતા એઇમ્સ પ્રેસિડેન્ટ ડો.વલ્લભ કથિરીયાએ જણાવ્યું હતું કે આર્યુવેદ અને મોર્ડન સાયન્સના સમનવયથી દવાઓમાં નવો આવિષ્કાર લાવવામાં આવશે. રાજકોટમાં કાર્યરત એઇમ્સની સૌથી મહત્વની કામગીરી રિસર્ચ છે. આર્યુવેદમાં રહેલા ઉપાયો તથા આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા શ્લોક અને ગાયના પંચગવ્યમાંથી થતા ઉપાયોને મોર્ડન સાયન્સ સાથે જોડી તેનું ટેબલેટ, સીરપ અને ઇન્જેક્શન સ્વરૂપ કરી દર્દીઓને સારવાર માટે ઉપયોગી થાય તે માટે રિસર્ચ કરવામાં આવશે. એટલું જ નહિ પરંતુ હિમાલયમાં તથા ગિરનારમાં રહેલી જડીબુટીઓને આવિષ્કાર કરી તેના પર રિસર્ચ કરી તેને મોર્ડન ફોર્મમાં લાવી ઉપયોગમાં લેવામાં આવશે.

કોન્ટ્રાકટર સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરાશે

એઇમ્સના નિર્માણ માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક કામગીરીના કોન્ટ્રાક્ટ બહાર પાડવામાં આવે છે. જેમાં હાલ અનેક કામો કોન્ટ્રાક્ટ બેઝ પર કરવામાં આવી થયા છે. જે કામગીરી અંગે ડો.વલ્લભ કથિરીયાએ જણાવ્યું હતું કે હર એક વિભાગની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. સંપૂર્ણ કામ સાથે કોન્ટ્રાક્ટ બેઝ કામગીરી અને વિભાગોની હર એક સપ્તાહે બેઠક યોજી સમીક્ષા કરવામાં આવશે.

એઇમ્સના ‘અબતક’એ પ્રસિદ્ધ કરેલા અહેવાલની પ્રસંશા કરતા ડો.વલ્લભભાઈ

રાજકોટમાં એઇમ્સના નિર્માણ બાદ મેડિકલ હબ તરીકે ઉભરી આવશે. જેમાં હાલ ઓપીડી વિભાગની શરૂયાત કરવામાં આવી છે. જેને લઇને તમામ સુવિધાઓ અંગે અને લોકો વધુને વધુ એઇમ્સ હોસ્પિટલનો લાભ કે તે માટે ’અબતક’ દ્વારા  ક્રમશ: અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા. જે અંગે હાલ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક પામેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભ કથિરીયાએ પણ ’અબતક’ના અહેવાલોની પ્રસંશા કરી હતી. તેઓએ આ અંગે વધુ વાત કરતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતાને એઇમ્સની કામગીરી અંગે પ્રચાર અને પ્રસાર માટે ’અબતક’ દ્વારા રજૂ થયેલા અહેવાલ બદલ ધન્યવાદ પાઠવ્યા હતા. તે ઉપરાંત ’અબતક’ મીડિયાના માધ્યમથી લોકોને વહેલી તકે મેડિકલ ક્ષેત્રે મોટી ભેટ મળશે તેમ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.