Abtak Media Google News

માધાપર ચોકડીથી પુનિતનર સુધીના માર્ગ પર લકઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધના જાહેરનામાનો કડક અમલ કરાવાયો

રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યા વિકટ બનતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા 150 ફુટ રીંગ રોડ પર માધાપર ચોકડીથી પુનિતનગરના ટાંકા સુધી લકઝરી બસને પ્રવેશ પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું બહાર પાડવામાં  આવ્યું છે. આ જાહેરનામાના પગલે ટ્રાવેલ્સ સંચાલકો રોષે ભરાયા છે. અને તાજેતરમાં થયેલા જીલેણ અકસ્માત લકઝરી બસના કારણે નહી પરંતુ ડમ્પર અને ટ્રક દ્વારા થયાની તાર્કીક રજૂઆતના પગલે સાંજ સુધીમાં ડમ્પર અને ટ્રક માટે પણ 150 ફુટ રીંગ રોડ પર નો એન્ટ્રી જાહેર કરતું બીજુ જાહેરનામું બહાર પડશે તેવા નિદેશ મળી રહ્યા છે.

રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમન માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા લકઝરી બસ 150 ફુટ રીંગ રોડ પર લાંબો સમય સુધી પાર્ક રહેતી હોવાથી ટ્રાફિકની સમસ્યા ઉભી થતી હોવાના કારણોસર માત્ર લકઝરી બસના કારણે જ ટ્રાફિકની સમસ્યા હોય તેમ લકઝરી બસને માધાપર ચોકડીથી પુનિતનગર પાણીના ટાંકા સુધી અવર જવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડી તેનો કડક અમલ શરુ કરાવ્યો છે.

બીજી તરફ શહેરમાં અત્યાર સુધીમાં લકઝરી બસના કારણે એક પણ જીવલેણ અકસ્માત ન થયાનું આગળ ધરી તાજેતરમાં જ અયોધ્યા ચોકમાં ડમ્પરના ચાલકે એક સાથે બે સગા ભાઇઓને ચગદી નાખતા બંનેના ઘટના સ્થળે મોત નીપજ્યાનું પોલીસમાં નોંધાયું છે. ત્યારે ડમ્પર અને ટ્રક માટે 150 ફુટ રીંગ રોડ પર માતેલા સાંઢની જેમ ચલાવવાની કેમ છુટ આપવામાં આવી તેવા સવાલ થઇ રહ્યા છે.

આ અંગે ટ્રાફિક બ્રાન્ચના એસીપી જે.બી.ગઢવીએ સાંજ સુધીમાં ડમ્પર અને ટ્રક માટે નો એન્ટ્રીનું વધુ એક જાહેરનામું બહાર પાડવામાં આવશે અને 150 ફુટ રીંગ રોડ પર માધાપર ચોકડીથી પુનિતનગર પાણીના ટાંકા સુધી ડમ્પર અને ટ્રકને પણ પ્રવેશ પ્રતિબંધ ફરમાવવામાં આવશે તેમ જણાવ્યું છે.

ટ્રાવેલ્સ સંચાલકોના પ્રશ્નનો ઉકેલ લાવવા સાંસદ અને ધારાસભ્યની હૈયાધારણા

ટ્રાવેલ્સ સંચાલકો આવતીકાલે પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવશે

150 ફુટ રીંગ રોડ પર ખાનગી લકઝરી બસને નો એન્ટ્રીના જાહેરનામા અંગે ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્/ય રમેશભાઇ ટીલારા અને શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીને મળી પોલીસ કમિશનરના જાહેરનામાના કારણે પોતાના ધંધા બંધ થઇ જશે, મુસાફરોને શહેરની બહાર ઉતારવાના કારણે રિક્ષા ભાડુ વધુ ચુકવવુ પડશે તેમજ લકઝરી બસના કારણે શહેરમાં એક પણ જીવલેણ અકસ્માત થયો નથી તેમ છતાં લકઝરી બસને શહેરમાં પ્રવેશ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવાની રજુઆત કર્યાનું ટ્રાવેલ્સ સંચાલકના પ્રમુખ દશરથભાઇ વાળાએ જણાવ્યું હતું. ટ્રાવેલ્સ સંચાલકોના પ્રશ્ર્નનો બે દિવસમાં સુખદ ઉકેલ લાવવાની સાંસદ, ધારાસભ્ય અને ભાજપ શહેર પ્રમુખ દ્વારા હૈયાધારણા આપવામાં આવી છે. આવતીકાલે ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.