Abtak Media Google News

ચૂંટણી માટેની મતદાન પઘ્ધતિ અને વોટ કઇ રીતે મંજૂર-નામંજૂર થશે તેની આચારસંહિતા ધારાસભ્યોને મોકલાઇ

રાજ્યસભાની ૩ બેઠકો માટે યોજાનારી ચૂંટણી ઓપન બેલેટ પધ્ધતિથી યોજાવાની હોવાથી ચૂંટણી મેદાનમાં ઉતરેલા ઉમેદવારોએ પોતાના એજન્ટની નિમણૂક કરી દીધી છે. જ્યારે બીજીબાજુ મદદનીશ નિર્વાચન અધિકારીએ રાજ્યસભાની આ ચૂંટણી માટેની મતદાન પધ્ધતિ અને કઈ રીતે વોટ મંજૂર કે નામંજૂર થશે, તેની આચારસંહિતા તમામ ધારાસભ્યોને મોકલી આપી છે. જેમાં જણાવ્યા અનુસાર આ ચૂંટણી માટે દરેક મતદાર ધારાસભ્યએ પોતે કોને વોટ આપ્યો છે. તે મતપત્રક જે તે પક્ષના ઉમેદવારના એજન્ટને બતાવવું પડશે. જો નહીં બતાવે તો વોટ રદ થશે. એવી જ રીતે દરેક મતદાર ધારાસભ્યએ મતપત્રમાં ઉમેદવારની સામેના ખાના એકવાર ૧નો આંકડો લખવો ફરજિયાત છે. તે પછી તેઓ ૨,૩,૪ દર્શાવી શકશે. કે નોટા ઉપયોગ કરી શકશે.રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠકો માટે ૮મી, ઓગસ્ટે, ગાંધીનગર, સ્વર્ણિમ સંકુલ-૨ના સાપુતારા હોલમાં સવારના ૯ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધીમાં મતદાન યોજાશે ત્યારબાદ તરત જ મત-ગણતરી હાથ ધરાશે અને તે જ દિવસે ભારતના ચૂંટણી પંચની સંમતિથી પરિણામ જાહેર કરાશે. ગુજરાતમાં કોંગ્રેસના ૬ ધારાસભ્યોએ તાજેતરમાં ધારાસભ્ય પદેથી રાજીનામા આપી દીધા છે અને હજુ કેટલાક સભ્યો કોંગ્રેસમાંથી રાજીનામા આપે કે ક્રોસ વોટીંગ કરે તેવી વ્યક્ત થતી સંભાવનાને પગલે રાજ્યસભાની ચૂંટણી રસપ્રદ બની ચૂકી છે. આવી પરિસ્થિતિમાં ચૂંટણી અધિકારીએ જાહેર કરેલી આચારસંહિતા પ્રમાણે, આ ચૂંટણીમાં ૪ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. તે પૈકી ત્રણ ઉમદેવારને ચૂંટવાના હોવાથી મતપત્રક ઉપર પ્રથમ પસંદગીના નામ સામે પસંદગીનો ક્રમ દર્શાવો લખેલા ખાનામાં ૧નો આંકડો લખીને વોટ આપવો પડશે. ત્યારબાદ ૨,૩,૪નો આંકડો લખી શકાય અને ન પણ દર્શાવો તો ચાલશે. આમ, ઉમેદવારોમાંથી કોઈપણ એકના નામની સામે ૧નો આંકડો દર્શાવવો ફરજિયાત છે. બાકીના ઉમેદવારો માટે ૨,૩ વગેરે દર્શાવવા વૈકલ્પિક છે એટલે કે ફરજિયાત નથી.

કોઈ ઉમદેવારને ચૂંટવા માંગતો ન હોય તો ધારાસભ્ય મતપત્રમાં ગઘઝઅ (નોટા) સામે પસંદગીનો ક્રમ દર્શાવોના ખાનામાં ૧ દર્શાવવાનો રહેશે. નોટાના ખાનાની સામે ૧ના બદલે, ૨,૩,૪ પણ દર્શાવી શકાશે. આ ૧નો આંકડો માત્ર એક ઉમેદવારના નામ સામે અથવા નોટોના ખાનાની સામે મૂકી શકાશે. કોઈપણ ધારાસભ્ય ૧,૨,૩,૪ના બદલે એક,બે,ત્રણ,ચાર એમ લખી શકશે નહીં. મતપત્રકમાં નોંધવા માટે અધિકૃત ખાસ પેનનો જ ઉપયોગ કરાશે. કોઈપણ પ્રકારની નિશાની પણ કરી નહીં શકાય. પંચ દ્વારા નક્કી કરાયેલી આચારસંહિતા મુજબ, કોઈ ધારાસભ્ય માટે મતદાન મથકમાં ફોન, સેલ ફોન, વાયરલેસ સેટ લઈ જવા પર પ્રતિબંધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.