Abtak Media Google News

તા. ૩૦, ગુજરાતના સ્‍થાપના દિન નિમિતે વિશ્વભરના ગુજરાતીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવતાં ભાજપના અગ્રણી શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્‍યું છે કે, “પહેલી મેનો દિવસ માત્ર ગુજરાતની પ્રજા માટે જ નહીં પરંતુ, વિશ્વના ખૂણે ખૂણે વસતા અબાલ-વૃદ્ધ, સર્વે ગુજરાતીઓ માટે ગૌરવવંતો અને સ્‍વાભિમાનનો દિવસ છે. ગુજરાતની ભવ્ય કલા-સંસ્‍કૃતિ, સંત અને શૂરવીરો, સાહિત્‍યકારો, જાહેર જીવનના પ્રતિષ્ઠિત અગ્રણીઓ, નેતાઓ, લોકસેવકો, દેશભકતો અને ગુજરાતી અસ્મિતાના ભેખધારીઓનાં અનન્ય પ્રદાન તેમજ સમર્પણને વાગોળવાનો, ગર્વ અનુભવવાનો આ દિવસ છે. જય જય ગરવી ગુજરાત ગાતી ભવ્ય પરંપરા અને નમામિ દેવી નર્મદેનું સાંસ્કૃતિક ગાન આ સભ્યતાની ઓળખ છે.”

Advertisement

જય જય ગરવી ગુજરાત, દીપે અરુણુ પરભાત ,
ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત.

એક નિવેદનમાં શ્રી ધ્રુવે જણાવ્યું છે કે, “આજે આપણને સહુને ગુજરાતનાં પ્રાચીન ઈતિહાસથી લઈને તારીખ પહેલી મે ૧૯૬૦ના રોજ સ્વતંત્ર ભારતના રાજ્ય તરીકે ગુજરાત અસ્‍તિત્‍વમાં આવ્યું ત્યાં સુધીના મહાગુજરાતીઓ જેવા કે, મહાત્‍મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, આદ્ય કવિ નરસિંહ મહેતા, ક્રાંતિવીર કવિ નર્મદ, રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, ગુજરાતની અસ્‍મિતાનાં સ્‍વપ્‍નદૃષ્‍ટા કનૈયાલાલ મુનશી જેવા અનેક મહાનુભાવોનું સ્‍મરણ થઈ આવે એ સ્‍વાભાવિક છે. આપણી કળા અને સંત પરંપરાની વિરાસત સમા ગુર્જરરત્નો સ્‍વામી દયાનંદ સરસ્‍વતી, સ્‍વામિનારાયણ પરંપરાના સહજાનંદ સ્‍વામી, પ્રેમાનંદ, બાલશંકર, કવિ કલાપી અને કેટકેટલા સાક્ષરોએ ગુજરાતની ગરીમાને, સાંસ્‍કૃતિક પરંપરાને સિંચી છે, પોષી છે અને નવી નવી ઊંચાઈઓ બક્ષી છે. આપણી ધર્મધ્‍વજાના બે મહત્‍વના શિખર સમાન સોમનાથ જયોતિર્લીંગ અને દેવભૂમિ દ્વારકા અનેક પ્રચંડ આક્રમણોનો સામનો કર્યા પછી આજે પણ એટલાં જ ભવ્ય, દિવ્ય અને દેદીપ્‍યમાન રહ્યાં છે.”

જય સોમનાથ, જય દ્વારકેશ,
જય બોલો વિશ્વના નાથની,
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ,
યશગાથા ગુજરાતની…

“ગુજરાતની ધર્મ સંસ્‍કૃતિને દાદા મેકરણ જેવા અનેક સંતોએ સિંચી છે તે કચ્‍છ, સૌરાષ્ટ્રની ધરતી પર દેહોત્સર્ગ પામેલા ભગવાન શ્રી કૃષ્‍ણ અને આધુનિક ભારતનાં ‘યોદ્ધા’ સ્‍વામી વિવેકાનંદ આ બધાને આ ‘સોમભૂમિ’એ આવકાર્યા હતા અને સગી માથી વિશેષ પ્રેમ આપ્યો હતો. જેની તુલના હિમાલય સાથે કરવામાં આવે છે તે ગરવો ગઢ ગિરનાર અને પવિત્રતમ તીર્થ શેત્રુંજયની દિવ્યભૂમિ અનેક શૂરા, સંતો અને તીર્થંકરોની અધ્યાત્મિકતાની સાક્ષી પૂરે છે. એવી ગુજરાતની આપણી આ પવિત્ર ભૂમિએ રાષ્ટ્રને ૧૮૫૭થી શરૂ થયેલા સ્‍વાતંત્ર્ય આંદોલનમાં પુરાણી બંધુઓ, ભગતસિંહના સાથી ભગવતીચરણ અને દુર્ગાભાભી, ‘ગદર’નો ક્રાંતિકાર છગન ખેરાજ વર્મા, પંડિત શ્‍યામજી કૃષ્‍ણ વર્મા, સરદારસિંહ રાણા, મેડમ કામા જેવા જવલંત દેશભકતો આપ્‍યા છે. આ ઉપરાંત, ઈંદુલાલ યાજ્ઞિક, મહાદેવભાઈ દેસાઈ, ગોપાળદાસ નાનાભાઈ ભટ્ટ, પ્રભાશંકર પટ્ટણી, મોતીભાઈ અમીન, ઠક્કરબાપા, ભિક્ષુ અખંડાનંદ, પંડિત સુખલાલજી, રણજીતરામ મહેતા, કસ્‍તુરભાઈ લાલભાઈ, રવિશંકર મહારાજ, ગીજુભાઈ બધેકા, સ્‍વામી આનંદ, જીવરાજ મહેતા, ભાઈકાકા, રવિશંકર રાવળ, ડૉ. હોમી જહાંગીર ભાભા, વિક્રમ સારાભાઈ જેવા અનેક મહાનુભાવો ગુજરાતે આપ્‍યા જેઓએ ભારતીય અસ્મિતાની જાળવણીમાં પણ અમુલ્ય યોગદાન આપ્યું છે.”

