રાજકોટના ઉદ્યોગપતિના પુત્રનું શાપરથી ખંડણી માટે અપહરણ: છ શખ્સોની ધરપકડ

ફેકટરીના પૂર્વ કર્મચારીએ સગા-સંબંધીની મદદથી કારમાં અપહરણ કરી સાવરકુંડલા લઇ જઇ રૂા.15 કરોડની ખંડણીની માગણી કરી

રાજકોટ અને અમરેલી પોલીસની ત્વરીત કામગીરીથી અપહૃત યુવાનને હેમખેમ બચાવી અપહરણકારોની કરી ધરપકડ

અબતક,રાજકોટ

રાજકોટના ઉદ્યોગપતિના યુવાન પુત્રનું શાપર ખાતેથી બે દિવસ પહેલાં રૂા.15 કરોડની ખંડણી પડાવવાના ઇરાદે થયેલા અપહરણની ઘટનાની પોલીસે ગંભીરતા સાથે કરેલી ત્વરીત કામગીરીથી અપહૃત યુવાનને હેમખેમ બચાવી અપહરણના ગુનામાં સંડોવાયેલા છ શખ્સોને ઝડપી લીધા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જ્યુબીલી નજીક કસ્તુરબા માર્ગ પર રહેતા અને શાપર તેમજ કોઠારિયા સોલવન્ટ પાસે જુદી જુદી ચાર જેટલી ભાગીદારીમાં ફેકટરી ધરાવતા શબ્બીરભાઇ ફજલેઅબ્બાસ મહંમદઅલી તેલવાલાના 25 વર્ષના યુવાન પુત્ર અદનાનનું ગત તા.14મીએ શાપર ખાતેથી ધોળા દિવસે કારમાં અપહરણ થયાની અને રૂા.15 કરોડની ખંડણી નહી આપે તો અદનાનની હત્યા કરશે તેવી ધમકી આપતા ત્રણ કોલ આવ્યા અંગેની શાપર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

શબ્બીરભાઇની શાપર ખાતે કમલ એન્ટર પ્રાઇઝ પેકેજીંગ નામની ફેંકટરીમાં આઠ વર્ષથી કામ કરતા કમલ રાજપૂતે અદનાનના અપહરણ કરી રૂા.15 કરોડની ખંડણી પડાવવાનો પ્લાન બનાવ્યો હોવાનું અપહરમ કરી અદનાનને અમરેલી તરફ કારમાં લઇ ગયાનું પોલીસ તપાસ દરમિયાન બહાર આવતા રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ અને અમરેલી એસપી હિમકરસીંગના માર્ગ દર્શન હેઠળ નાકાબંધી કરાવી હતી. અદનાન સાથે છ શખ્સો સાવરકુંડલા-રાજુલા માર્ગ પર પહોચ્યા હોવાનું લોકેશન ટ્રેસ થતા અમરેલી પોલીસે અપહરણના ગુનામાં સંડોવાયેલા રાજુલાના નઇમ ઉસ્માન કનોજીયા, અમીન રસુલ મઘરા, અબ્દુલ તપાસી બુકેરા અને હમીદ કાદર જાખરા નામના શખ્સોની ધરપકડ કરી શાપર પોલીસને સોપતા પી.એસ.આઇ. કુલદીપસિંહ ગોહિલની પૂછપરછ દરમિયાન ચારેય શખ્સોની સાથે કમલ રાજપૂત અને મોઇન ફિરોજની સંડોવણી બહાર આવતા બંનેની ધરપકડ કરી છે.