રસ્તા વચ્ચે ગાડીઓનો ખડકલો કરી બર્થ ડે ઉજવવાની ના પાડતા લુખ્ખાઓએ પીએસઆઈ સાથે કરી માથાકૂટ: બે મહિલા સહિત ચાર શખ્સોની ધરપકડ

રાજકોટમાં લુખ્ખાતત્વોમાં જાણે પોલીસનો ઓશ જ ના રહ્યો હોય તેમ ગઇ કાલે રાત્રીના સ્વામિનારાયણ ચોકમાં રસ્તો બ્લોક કરી સરાજાહેર બર્થ ડે પાર્ટી કરતા લુખ્ખાતત્વોનો પોલીસે જાહેરમાં સરભરા કરી છે. રસ્તા વચ્ચે ગાડીઓ રાખી પરિવાર અને મિત્રો સાથે બર્થ ડે સેલિબ્રેટ કરતા લુખ્ખાઓને પોલીસે રસ્તો ખાલી કરવાનું કહેતા ટ્રાફિક પીએસઆઈ પી.એલ.ધામા સહિતના સ્ટાફ સાથે ઝપાઝપી કરી પોલીસનો કાટલો પકડી ધમકી આપી હતી. જેમાં પોલીસે નવ શખ્સો સામે ફરજ રૂકાવટનો ગુનો નોંધી બે મહિલા સહિત ચાર શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પીએસઆઈ પી.એલ.ધામાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વિશાલ ભીખા જોષી નામના શખ્સની જન્મદિન ઉજવવા માટે તેના ભાઈ ઈશાન ભીખા જોષી, માતા નયનાબેન ભીખા જોષી, બેન મિતાલી ભીખા જોષી, તથા મિત્રો દર્શન નિલેશ ભટ્ટ, કિરીટ ઉર્ફે કિરો મનસુખ પીઠડીયા, વિનય ભટ્ટ, ગોપાલ બાલા બોડિયા અને સતીષ માલમ રસ્તા પર પાચ – પાચ ગાડીઓ રાખી બર્થ ડે સેલિબ્રેશન કરી રહ્યા હતા.

પોલીસે ઘટના સ્થળ પર તપાસ કરતા ગાડીઓ જાહેર રસ્તા વચ્ચે પડી હતી. જેમા એક ક્રૂઝ ગાડી જીજે ૦૩ ઇસી ૪ કાળા કલરની, એક નંબર વગરની કાળા કલરની વર્ના કાર, એક સફેદ કલરની નંબર વગરની ક્રેટા કાર, એક કાળા કલરની નંબર વગરની વર્ના તથા મહિન્દ્રા થાર કાર આ પાંચ કાર જાહેર રોડ પર બંધ કરી વચ્ચે રાખી હતી અને મહિન્દ્રા થાર કારના બોનેટ પર ૫થી ૬ કેક રાખી ત્યાં લોકો ભેગા થયા હતા. જેથી અમે ત્યાં જઇ કારો જાહેર રોડની વચ્ચેથી સાઇડમાં લઈ લેવા ત્યાં ઊભા લોકોને કહ્યું હતું.

તે દરમિયાન એક શખ્સ અમારી પાસે આવ્યો અને કહ્યું કે, તમે મને ઓળખતા નથી, હું ઇશાન જોષી છું અને આજે મારા ભાઇ વિશાલ જોષીનો જન્મદિવસ છે. હમણાં જ કેક કપાઇ જશે, તમને તેમાં શું વાંધો છે? ત્યારે ઇશાન અને તેનો ભાઇ વિશાલ બંન્ને અમને રોકવા લાગ્યા હતા અને ઝપાઝપી કરવા લાગ્યા હતા. આથી સાથેના ટીઆરબી તથા પોલીસ ડ્રાઇવર આવતા તેની સાથે પણ આ બંન્ને શખસ ઝપાઝપી કરવા લાગ્યા હતા.

જેથી તુરંત વધારાનો પોલીસ સ્ટાફ બોલાવી રસ્તા પર ઉજવણી કરી રહેલા શખ્સો સામે લાલઆંખ કરતા તમામ શખ્સોએ નાસી જવા માટે પ્રયત્ન કર્યો હતો. પરંતુ માલવિયા નગર પોલીસ મથકના સ્ટાફે નયના જોષી, મિતાલી જોષી, દર્શન ભટ્ટ અને કિરીટ ઉર્ફે કીરો પીઠડીયાની ધરપકડ કરી સરાજાહેર સરભરા કરી હતી. જ્યારે મુખ્ય સૂત્રધાર વિશાલ જોષી અને ઇશાન જોષી સહિત પાચ શખ્સોની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.