રાજકોટમાં રૂ.૧૧ કરોડના ખર્ચે ગણપતી ગજાનનનું કદાવર મંદિર બનશે

સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણપતિ મંદિર બનાવવા રાજસ્થાનથી ૫૧ કારીગરો બોલાવાશે: ભક્તજનોને મળશે વિશાળ ધાર્મિક યાત્રાધામ

દરેક શુભકાર્યોમાં પ્રથમ પૂજાતા ગણપતિ દાદાનું વિશાળ મંદિર રાજકોટના આંગણે બનવા જઇ રહ્યું છે. આ મંદિર સૌરાષ્ટ્રમાં એક માત્ર એવુ મંદિર બનશે જે ફક્ત ગણપતિનું જ હશે. મંદિરની કોતરણી કામમાં હાલ રાજસ્થાનના ૫૦ થી ૭૫ જેટલા ઉત્તમ કારીગરો દિવસ-રાત કાર્યરત છે. મંદિરનાં નિર્માણ કાર્ય બાદ અહીં વિનામૂલ્યે નિષ્ણાંત તબીબોની સેવાઓ ઉપલબ્ધ રહેશે. હાલ કોર્પોરેશન દ્વારા આ મંદિર જે રોડ પર બની રહ્યું છે. તેને સિદ્ધિવિનાયક ગણપતિ રાજા માર્ગ એવુ નામ પણ આપી દેવાયુ છે. ૧૧ કરોડના ખર્ચે આ મંદિર કુંડલિયા પરિવાર દ્વારા આકાર લેવા જઇ રહ્યું છે.

મંદિરની સ્થાપના વિશે વિશેષ માહિતી આપતા કિરીટભાઇ કુંડલિયાએ જણાવ્યું હતું કે રાજકોટના દરેક મંદિરમાં ગણપતિદાદા બિરાજમાન છે. પરંતુ માત્ર ગણપતિનું મંદિર રાજકોટમાં નથી. આથી સર્વજ્ઞાતિમાં પ્રથમ પૂજાતા ગણપતિ દેવના મંદિરની સ્થાપના કરવાનો વિચાર આવ્યો હતો અને એ પણ રાજકોટના મઘ્ય ભાગમાં કાલાવડ રોડ પર મંદિર સ્થાપવાનો નિર્ણય લેવાયો. આ મંદિરમાં સંપૂર્ણ પણે ૧૧ કરોડના ખર્ચે ઉભુ થશે. જે ફક્તને ફક્ત કે.કે.હોટેલ, ક્રંચી હોટેલ અને કુંડલિયા પરિવાર ખર્ચ ઉપાડશે. ૧૧ ‚પિયા પણ કોઇ પાસેથી લેવામાં આવશે નહીં.

મંદિરની વિશેષતાઓની વાત કરતા કિરીટભાઇએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના એકપણ મંદિરમાં ન થઇ હોય તેવી કલાકારીગરીમાં માહિર ઉત્તમ કારીગરો દ્વારા કરવામાં આવશે. આ મંદિરમાં નીચે સત્સંગ ગર્ભગૃહ સંપૂર્ણ પણે સોનાચાંદીથી બનશે. રાતદિવસ મંદિરની કોતરણી કામ કરતા ૫૦ થી ૭૫ કારીગરો રાજસ્થાનથી આવેલા છે. સુચિરભાઇ અને દેવેન્દ્ર સોમપુરાના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલુ છે. આ મંદિરમાં કોર્પોરેશન દ્વારા સંપૂર્ણપણે પાર્કિંગની સુવિધા મળશે. મંદિરની કામગીરી પૂર્ણ થયા બાદ મહાસુદ ચોથના દિવસે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ મંદિરની કામગીરીમાં એકપણ ખીલીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. હાલમાં અમે મંદિર માટે કોઇપણ પ્રકારે ડોનેશન સ્વીકારતા નથી. પરંતુ મંદિરની સ્થાપના બાદ મળતા દાનનો સેવાકિય પ્રવૃત્તિમાં ઉપયોગ કરીશું. આ મંદિરમાં સ્વાસ્થ્ય માટે ડોકટરોની સેવાઓ ઉપલબ્ધ થશે.