રાજકોટ: સસ્તા ભાવે મકાન પચાવી પાડવા આધેડ પર ખૂની હુમલો

બે શખ્સોએ પીછો કરી “તારું મકાન મને આપી દે?” કહી લોખંડના પાઇપ વડે ફટકારતા આધેડ ગંભીર

અબતક રાજકોટ

રાજકોટમાં સસ્તા ભાવે મકાન પચાવી પાડવા માટે બે શખ્સોએ યુવાન પર ખૂની હુમલો કરતા આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લોખંડના પાઇપના ઘા માથામાં મારતા આધેડની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર આંબેડકરનગર શેરી – 2માં રહેતા અને ડ્રાઈવિંગ કામકાજ કરતા દેવેન્દ્રભાઈ છગનભાઈ ચાવડા નામના 45 વર્ષીય આધેડ પર દર્શન રસિક પરમાર અને અતુલ નરેશ નામના શખ્સોએ માથામાં પાઇપ ફટકારી ખૂની હુમલો કર્યાની ઘટના સામે આવી છે. હુમલા બાદ આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘટના અંગે જાણ થતાં માલવિયાનગર પોલીસ મથકના પીઆઈ આઇ.એન.સાવલિયા સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને તપાસ હાથધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં દેવેન્દ્ર ભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે ગઇ કાલે સાંજના સમયે જાહેરાતના બોર્ડ લગાડવા જવા માટે ધારેશ્વર ડેરી પાસે રાખેલી પોતાની કાર લેવા ગયા તે દરમિયાન દર્શન પરમાર અને અતુલ નરેશ ત્યાં ધસી આવ્યા હતા.

તે સમયે દર્શન પરમારે આધેડ દેવેન્દ્ર ભાઈને તારું મકાન ખાલી કરિદે અથવા તો સસ્તામાં વહેચી દે તેવું કહ્યું હતું. પરંતુ ફરિયાદી દેવેન્દ્ર ભાઈએ ના પાડતા ઉશ્કેરાયેલા દર્શન અને અતુલે લોખંડના પાઇપ વડે આડેધડ માર માર્યો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી બે શખસો સામે હત્યાની કોષીશનો ગુનો નોંધી આગળની તપાસ હાથઘરી છે.