Abtak Media Google News

કોર્પોરેશનમાં ભાજપના કોર્પોરેટરોની સભ્ય સંખ્યા વધતા કોન્ફરન્સ રૂમ ટૂંકો પડતા કરાયું આશરે 14 લાખના ખર્ચે રિનોવેશન

રાજકોટ શહેરના વિકાસ માટે જ્યાંથી કરોડો-અબજો રૂપિયાના વિકાસ કામો અંગે નિર્ણય લેવામાં આવે છે તે મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી સ્થિત સ્ટેન્ડિંગ કમીટીના કોન્ફરન્સ રૂમનું આશરે 14 લાખના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. રિનોવેશન કામગીરી આજે પૂર્ણ થઈ જવા પામી છે. સ્ટેન્ડિંગ કમીટીની આગામી બેઠક હવે આ અફલાતુન કોન્ફરન્સ રૂમમાં મળશે.

મહાપાલિકાની ગત સામાન્ય ચૂંટણીમાં શહેરના 18 વોર્ડ પૈકી 17 વોર્ડમાં ભાજપના કોર્પોરેટરો ચૂંટાઈ આવ્યા હતા. ભાજપના નગરસેવકોનું સભ્ય સંખ્યાબળ 68એ પહોંચી જતાં સ્ટેન્ડિંગ કમીટીનો કોન્ફરન્સ રૂમ ટૂંકો પડવા લાગ્યો હતો. સંકલન બેઠકમાં નગરસેવકોએ ભારે સકળાશ ભોગવવી પડતી હતી જેને ધ્યાનમાં રાખી કોન્ફરન્સરૂમનું રિનોવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ જૂના કોન્ફરન્સ રૂમમાં જ્યાં ગેલેરીનો પાર્ટ પડતો હતો તેનો સ્ટેન્ડિંગ રૂમમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે.

Rmc 2

આ ઉપરાંત સેક્રેટરી વિભાગના સ્ટાફ રૂમનો પણ અમુક ભાગ કપાત કરી તેને સ્ટેન્ડિંગ રૂમમાં સમાવી લેવામાં આવ્યો છે અને બેઠક વ્યવસ્થામાં વધારો કરાયો છે. રિનોવેટ કરાયેલા કોન્ફરન્સ રૂમમાં 2 કેસેટ એસી મુકવામાં આવ્યા છે. કોર્પોરેટ ટચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોન્ફરન્સ રૂમના પ્રવેશ દ્વાર પર ભગવાન ગણપતિજીની એક સુંદર મુર્તિ પણ મુકવામાં આવી છે. આ ઉપરાંત મહાપાલિકાના 2 કબુતર સાથેનો સિમ્બોલ પણ અહીં મુકાયો છે. રિનોવેશન પાછળ આશરે 14 લાખનો ખર્ચ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

કોન્ફરન્સ રૂમના રિનોવેશનની કામગીરી છેલ્લા 2 માસથી ચાલતી હોવાના કારણે સ્ટેન્ડિંગ કમીટીની બેઠક મ્યુનિ.કમિશનર વિભાગના કોન્ફરન્સ રૂમમાં મળતી હતી હવે પછીની સ્ટેન્ડિંગ બેઠક આ અફલાતુન કોન્ફરન્સ રૂમમાં મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.