તારા સપૂતો આ નૈયા ઝુકાવી,
શ્રધ્ધા-હલેસે હંકારે નિત્યે,
વિશ્વે વગાડે ડંકાઓ તારા,
ફેલાવે શાન ઓ, ગુજરાત માત.

“આધુનિક ગુજરાતનું ઘડતર કરનાર મહાનાયકો અને ઘટનાઓને યાદ કરીએ તો ‘મહાગુજરાત’ આંદોલન, બારડોલી સત્‍યાગ્રહ, દાંડીકૂચ, સુરત, હરિપુરાના પ્રજાકીય અધિવેશન, ગોધરાની રાજકીય પરિષદ, સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રના અર્વાચીન મશાલચી એવા પ્રથમ ગુજરાતી નારી લેખિકા જમનાબાઈ પંડિત, સુધારક રાજવી સયાજીરાવ ગાયકવાડ, ભગવદ્દ ગોમંડલનાં પ્રેરક પ્રજાવત્‍સલ મહારાજા ભગતસિંહ, રાણપુરમાં સૌરાષ્‍ટ્રપત્રની આહલેક જગાવનાર અમૃતલાલ દલપતરામ શેઠ, ભીલ સેવાવ્રતી ઠક્કરબાપા, કવિવર્ય ઉમાશંકર જોષી, પ્રા. પુરૂષોત્તમ ગણેશ માવળંકર, પ્રખર ધારાશાસ્ત્રી ચંદ્રકાંત દરૂ જેવા ધુરંધરો સ્મૃતિપટ પર છવાઈ જાય છે, આ સર્વે કોઈ વ્‍યકિતવિશેષના ઉદાહરણો જ નહીં પરંતુ, ગુજરાતની અસ્‍મિતાનાં ભવ્ય પ્રતીકો, સ્મારકો છે.”

તને નમુ,તને જપું,તારા અહર્નિશ ગાન ગાઉં
હર પળે,ને હર જગે, શિર નમે તુજને ગુજરાત.

“સ્વાતંત્ર્ય-પ્રાપ્તિ પછીના ૫૮ વર્ષની લાંબી યાત્રા બાદ સાંસ્‍કૃતિક અને વિકસિત રાજય તરીકેની ખમીરવંતા ગુજરાતની ઓળખને વૈશ્વિક ફલક ઉપર ગૌરવાન્‍વિત કરવાનું શ્રેય ગુજરાતનાં પૂર્વ મુખ્‍યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને ફાળે જાય છે. ગુજરાતની સ્‍થાપનાના પંચાવનમા વર્ષે રાજયનું સુકાન મહિલા અગ્રણીને સોંપવાનો વિચાર શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને આવ્‍યો અને શ્રીમતી આનંદીબેન પટેલ રાજયના પ્રથમ મહિલા મુખ્‍યમંત્રી બન્યાં હતાં. ગુજરાતે દેશને બે વડાપ્રધાન મોરાજીભાઈ દેસાઈ અને નરેન્‍દ્રભાઈ મોદી આપ્‍યા છે. ગુજરાતની ધરતીએ અને પ્રજાએ ભીષણ ઝંઝાવાતો, સુનામી, પૂર, ધરતીકંપો સહન કર્યા છે. વિદેશી આક્રમણોનો રકતપાત ઝેલ્યો છે. આંતરીક ઠગ-માફિયાગીરી અને પીંઢારાશાહી વેઠી છે તેમ છતાં, ગુજરાતની સાહસ અને શૌર્યભરી પ્રજાએ પોતાના ખમીર, પોતાની અસ્મિતાને ઊની આંચ આવવા દીધી નથી. અસ્‍તિત્‍વની સફળ લડાઈઓ લડીને ગુજરાત વિકાસમાં સદૈવ અગ્રેસર રહ્યુ છે. આજે તમામ ગુજરાતીઓને પોતાના ધર્મ, ઈતિહાસ, સંસ્‍કૃતિ અને કલા માટે ગૌરવ છે.” આવી અનોખી, અનન્ય ગુજરાતી પ્રજાને ગુજરાત સ્‍થાપના દિન નિમિતે ભાજપ અગ્રણી શ્રી રાજુભાઈ ધ્રુવે વધુમાં વધુ પ્રગતિ કરી વિકાસ અને કલ્‍યાણના માર્ગે સદાય અગ્રેસર રહે તેવી શુભેચ્‍છાઓ પાઠવી છે અને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ, લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી સહિત સમગ્ર ભાજપનું નેતૃત્‍વ ગૌરવવંતા ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઇ જવા કટીબદ્ધ હોવાની ખાતરી આપી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.