Abtak Media Google News

છેલ્લા ઘણા દિવસોથી ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ અને પાઉડરનો અયોગ્ય રીતે નિકાલ કરાતો હોવાથી પાણી દૂષિત થતા હોવાની અગાઉ અનેક ફરિયાદો ઉઠી છે ત્યારે મંગળવારે રાત્રે માંડાડુંગર પાસેની સોસાયટીમાં ઉદ્યોગમાં ઉપયોગમાં આવતો પાઉડરનો જથ્થો કોઇએ ફેંકી દીધો હતો અને આ જથ્થા પર વરસાદ પડતા ઝેરી ધુમાડો ફેલાતા એ વિસ્તારની સોસાયટીમાં રહેતા હજારો લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, ઘટનાને પગલે ફાયરબ્રિગેડ, ડિઝાસ્ટરની ટીમ અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.

Advertisement

માંડાડુંગર પાસે આવેલી માધવ સોસાયટી, ગોકુલપાર્ક, હરસિધ્ધિ, પીઠડ આઇ સોસાયટી અને રઘુનંદન સોસાયટીમાં રહેતા લોકો મંગળવારે રાત્રે આઠેક વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે અચાનક જ તીવ્ર ગંધનો અહેસાસ થયો હતો અને પવનની લહેરખી આવતી હતી તેમ તેમ ગંધની તીવ્રતા વધતી હતી અને થોડી જ વારમાં લોકોની આંખમાં બળતરા થવા લાગી હતી, મોટીવયના લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી હતી.

માધવ, ગોકુલપાર્ક, હરસિધ્ધિ, પીઠડ આઇ અને રઘુનંદન સોસાયટીમાં રહેતા 10 હજારથી વધુ લોકો કલાકો સુધી ઘરમાં પુરાઇ રહ્યા

ફાયરબ્રિગેડ અને જીપીસીબી દ્વારા સ્થિતિને કાબૂમાં લેવા કલાકો સુધી મથામણમાં કરી

આ અંગે કોઇ જાગૃત નાગરિકે જાણ કરતાં ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરતા નજીકમાં આવેલા પરશુરામ-3 ઔદ્યોગિક વસાહત નજીકની નદીના કાંઠેથી પાઉડરનો જથ્થો અને પાઉડર ભરેલા કોથળા મળી આવ્યા હતા, આ પાઉડરના જથ્થા પર સાંજે વરસાદ પડતાં પાઉડરમાંથી એમોનિયા ગેસનો ધુમાડો ઉઠ્યો હતો અને આસપાસની સોસાયટીમાં ફેલાતા લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. અનેકલોકો પોતાના ઘરમાં પુરાઇ ગયા હતા અને મોઢે રૂમાલ બાંધી તીવ્ર ગંધથી બચવાના પ્રયાસ કર્યા હતા. ફાયરબ્રિગેડ સ્ટાફે સ્થળ પર જઇ તપાસ કરતાં ફેંકાયેલા પાઉડરના જથ્થા પર વરસાદ પડવાથી ઝેરી ધુમાડો ફેલાયાનું સ્પષ્ટ થયું હતું, આ સ્થિતિમાં પાઉડર પર પાણીમારો ચલાવવામાં આવે તો વધુ ઝેરી અસર થવાની દહેશત સર્જાઇ હતી, તો પાઉડરના ઢગલા પર જેસીબીથી ધૂળના ઢગ કરી દેવાની પણ વિચારણા કરવામાં આવી હતી પરંતુ કેવા પ્રકારનો પાઉડર છે, તેમાંથી કઇ પ્રકારનો ગેસ છૂટી રહ્યો છે તે સ્પષ્ટ કરવા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી આ ટીમે અભિપ્રાય આપ્યો હતો કે, પાઉડરમાંથી એમોનિયા ગેસ જ છૂટો પડ્યો છે. જેથી હાલ આ પાવડર કોના દ્વારા ફેંકવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.