Abtak Media Google News

એસ્ટ્રોન ચોક પાસે આવેલી આરએમસી ઓફિસમાં ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો

રાજકોટમાં ડ્રેનેજ શાખામાં ગટર કામનો કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાકટર ફરિયાદોને પહોંચી ન વળતા વખ ઘોળ્યું હોવાનુ જાણવા મળ્યું છે. એસ્ટ્રોન ચોક પાસે આવેલી દ્રેનેજની ઓફિસમાં જ ઝેર ગટગટાવી લેતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગૌતમ નગરમાં રહેતા અને એસ્ટ્રોન ચોકમાં આવેલી વોર્ડ નં.7ની વોર્ડ ઓફિસમાં કોન્ટ્રાક્ટર શૈલેષભાઈ રઘુભાઈ સોલંકી (ઉ.વ.42)એ ઝેરી દવા પી લેતા દોડધામ મચી ગઇ હતી. દવા પીનાર શૈલેષભાઈ સોલંકીને તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બનાવની જાણ થતા એ.ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી. પોલીસે શૈલેષ સોલંકીની પૂછપરછ કરતાં કામનું ભારણ કારણભૂત હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ શૈલેષ સોલંકી વોર્ડ નં.7ના ડ્રેનેજનો કોન્ટ્રાક્ટ ધરાવે છે. તા.1થી 9 ફેબ્રુઆરી સુધીમાં ડ્રેનેજની 762 ફરિયાદ મનપાના દફતરે નોંધાઇ હતી. ડ્રેનેજ ચોકઅપ અને ગટર ઊભરાવા સહિતના પ્રશ્નોના નિકાલનું કામ શૈલેષ સોલંકી સંભાળતો હતો અને તે કામનું ભારણ વધતા તેણે પગલું ભરી લીધું હતું.

તો બીજી તરફ કોન્ટ્રાકટર શૈલેષભાઈ સોલંકીના બિલ પેન્ડિગ હોવાથી તેના તણાવમાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી કોન્ટ્રાકટરના નિવેદનના આધારે આગળની તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.