Abtak Media Google News

પ્રેમીએ સાગરીત સાથે મળી પ્રેમિકાના આધાર કાર્ડમાં ઉંમર વધારી  દીધી: પ્રેમી  સહિત બેની ધરપકડ

રાજકોટમાં પખવાડિયા પહેલા અપહરણ કરાયેલ સગીરાને શોધી પ્ર.નગર પોલીસે આરોપી ધવલ મનહરભાઈ ચૌહાણ (રહે.પરસાણાનગર)ની અટકાયત કરી હતી. જેમાં તે સગીરાને હરીદ્વાર લઈ ગયો હોવાનું તપાસમાં ખુલતા પોલીસે ત્યાં જઈ તપાસ કરતા ગેસ્ટ હાઉસમાં આપેલ સગીરાના આધારકાર્ડની નકલ અને ઓરીજીનલ આધારકાર્ડમાં ફેરફાર હોવાનું ખુલતા આરોપીની પુછપરછ કરાતા આ આધારકાર્ડ મોહીત નામના શખ્સ પાસેથી બનાવ્યાની કબુલાત આપતા પોલીસે બન્નેની સામે ગુનો નોંધ્યો છે.

રાજકોટમાં રહેતી 17 વર્ષની કિશોરીનું ગઈ તા.8/5ના ધવલ ચૌહાણ અપહરણ કરી ગયાની પ્ર.નગર પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસ કરતા ગઈ તા.22/5ના બન્ને મળી આવ્યા હતા. પોલીસે ભોગ બનનાર સગીરાની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેને ધવલ સાથે પ્રેમસંબંધ હોય અને લગ્ન કરવાનું કીધું હોય તે ઘરેથી ધવલ સાથે હરીદ્વાર ચાલી ગઈ હતી. જ્યાં બન્ને એક ગેસ્ટ હાઉસમાં સાતેક દિવસ રોકાયા હતા.

આ સમય દરમિયાન ધવલે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યાની કહેતા પોલીસે ધવલ સામે દુષ્કર્મ અને પોક્સોની કલમનો ઉમેરો કરી તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ પર મેળવ્યો હતો.

ત્યારબાદ પોલીસ આરોપીને લઈ હરીદ્વાર તપાસ અર્થે ગઈ હતી. જ્યાં ગેસ્ટ હાઉસમાં ચેક કરતા સગીરાના આધારકાર્ડની ઝેરોક્ષ રજૂ કરાઈ હતી. પરંતુ તેમાં ફેરફાર હોય પોલીસે આરોપીની પુછપરછ કરતા તેણે જણાવ્યું કે તેને સગીરા સાથે પ્રેમસંબંધ હોય બન્નેએ ભાગી જવાનું નક્કી કર્યુ હતું. પરંતુ ઉંમર નાની હોય અને બન્ને ભાગી જશે ત્યારે કોઈ રૂમ ભાડે આપશે નહીં, તેવું માની દોઢેક માસ પહેલા મનપાની વેસ્ટ ઝોન ઓફિસમાં મોહીત નામના શખ્સ પાસેથી ખોટી જન્મ તારીખવાળું ડુપ્લીકેટ આધારકાર્ડ બનાવ્યાનું અને દિલ્હી ખાતે પણ રોકાયા હોવાનું જણાવતા અંતે પોલીસે ધવલ અને મોહીત સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.