Abtak Media Google News

Screenshot 2 5 બિલ્ડીંગ હેરિટેજમાં આવતું હોય બહારના સ્ટ્રક્ચરમાં કોઇ જ ફેરફાર કરાશે નહિં: સિટીંગ કેપેસિટી 500ની કરાશે, સ્ટેજ સહિત અનેક સુધારા-વધારા થશે

મણીયાર હોલનું રૂપિયા 3.49 કરોડના ખર્ચે રિનોવેશન કરવા ટેન્ડર પ્રસિદ્વ કરતું કોર્પોરેશન

સૌરાષ્ટ્ર રાજ્યના સમયે જ્યાં વિધાનસભા બેસતી હતી તેવા રાજકોટની શાન સમા અરવિંદભાઇ મણીયાર હોલનું રૂ.3.49 કરોડના ખર્ચે કોર્પોરેશન દ્વારા રિનોવેશન કરવામાં આવશે. આ માટે ટેન્ડર પ્રસિદ્વ કરી દેવામાં આવ્યા છે. હાલ નોન એ.સી. હોલમાં સેન્ટ્રલી એ.સી.ની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના કલારસિકોને આગામી દિવસોમાં એક નવલું નજરાણું મળી રહેશે.

Advertisement

કોર્પોરેશનના ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં અરવિંદભાઇ મણીયાર હોલનું રિનોવેશન કરવામાં આવશે. તેવી ઘોષણા કરવામાં આવી હતી. દરમિયાન આજે ટેન્ડર પ્રસિદ્વ કરી દેવામાં આવ્યા છે. રૂ.3.49 કરોડના ખર્ચે મણીયાર હોલનું રિનોવેશન કરવામાં આવશે. સૌરાષ્ટ્ર રાજ્યના સમયે અહિં વિધાનસભા બેસતી હતી. આ હોલનું નિર્માણ અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યું હોવાના કારણે તેનો સમાવેશ હેરિટેઝ બિલ્ડીંગ તરીકે કરવામાં આવ્યો છે. અરવિંદભાઇ મણીયાર હોલના રિનોવેશનમાં બહારનું હયાત સ્ટ્રક્ચરમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહિં. જ્યારે અંદર મોટાપાયે ફેરફાર કરી દેવામાં આવશે.

હાલ આ નોન એસી હોલ છે. જેને રિનોવેશન કરી સેન્ટ્રલી એસી બનાવવામાં આવશે. આટલું જ નહિં સિટીંગ કેપેસિટીમાં પણ ઘટાડો કરવામાં આવશે. કારણ કે હાલ હોલની કેપેસિટી 600 વ્યક્તિઓની છે. બે ખુરશી વચ્ચે પર્યાપ્ત માત્રામાં જગ્યા ન હોવાના કારણે સમસ્યા ઉભી થાય છે. જેને ધ્યાનમાં રાખી હવે હોલના રિનોવેશનમાં સિટીંગ કેપેસિટી ઘટાડી 500 વ્યક્તિની કરવામાં આવશે. જેના કારણે લોકોને અવર-જવરમાં અને ઉઠવા-બેસવામાં કોઇ તકલીફ ઉભી ન થાય. જ્યુબીલી ગાર્ડનમાં આવતા લોકોને તકલીફ ઉભી ન થાય તે માટે અરવિંદભાઇ મણીયાર હોલને સાઉન્ડ પ્રૂફ કરવામાં આવશે. કુલ 3.49 કરોડના ખર્ચે હોલનું રિનોવેશન કરવા માટે ટેન્ડર પ્રસિદ્વ કરી દેવામાં આવ્યા છે.

હોલની અંદર સ્ટેજમાં પણ થોડા ફેરફાર કરવામાં આવશે. આટલું જ નહિં ટોયલેટ-બાથરૂમ પણ નવા બનાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી અરવિંદભાઇ મણીયાર હોલની હાલત દિનપ્રતિદિન કથળી રહી છે. જેના કારણે કલારસિકો અને કલાકારોના દિલ દુભાઇ રહ્યા છે. જાળવણીના અભાવે લાખો કે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં મણીયાર હોલ શહેરીજનોમાં પ્રિય બનતો નથી. આ હેરિટેઝ બિલ્ડીંગ પ્રત્યેક લોકોના દિલમાં ખરેખર માન-સન્માન ઉભું થાય તેવા પ્રયાસો કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.