Abtak Media Google News

ભાજપના વોર્ડ પ્રમુખને  સંબંધના દાવે મકાન રહેવા આપ્યું હતું, વિધવાએ મકાન ખરીદયા બાદ આરોપીઓએ ખાલી કરવાનો ઇન્કાર કરી દીધો

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરે વિધવાને વેચેલુ મકાન ભાજપ વોર્ડ પ્રમુખે પચાવી પડાતા બી ડીવીઝન પોલીસમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે એક જ પરિવારની બે મહિલા સહિત છ વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ આગ ધપાવી છે. આરોપીઓને સંબંધના દાવે મકાન રહેવા આપ્યું હતું. જે આરોપીઓએ ખાલી કરવાનો ઇન્કાર કરી દેતા અંતે ફરિયાદ નોંધાઇ છે.

સહકાર સોસાયટી-4માં સિધ્ધિ વિનાયકમાં રહેતા જયાબેન હાપલીયા (ઉ.વ.62)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓમાં પરેશે તેના પિતા ખોડાભાઈ શામજીભાઈ, ભાઈ ગૌતમ, પત્ની અંજુબેન તથા ભાઈની પત્ની મિતલબેન સામે ફરિયાદ નોંધાવી છે.જેમાં તેને જણાવ્યું છે કે તેના પતિ બીપીનભાઈનું 2021ની સાલમાં અવસાન થયું હતું. સંતાન ન હોવાથી હાલ એકલા રહે છે. બીએ, બીએડ સુધી અભ્યાસ કર્યો છે. મોરબી રોડ પર શિવધારા રેસીડેન્સી તરીકે ઓળખાતા વિસ્તારમાં શિવમ એન્ટરપ્રાઇઝ નામની ચાલતી ભાગીદારી પેઢીના ભુપતભાઈ, બાલુભાઈ રત્નાભાઈ બોદર પાસેથી રૂા. 26 લાખમાં મકાન ખરીદ કર્યું હતું.

તે વખતે ભુપતભાઈએ જણાવ્યું કે મકાન હાલ પરેશ લીંબાસિયાને સંબંધના દાવે રહેવા આપ્યું છે. મકાનનો તમારા નામજોગ દસ્તાવેજ થયેથી પરેશ મકાન ખાલી કરી આપશે. જેથી પરેશભાઈને મળવા ગયા હતા. તે વખતે તે પત્ની અંજુબેન, ભાઈ ગૌતમ, તેની પત્ની મિતલ, પિતા ખોડાભાઈ હાજર હતા. બધાએ મકાન દસ્તાવેજ થયા બાદ ખાલી કરી આપવા માટે સહમતિ આપી હતી.2022નીસાલમાં મકાનના દસ્તાવેજ કરાવી લીધા હતા. પેમેન્ટ પણ કરી આપ્યું હતું. ત્યારબાદ પરેશને મળી મકાન ખાલી કરવાનું કહેતા તેણે અને તેના પરિવારજનોએ બીજું મકાન ભાડે મળી ગયા બાદ એકાદ માસમાં મકાન ખાલી કરી આપવાનું જણાવ્યું હતું. પરંતુ એક મહિના બાદ મકાન ખાલી કરવાનું કહેતા પરેશ અને તેના પરિવારના સભ્યોએ બોલાચાલી કરી હતી.

સાથોસાથ એમ પણ કહ્યું કે હજુ મકાન ભાડે મળ્યું નથી, મળી જશે એટલે ખાલી કરી આપશું. જેથી આ વાતની ભુપતભાઈને જાણ કરતાં તે પણ સાથે આવ્યા હતા. તે વખતે પરેશ અને તેના પરિવારના સભ્યોને મકાન ખાલી કરવાનું કહેતા ઝગડો કરી કહ્યું કે મકાન ખાલી નહીં કરીએ, મકાનને હવે તમે ભુલી જાઓ, તમારે જે થાય તે કરી લો.

આ રીતે તેનું મકાન પચાવી પાડતા કલેક્ટરમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ અરજી કરી હતી. જેમાં ગુનો નોંધવાનો નિર્ણય લેવાતા ગઇકાલે રાત્રે બી ડીવીઝન પોલીસે લીંબાસિયા પરિવારના છ સભ્યો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.