Abtak Media Google News

સગાઈના પ્રસંગમાં આવેલી મહિલાનું રૂ.૧.૨૪ લાખની મત્તાનું પર્સ ગાયબ: નોંધાતો ગુનો

રાજકોટના ભાગોળે આવેલા રતનપર ગામ તરફથી રાજકોટ તરફ સિટી બસમાં આવતા ગુંદસરાની મહિલાનું પર્સ કોઈ ગઠિયો સેરવી ગયાનું પોલીસ મથકમાં નોંધાયું છે. જેમાં રૂ.૧.૨૪ લાખની મત્તાનું પર્સ ગાયબ થઈ જતાં પોલીસે અજાણ્યા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગુંદાસરા ગામે રહેતા શોભનાબા ઘનશ્યામસિંહ સોલંકી નામના ૪૫ વર્ષીય મહિલાએ કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ શોભનાબા ગઇ કાલે ગુંદાસરાથી રાજકોટના રતનપર ગામે પોતાના સંબંધોને ત્યાં સગાઈના પ્રસંગમાં આવ્યા હતા.

ત્યાંથી સાંજના પરત ગામ તરફ જવા માટે નીકળ્યા ત્યારે ફરિયાદી મહિલા રતનપરથી જીજે ૦૩ બિટી ૦૨૩૧ નંબરની સિટી બસમાં બેસીને આવતા હતા. તે દરમિયાન માર્કેટિંગ યાર્ડ તરફ આવતા ફરિયાદી મહિલાને જાણ થતાં તેઓએ ચકાસતા પોતાનું રૂ.૯૦,૦૦૦ રોકડા અને રૂ.૩૪,૦૦૦ની કિંમતના ઘરેણાં મળી કુલ રૂ ૧.૨૪ લાખની મત્તા થી ભરેલું પર્સ સેરવાઈ ગયું હતું.

શોભનાબા સોલંકીએ તુરંત કંડકટરને જાણ કરતા તેઓએ સિટી બસ ઉભી રાખતા અને મુસાફરો બસમાંથી ઊતરીને નાસી ગયા હતા. જેથી મહિલાએ કુવાડવા પોલીસ મથકમાં અજાણ્યા વ્યક્તિ સામે પોતાનું પર્સ સેરવી ગયાની ફરિયાદ નોંધાવતા કુવાડવા પોલીસ મથકના એએસઆઇ ફતેહસિંહ સોલંકી સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.