Abtak Media Google News

માધાપર પાસે પુરઝડપે ઘસી આવેલી કારે સર્જ્યો જીવલેણ અકસ્માત : પુત્રીના લગ્નનના બે માસ પૂર્વે પિતાના મોતથી પરિવારમાં અરેરાટી

રાજકોટમાં  જીવલેણ અકસ્માતનું પ્રમાણ એકા એક  વધી રહ્યું છે. અને ટ્રાફિક નિયમોનો ભારે ઉલ્લઘન થઈ રહ્યો છે.ત્યારે ગઈકાલ રાત્રીના રાજકોટમાં  માધાપર ગામના ગેટ પાસે રોડ પર પુરપાટ ઝડપે ઘસી આવેલી કારે બાઇકને ઠોકરે લેતા બાઇકચાલક પોલીસ કમિશનર કચેરીના સિનિયર ક્લાર્કનું મોત નીપજ્યું હતું.બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ જામનગર હાઇવે પર માધાપર ગામના ગેટ સામે ગઈકાલ રાત્રે એક કાર પુરપાટ ઝડપે નીકળી હતી, બેકાબૂ બનેલી કારે ત્યાંથી પસાર થઇ રહેલા બાઇકને ઠોકરે લીધું  હતું. કારની ઠોકરથી બાઇકચાલક દૂર સુધી ફંગોળાયા હતા અને માથામાં ગંભીર ઇજા થતાં સ્થળ પર લોહીના થયા હતા. ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા અને 108ને જાણ કરી હતી અને ઇજાગ્રસ્તને તાકીદે સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે તેમને જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટાફ  દોડી ગયો હતો. મૃતક પાસેથી મળી આવેલા ઓળખકાર્ડના આધારે તેમની ઓળખ થઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક જામટાવર પાસેના સરકારી ક્વાર્ટર્સમાં રહેતા અને પોલીસ કમિશનર કચેરીની રજિસ્ટ્રીશાખામાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક નરેન્દ્રસિંહ મનુભા પરમાર (ઉ.વ.52) હોવાનું ખુલ્યું હતું. મૃતક નરેન્દ્રસિંહને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે, પુત્ર મુંબઇની ખાનગી કંપનીમાં નોકરી કરે છે, પુત્રીના આગામી ફેબ્રુઆરી મહિનામાં લગ્ન નક્કી થયા છે.

સિનિયર ક્લાર્ક નરેન્દ્રસિંહ કોઇ કામ સબબ પોતાનું બાઇક લઇને ગયા હતા અને માધાપર ગામના ગેટ પાસે પહોંચ્યા હતા ત્યારે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. બનાવથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે જીવલેણ અકસ્માત સર્જી નાસી છૂટેલા કારચાલકની શોધખોળ શરૂ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.