રાજકોટ: આવાસ યોજનાના દસ્તાવેજની કામગીરી ઝડપી બનાવો: ડે. મેયર

મ્યુનિસિપલ કમિશનરને  રજૂઆત કરતા ડો. દર્શીતાબેન શાહ

કોર્પોરેશન દ્વારા આવાસ યોજનાના લાભાર્થીઓના દસ્તાવેજની પ્રક્રિયા ઝડપથી કરવા મ્યુની. કમિશનરને ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ દ્વારા રજુઆત કરાય છે.

તેઓએ રજૂઆતમાં જણાવ્યું છેકે,  મહાપાલિકા હસ્તકની જૂની આવાસ યોજના જેવી કે હુડકો આવાસ યોજના, 3012 આવાસ યોજના, ધરમ નગર આવાસ યોજના, ઇજઞઙ આવાસ યોજના, જે લાંબા ગાળાના હપ્તાથી જે તે લાભાર્થીઓને આ આવાસ યોજનાનો લાભ મળેલ. આ યોજનાના હપ્તા પૂર્ણ થયા બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાભાર્થીને દસ્તાવેજ કરી આપવાની કાર્યવાહી થતી હોય છે હાલ ઉક્ત કાર્યવાહી ચાલુ છે. લાભાર્થી હપ્તા પૂર્ણ થયા બાદ આવાસ યોજના વિભાગમાં દસ્તાવેજ કરવા માટે અરજી કરે ત્યાર બાદ આવાસ યોજના દ્વારા ફાઈલ બનાવી અભિપ્રાય માટે ટી.પી. શાખામાં મોકલવામાં આવે છે.

ટી.પી. શાખા દ્વારા જે તે અરજદારની અરજી અન્વયે પ્લાનમાં રહેલ જગ્યામાં કોઈ સુધારો વધારો કરેલ છે કે નહી તે ચકાસી સ્થળ તપાસ કરી નકશો બનાવ્યા બાદ નિયમો અનુસાર ફી લઇ આવાસ યોજના વિભાગ દ્વારા લાભાર્થીના દસ્તાવેજ કરી આપવામાં આવેલ છે, પરંતુ એવું ધ્યાને આવે છે કે ટી.પી. શાખા દ્વારા ચકાસણીમાં ઘણો બધો સમય લેવામાં આવે છે જેને કારણે લાભાર્થીને દસ્તાવેજ કરવા મોડુ થાય છે, જેથી લાભાર્થીની સમસ્યા ધ્યાને લઇ ઝડપથી દસ્તાવેજ થઇ શકે તેવી કાર્યવાહી કરવી જરૂરી છે, જેથી લાભાર્થીને હાલાકી ન રહે. ઉક્ત બાબત ધ્યાને લઇ સત્વરે ટી.પી. શાખા દ્વારા સ્થળ તપાસ કરી નકશો બનાવવાની કાર્યવાહી સમયસર કરી આવાસ યોજના વિભાગને ફાઈલ પરત મળે અને લાભાર્થીને ઝડપથી દસ્તાવેજ થાય તે પ્રકારે કાર્યવાહી હાથ ધરવા રજુઆતમાં કરી છે.