Abtak Media Google News

કોઠારીયા પાસે આઇસર પર બેઠેલા યુવાનનું માથું ઝાડની ડાળી સાથે અથડાતા મોત: ગોંડલ ચોકડી પાસે રસ્તો ક્રોસ કરતી વેળાએ નાના – નાનીની નજર સામે દોહિત્રનું મોત

આજીડેમ પાસે ટ્રકે બાઇકને અડફેટે લેતાં દંપતી ખંડિત, પત્નીનું મોત: ગોમટા પાસે ઇકો ઝાડ સાથે અથડાતાં ચાલકને કાળ ભેટ્યો: ઉપલેટામાં ડમ્પરની અડફેટે ઘવાયેલા યુવાનનું મોત

રાજકોટ જિલ્લામાં જાણે યમરાજે પડાવ માંડ્યો હોય તેમ જુદા જુદા પાચ અકસ્માતમાં રાજકોટના યુવાન સહિત પાચ લોકોના મોત નીપજ્યા છે. જેમાં કોઠારીયા પાસે આઇસર પર બેઠેલા યુવાનનું માથું ઝાડની ડાળી સાથે અથડાતા નીચે પટકાતા ગંભીર રીતે ઘવાતા મોત નિપજ્યું છે. તો બીજા બનાવમાં ગોંડલ ચોકડી પાસે રસ્તો ક્રોસ કરતી વેળાએ નાના – નાનીની નજર સામે પપૌત્રનું મોત થયું હતું અને વૃદ્ધ દંપતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તો બીજી તરફ આજીડેમ પાસે ટ્રકે બાઇકને અડફેટે લેતાં પતિની નજર સામે પત્નીનું મોત નીપજતાં રાજકોટનું દંપતિ ખંડિત થયું છે. તો ગોમટા પાસે ઇકો કાર ઝાડ સાથે અથડાતાં જેતપુર તાલુકાના વા ગામના ચાલકને કાળ ભેટ્યો હતો અને પત્નીને ઇજા થતાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે આખરી બનાવમાં ઉપલેટામાં ડમ્પરની અડફેટે ઘવાયેલા યુવાનનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પેડક રોડ પર ધારેશ્વર સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા મૂળ વડાડી ગામના જયરાજસિંહ લખધીરસિંહ જાડેજા નામના 24 વર્ષીય યુવાનનું અકસ્માતમાં મોત નીપજતાં પરિવારમાં કલ્પાંત છવાયો છે. મૃતક પોતાના ઘરેથી આઈસરમાં સામાન ભરી વાહનની ઉપર બેસી વતન વડાડી મૂકવા જતા હતા તે દરમિયાન કોઠારીયાથી ખોખડદળ ગામ વચ્ચે ઝાડની ડાળી જયરાજસિંહ જાડેજાનું માથું અથડાતા નીચે પટકાયેલા યુવાનનું મોત નિપજ્યું હતું. મૃતક જયરાજસિંહ જાડેજાના મોતથી એક પુત્રી પરથી પિતાની છત્રછાયા છીનવાઈ જતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.

તો અન્ય બનાવમાં ગોંડલ રોડ પર ગણેશનગરમાં રહેતા હાજાભાઈ માંડણભાઈ જીલરિયા (ઉ.વ.53), તેમના પત્ની જયાબેન હાજાભાઈ જીલરીયા (ઉ.વ.50) અને પપૌત્ર રોનક દીપકભાઈ કાનગડ (ઉ.વ.7) ત્રણેય મેંદરડા ગામ ગયા હતા. જ્યાંથી પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે કોઠારીયા ચોકડી અને ગોંડલ ચોકડી વચ્ચે રાધામીરા હોટલ પાસે રોડ ક્રોસ કરતા હતા ત્યારે એક બાઈક ચાલકે ધૂમ સ્ટાઇલમાં બાઈક ચલાવી ત્રણેયને અડફેટે લીધા હતા.

જેમાં નાના – નાનીની નજર સામે જ ગંભીર રીતે ઘવાયેલાં પપૌત્ર રોનકનું મોત નિપજ્યું હતું અને ઇજાગ્રસ્ત વૃદ્ધ દંપતિને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.જ્યારે વધુ એક બનાવમાં યુવરાજ પાર્કમાં રહેતા અનિલભાઈ કટેસિયા અને તેના પત્ની પ્રજ્ઞાબેન કટેસિયા બંને બાઈક પર કુવાડવા સબંધીના ઘરે આટો મારવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વેળાએ આજીડેમ ચોકડીથી યાર્ડ તરફ જતી વેળાએ પૂલ પાસે પહોંચ્યા ત્યારે ટ્રક ચાલકે બાઈકને ઠોકર મારતાં પતિની નજર સામે પત્નીનું મોત નીપજતાં રાજકોટનું દંપતી ખંડિત થયું હતું.

વધુ એક અકસ્માતના બનાવમાં જાણવા મળતી વિગત મુજબ જેતપુર તાલુકાના વાડાસડા ગામે રહેતા રહીમભાઈ અબ્દુલભાઈ મોરવાડિયા નામના 55 વર્ષીય પ્રૌઢ પોતાના પરિવાર સાથે ઇકો કારમાં જતા હતા ત્યારે ગોંડલ તાલુકાના ગોમટા ગામ નજીક ઇકો કાર ઝાડ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા રહીમભાઈનું મોત નીપજતાં પરિવારમાં માતમ છવાયો છે જ્યારે તેમના પત્નીને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.પાચમાં બનાવમાં જાણવા મળતી વિગત મુજબ ઉપલેટામાં  કોલકી પાસે જીજે-14-ઝેડ-5556 નંબરના ડમ્પર ચાલકે ભિક્ષુક જેવા 35 વર્ષીય યુવાનને ઠોકર મારતાં તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી તેની ઓળખ મેળવવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.