Abtak Media Google News

વિસ્તાર મહાપાલિકાના ભળ્યા બાદ રેવન્યુ તલાટીએ વોર્ડ ઓફિસમાં જઈ કબાટ જોતા ખાલી ખમ્મ નીકળ્યો : પોલીસ કાર્યવાહી શરૂ કરાઇ

રાજકોટમાં તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. જેમાં તંત્રની લાપરવાહીના કારણે વાવડીનો જૂનો મહેસુલી રેકોર્ડ ગુમ થઈ ગયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જો કે હવે આ મામલે પોલીસ કાર્યવાહી પણ શરૂ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર વાવડી ગ્રામ પંચાયતનો વિસ્તાર રાજકોટ મહાનગરપાલિકામાં ભેળવવામાં આવ્યો હોય, જેથી ત્યાંની ગ્રામ પંચાયત ઓફિસ નીકળી ગઈ હતી. જેને બદલે વોર્ડ ઓફિસ કાર્યરત થઈ છે. આ ઓફિસમાં હક પત્રકની મેન્યુલ નોંધ નં.6ના સાધનિક કાગળો રાખવામાં આવ્યા હતા. આ અગત્યના રેકોર્ડ રેવન્યુ તલાટીએ કબાટ ચેક કર્યો ત્યારે જોવા મળ્યો ન હતો. જે માટે તાલુકા મામલતદાર તંત્ર દ્વારા પોલિસ કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.

આ મામલે ફરિયાદી નાયબ મામલતદારે પોલીસમાં જાણવા જોગ ફરિયાદ કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે વાવડી ગ્રામ પંચાયત હાલ વોર્ડ કચેરી ખાતેના બિલ્ડિંગમાં રેકોર્ડ હક પત્રકની મેન્યુલ નોંધ નં.6ના સાધનિક કાગળો કબાટમાં રાખવામાં આવ્યા હતા. તે સંદર્ભે ઇન્ચાર્જ રેવન્યુ તલાટી વાવડીના મનીષ ગીધવાણીના રિપોર્ટમાં જાણવા મળેલ કે તા.7ના રોજ તપાસ કરવા જતાં આ કબાટમાં આવેલ રેવન્યુ રેકોર્ડના સાધનિક કાગળો કબાટમાં ન હતા. જેથી વોર્ડ ઓફિસના સ્ટાફને પૂછતાં તેઓને ખબર ન હતી.

ઉલ્લેખનીય છે કે તંત્રની આ ઘોર બેદરકારીને પરિણામે જમીનધારકોને પણ પરેશાન થવાનો વારો આવ્યો છે. ત્યારે તંત્ર પોતાના જ વાહકોની બેદરકારી બદલ શુ પગલાં લ્યે છે તે જોવું રહ્યું.

બેદરકારી કોની ? તલાટીની કે વોર્ડ ઓફિસરની ?

ગ્રામ પંચાયતનો અગત્યનો રેકોર્ડ વોર્ડ ઓફિસના કબાટમાંથી ગાયબ થઈ જવો આ ઘટના નાની નથી. કિંમતી રેકોર્ડ ગુમ થવા પાછળ વોર્ડ ઓફિસની બેદરકારી કારણભૂત છે કે વોર્ડ ઓફિસરની બેદરકારી ? તે તપાસનો વિષય છે. શું રેવન્યુ તલાટી રેકોર્ડ સહી સલામત છે કે કેમ તે તપાસવા ત્યાં જતા હતા ? વોર્ડ ઓફિસર પણ જુના રેકોર્ડ સહી સલામત છે કે કેમ તેની તકેદારી રાખતા હતા કે કેમ ? તેવા અણીયારા સવાલ હાલ ઉભા થઇ રહ્યા છે.

આઝાદીથી લઈ વર્ષ 2004 સુધીના રેકોર્ડ ગુમ થવાથી અનેક પ્રકરણોમાં ગોટાળા ઉભા થશે

પ્રાપ્ત માહિતી અનુસાર કબાટમાં આઝાદીથી લઈને વર્ષ 2004 સુધીના હક્કપત્રકની મેન્યુલ નોંધ નં.6ના સાધનિક કાગળો હતા. વર્ષ 2004 પછીના કાગળોનો ડેટા તો ઓનલાઇન ઉપ્લબ્ધ કરી દેવામાં આવ્યો હતો. પણ જૂનો રેકોર્ડ ફિઝિકલી જ ઉપ્લબ્ધ હતો.  આ રેકોર્ડ જુના વિવાદોમા અત્યંત ઉપયોગી હોય, અનેક જુના પ્રકરણોમાં હવે ગોટાળા થવાની ભીતિ સેવાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.