Abtak Media Google News

છેલ્લા બે દિવસથી પાસ ન નિકળતા મુસાફરો રઝળ્યા: દરરોજનું રૂા.૮૦ હજારનું મુસાફર પાસનું કાઉન્ટર અને રૂા.૨૦ હજારનું સ્ટુડન્ટ પાસનું કાઉન્ટર, નેટ બંધ રહેતા ડિવિઝનને રૂા.૧ લાખની દૈનિક ખોટ

સમગ્ર ગુજરાતભરમાં રાજકોટ એસ.ટી. ડિવિઝન એકમાત્ર સૌથી વધુ નફો કરતું ડિવિઝન છે જોકે અવાર-નવાર એસ.ટી. ડિવિઝનની બેદરકારીઓ સામે આવતી હોય છે ત્યારે વધુ એક બેદરકારી રાજકોટ એસ.ટી. ડિવિઝનની સામે આવી છે. રાજકોટ બસ સ્ટેશનમાં બીએસએનએલનું ઈન્ટરનેટ બિલ ન ભરતા પાસની કામગીરી છેલ્લા બે દિવસથી અટકી પડી છે. પાસ ન નિકળતા મુસાફરો રઝળી પડયા છે અને ભારે રોષ જોવા મળ્યો છે. તાત્કાલિકપણે આ સમસ્યાનો અંત આવે તેવી માંગ મુસાફરો દ્વારા કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ રાજકોટ એસ.ટી. બસ સ્ટેશન શાસ્ત્રીમેદાન ખાતે બીએસએનએલનું નેટ ચાલી રહ્યું છે. આ ઈન્ટરનેટનું બીલ ન ભર્યું હોવાની વાત સામે આવી રહી છે અને આ ઈન્ટરનેટ બિલ ન ભરાતા બે દિવસથી મુસાફરો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. આ ઉપરાંત બીજીબાજુ ઈન્ટરનેટ સેવા ન હોવાથી ટીકીટ બુકિંગ, ઓનલાઈન બુકિંગની પણ કામગીરી અટકી પડી છે. બીજીબાજુ વાત કરવામાં આવે તો રાજકોટ એસ.ટી. ડિવિઝનમાં દરરોજ રૂા.૮૦ હજારનું મુસાફર પાસનું કાઉન્ટર અને રૂા.૨૦ હજારનું સ્ટુડન્ટ પાસનું કાઉન્ટર છે એટલે જો એક દિવસ પણ રાજકોટ એસ.ટી.બસ સ્ટેશનનું ઈન્ટરનેટ બંધ રહે તો ૧ લાખની ખોટ પડે તેમ છે અને છેલ્લા બે દિવસથી ઈન્ટરનેટની સમસ્યાને લઈ મુસાફરો સહિત બસ સ્ટેશનનાં કર્મચારીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા છે.

અગાઉ પણ એસ.ટી. ડિવીઝનની આવી અનેક સમસ્યાઓ સામે આવી છે. ડિવિઝન બીલ ભરવામાં મોડુ કરે છે અને મુસાફરોને ભોગવવાનો વારો આવે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ અને અન્ય ગામમાંથી આવતા નોકરી કરતા કર્મચારીઓને આ બાબતે ખુબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. આ બાબતે રાજકોટ એસ.ટી. ડિવિઝનનાં વિભાગીય નિયામક યોગેશ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા ધ્યાને આવી કોઈ વાત આવી નથી પરંતુ તાત્કાલિક હું તપાસ કરીશ અને જો આવી વાત ધ્યાને આવશે તો મુસાફરોને કોઈપણ જાતની અવગડતા ન પડે અને ઈન્ટરનેટ સેવા ફરી ચાલુ થઈ જાય તેવા પ્રયાસ કરીશ.

ઉલ્લેખનીય છે કે, ઈન્ટરનેટ સેવા છેલ્લા બે દિવસથી બંધ હોવાથી મુસાફરોની માંગ છે કે, તાત્કાલિકપણે ઈન્ટરનેટ સેવા શરૂ થાય અને પાસ કઢાવવાની કામગીરી પણ જલ્દીથી જલ્દી ચાલુ કરવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.