Abtak Media Google News

પાન-ફાકી બાંધવાનું પ્લાસ્ટીક, ચમચી, ગ્લાસ, ડીશ, ચાના કપ, સ્ટ્રો, કેક કટીંગ માટેની પ્લાસ્ટીકની નાઇફ સહિતની વસ્તુઓ જપ્ત કરી લેવાશે

કેન્દ્ર સરકાર દ્વારા 120 માઇક્રોનથી ઓછી જાડાઇ ધરાવતા તમામ પ્રકારના પ્લાસ્ટીક પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પ્રતિબંધના 6 મહિના પછી પણ તેની સજ્જડ અમલવારી કરાવવામાં આવતી નથી. હવે ચૂંટણી પૂરી થઇ ગઇ છે અને નજીકમાં કોઇપણ પ્રકારની ચૂંટણી આવવાની ન હોય વેપારીઓમાં પણ રોષ ઉભો થવાની કોઇ જ શક્યતા હાલ દેખાતી નથી. ત્યારે કોર્પોરેશન દ્વારા આવતા સપ્તાહથી પ્રતિબંધિત પ્લાસ્ટીક પકડવા માટે ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવશે. આ માટે વોર્ડ વાઇઝ એસ.એસ.આઇ.ને સૂચના આપી દેવામાં આવી છે. ટૂંક સમયમાં મ્યુનિ. કમિશનર દ્વારા સોલીડ વેસ્ટ શાખાના અધિકારીઓ સાથે બેઠક બોલાવી ટીમની રચના કરી દેવામાં આવશે અને જાન્યુઆરીથી સઘન ચેકીંગ ઝુંબેશ શરૂ કરી દેવાશે.

ગત 1લી જુલાઇથી દેશભરમાં 120 માઇક્રોનથી ઓછી જાડાઇ ધરાવતા પ્લાસ્ટીક પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હોવા છતાં છડેચોક પ્રતિબંધિત પ્લાસ્ટીક વેંચાઇ રહ્યું છે અને વેપારીઓ પણ તેનો બેફામ ઉપયોગ કરી રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં ફરી કોર્પોરેશનને પ્રતિબંધિત પ્લાસ્ટીક પકડવાનું યાદ આવ્યું છે. આગામી સપ્તાહથી પ્લાસ્ટીકના ઝબલા સહિતનું પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરવા માટે કોર્પોરેશનની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા વોર્ડ વાઇઝ દરોડા પાડવામાં આવશે. આ માટે પર્યાવરણ ઇજનેર દ્વારા તમામ વોર્ડના એસએસઆઇને સૂચના આપી દેવામાં આવી છે.

ચેકીંગ દરમિયાન પાન, ફાકી બાંધવાના પ્લાસ્ટીક પણ જપ્ત કરી લેવામાં આવશે. હાલ 75 માઇક્રોનના પ્લાસ્ટીકના ઝબલા અને બેગનો ઉ5યોગ થઇ રહ્યો છે. જે અટકાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

આગામી દિવસોમાં મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા સોલીડ વેસ્ટ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક બોલાવવામાં આવશે. જેમાં વોર્ડ વાઇઝ ટીમનું નિર્માણ કરાશે અને આવતા સોમવારથી સઘન ચેકીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. તમામ પ્રકારના પ્લાસ્ટીક પર જુલાઇ માસથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે પરંતુ 120 માઇક્રોનની ઓછી જાડાઇનું પ્લાસ્ટીક વાપરવું નહીં તેની અમલવારી આગામી 1લી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવનાર છે. ત્યારે કોર્પોરેશનને સજ્જડ અમલવારી કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.