Abtak Media Google News

રાજકોટ વોર્ડ નં.15ને અસરકર્તા પ્રશ્નોની ચર્ચા પણ બોર્ડમાં નહિં કરાય

શહેરના વોર્ડ નં.15ની ખાલી પડેલી બે બેઠકો માટે આગામી 6 ઓગસ્ટના રોજ મતદાન યોજાવાનું છે. હાલ પેટા ચુંટણીની આદર્શ આચાર સંહિતા અમલમાં હોય બોર્ડમાં વોર્ડ નં.15ને અસરકર્તા એકપણ પ્રશ્ર્નની ચર્ચા પણ કરવામાં આવશે નહિં.

પેટા ચુંટણી સંદર્ભે રાજ્ય ચુંટણી પંચ દ્વારા આપવામાં આવેલી આચાર સંહિતાની ગાઇડલાઇનમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે જે વોર્ડની બેઠકો માટે પેટા ચુંટણી યોજાવાની હોય તે વોર્ડ સિવાયના શહેરના તમામ વોર્ડના વિકાસકામો અંગે નિર્ણય લઇ શકાશે. દરમિયાન આવતીકાલે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે.

વર્તમાન પદાધિકારીઓની અઢી વર્ષની મુદ્ત આગામી સપ્ટેમ્બર માસમાં પૂર્ણ થઇ રહી હોય તેઓનું આ અંતિમ બોર્ડ હોય તેવું માનવામાં આવી રહ્યું છે. જો કે, બીજી તરફ હાલ પેટા ચુંટણીની આચાર સંહિતાના કારણે અમૂક દરખાસ્તો બોર્ડમાં લઇ શકાય નથી. જેના કારણે ઓગસ્ટ માસમાં બોર્ડ બોલાવવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.

મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે આવતીકાલે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં એકમાત્ર વોર્ડ નં.15ને અસર કરે તેવી દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે નહિં. આટલું જ નહિં પરંતુ બોર્ડના પ્રશ્ર્નોત્તરી કાળમાં વોર્ડ નં.15નો કોઇ પ્રશ્ર્ન કે પેટા પ્રશ્ર્નનો પણ ઉલ્લેખ કરવામાં આવશે નહિં. આ અંગે બોર્ડ શરૂ થાય તે પૂર્વે તમામ નગરસેવકોને જાણ કરી દેવામાં આવશે. બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના કુલ 15 નગરસેવકોએ 32 પ્રશ્ર્નો રજૂ કર્યા છે. જેમાં પ્રથમક્રમે ભાજપના નગરસેવિકા રસિલાબેન સાકરીયાના પ્રશ્ર્નની ચર્ચા થશે. બોર્ડ સમક્ષ મંજૂરી અર્થે અલગ-અલગ 13 દરખાસ્તો રજૂ કરવામાં આવી છે. જે અંગે પણ નિર્ણય લેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનમાં વણલખી પરંપરા મુજબ બોર્ડનો એક કલાકનો પ્રશ્ર્નોત્તરી કાળ માત્ર એક જ પ્રશ્ર્નની ચર્ચા કરવામાં વેડફી નાંખવામાં આવે છે. બાકીના પ્રશ્ર્નોનો જવાબ નગરસેવકોને લેખિતમાં આપી દેવામાં આવે છે. હાલ વોર્ડ નં.15ની બે બેઠકોની પેટા ચુંટણીની આચાર સંહિતા અમલમાં હોવાના કારણે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો તથા નેતાઓ પ્રચારમાં વ્યસ્ત હોવાના કારણે બોર્ડ નિરસ રહે તેવું માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.