Abtak Media Google News

ખાલિસ્તાનીઓ અને ગેંગસ્ટર વિરુદ્ધ સરકારે એક્શન શરૂ કર્યા છે. એનઆઈએએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી એનસીઆર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં લગભગ 50 સ્થળોએ દરોડા પાડ્યા છે. એનઆઈએ આતંકવાદીઓ, ગેંગસ્ટરો અને ડ્રગ ડીલરો વચ્ચેની સાંઠગાંઠને ખતમ કરવા માટે સતત કાર્યવાહી કરી રહી છે. આ કાર્યવાહી એવા સમયે થઈ રહી છે જ્યારે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડા અને ભારત વચ્ચે તણાવ વધી ગયો છે.

પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી એનસીઆર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં સુરક્ષા એજન્સીની આકરી કાર્યવાહી

એનઆઈએની ટીમે પંજાબમાં સૌથી વધુ 30 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી હતી. જ્યારે રાજસ્થાનમાં 13, હરિયાણામાં 4, ઉત્તરાખંડમાં 2, દિલ્હી-એનસીઆર અને યુપીમાં 1-1 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા.

એનઆઈએના સૂત્રોના જણાવ્યા અનુસાર વિદેશમાં બેઠેલા ખાલિસ્તાની અને ગેંગસ્ટર હવાલા ચેનલ દ્વારા ભારતમાં ગ્રાઉન્ડ વર્કર્સને ડ્રગ્સ અને હથિયારો માટે ફંડિંગ કરી રહ્યા છે. ગેંગસ્ટર-ખાલિસ્તાનીઓની આ ફંડિંગ ચેઈનને ખતમ કરવા એનઆઈએની કાર્યવાહી ચાલી રહી છે.એનઆઈએની તપાસમાં ખાલિસ્તાન-આઇએસઆઈ અને ગેંગસ્ટરની સાંઠગાંઠ અંગે ઘણા ઈનપુટ એકત્ર થયા છે. અત્યાર સુધી ધરપકડ કરાયેલા ગેંગસ્ટરો અને ખાલિસ્તાનીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે ગેંગસ્ટર-ખાલિસ્તાની સાંઠગાંઠનો ઉપયોગ ટેરર ફંડિંગ, હથિયારોની સપ્લાય તેમજ વિદેશી ધરતી પરથી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે થઈ રહ્યો હતો.એનઆઇએએ હવે ખાલિસ્તાની સમર્થકો અને વિદેશી ધરતી પરથી ઓપરેટ કરતા ગેંગસ્ટરો પર મોટો હુમલો શરૂ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.