Abtak Media Google News

બહેનના લગ્નનું દેણું થઇ જતા યુવક આઠ વર્ષ પહેલા ઘરેથી ભાગી ગયો હતો

જૂનાગઢમાં બહેનના લગ્ન પાછળ થયેલ ખર્ચથી દેણું વધી ગયેલા યુવક આઠ વર્ષથી ગુમ થયા બાદ જૂનાગઢ પોલીસે આ યુવકને સુરતથી શોધી પરિવાર સાથે મિલન કરાવતા પોલીસ સ્ટેશનમાં ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.

સને 2015 માં જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર રહેતા 42 વર્ષીય કમલેશ હર્ષદભાઈ પંડ્યા ભાવનગર સગા ને ત્યાં જવાનું કહી ગુમ થઈ ગયો હતો, જેને લઇને તેના માતા – પિતા વ્યાકુળ હતા  આ યુવકને શોધવા માટે તેની બે બહેનો અને માતા – પિતા એ અનેક જગ્યાએ શોધખોળ આદરી હતી, પણ કમલેશનો ક્યાંય પતો ન લાગતા અંતે પોલીસને જાણ પણ કરવામાં આવી હતી, આમને આમ 8 વર્ષ જેટલો સમય વીતી જવા પામ્યો હતો.

તે દરમિયાન જ જુનાગઢ બી ડિવિઝન પી.આઇ. નીરવ શાહનો કમલેશ પંડ્યાના ઘરે સામેથી કોલ ગયો હતો અને તમારો ગુમ થયેલ પુત્ર મળી ગયો છે અને પોલીસની ટીમ તમારા પુત્રને લઈને જુનાગઢ આવી રહી છે, તે સાંભળતા જ પરિવારજનોમાં હરખની હેલી આવી ગઈ હતી. અને ક્ષણોને પણ વ્યર્થ કર્યા વગર કમલેશ પંડ્યા નો પરિવાર તાત્કાલિક જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દોડી ગયો હતો અને પોતાના પુત્રને નજરે જોતા કમલેશની બંને વહાલયસોય બેનોની આંખો હર્ષના આંસુ થી ઉભરાઈ ગઈ હતી.

આ સમયે પોલીસ સ્ટેશનમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.આ બાબતે જૂનાગઢ ડી.વાય.એસપી હિતેશ ધાંધલીયાએ અબ તકને જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા ગુમ થયેલ કમલેશ પંડ્યાની પોલીસમાં નોંધ થતા જ શોધખોળ જારી રખાઈ હતી. અને ટેકનિકલ ટીમની આ માટે મદદ લેવાઈ હતી. ત્યારે કમલેશ પંડ્યાનું સને 2018 ની સાલમાં જે બેંકમાં એકાઉન્ટ હતું તેની ડિટેલ કઢાવવામાં આવી હતી. અને આ બેંક એકાઉન્ટમાં આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવામાં આવેલ હતા તેના મોબાઈલ નંબર પોલીસે મેળવ્યા હતા અને એ મોબાઇલના આધારે યુવકનું એડ્રેસ શોધી યુવકને સુરત માંથી શોધી લેવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.