Abtak Media Google News

બે રૂમના દરવાજા બહારથી બંધ કરી સોના-ચાંદીના ઘરેણા અને રોકડનો હાથફેરો કર્યો: સીસીટીવીમાં એક શખ્સના સીસીટીવી ફુટેજ મળ્યા

શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં ગત મોડીરાતે પરિવારની ઉંઘમાં ખલેલ પાડયા વિના ઘુસેલા તસ્કરે બે રુમના દરવાજાના બંધ કરી ત્રીજા રુમમાં તિજોરી તોડી રુા.1.75 લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણા અને રોકડનો હાથફેરો કરી ગયાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. એક શખ્સના સીસીટીવી ફુટેજ મળી  આવતા પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લાતીપ્લોટ શેરી નંબર 7માં રહેતા અને એકાઉન્ટનું કામ કરતા હેરશભાઇ જગજીવનભાઇ કળેજાએ તસ્કરે તિજોરી તોડી રુા.1.75 લાખની મત્તાની ચોરી કર્યાનું બી ડિવિઝન પોલીસમાં જાહેર કર્યુ છે.

ગતરાતે હરેશભાઇ કળેજા, તેમના પત્ની અને પુત્રી એક રુમમાં સુતા હતા બાજુના રુમમાં ભત્રીજો સુતો હતો   ત્યારે તસ્કર દિવાલ કુદીને મકાનમાં આવ્યા બાદ બંને રુમના દરવાજા બંધ કરી દીધા બાદ ત્રીજા રુમમાં રહેલી તિજોરી તોડી રોકડ, સોના-ચાંદીના ઘરેણા મળી રુા.1.75 લાખની મત્તા ચોરી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે. મોડીરાતે હરેશભાઇ કળેજા જાગી જતા તેઓ રુમ બહાર આવવા પ્રયાસ કર્યો ત્યારે રુમનો દરવાજો બંધ હોવાથી પોતાના ભત્રીજાને મોબાઇલમાં વાત કરતા તેના રુમનો દરવાજો પણ બહારથી બંધ હોવાથી હરેશભાઇએ પાડોશીની સાથે મોબાઇલમાં વાત કરી દરવાજો ખોલવા જણાવ્યું હતું.

હરેશભાઇ કળેજાએ ત્રીજા રુમમાં જોયુ ત્યારે તિજોરીમાં માલ સામાન વેર વિખેર જોવા મળ્યા હતા અને તસ્કરોએ રોકડ અને સોના-ચાંદીના ઘરેણનો હાથફેરો કરી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે. બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.