Abtak Media Google News

સરકારી સહાયનો ‘સિંહફાળો’ લઇ લેતો વાઘ!

એશિયાટીક સિંહ અને બંગાળના વાઘને સંરક્ષીત પ્રાણીઓની કેટેગરીમાં મુકવામાં આવ્યા છે. પરંતુ આ બન્ને પ્રાણીઓને બચાવવા અને સંવર્ધન માટે મળતા ફંડમાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને એશિયાટીક સિંહના સંવર્ધન માટે સરકાર દ્વારા મળતુ ફંડ ખુબજ ઓછું હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. બીજી તરફ વાઘના સંવર્ધન અને રક્ષણ માટે છુટથી ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ પરિસ્થિતિમાં જંગલના રાજા સાથે ઓરમાયુ વર્તન થઈ રહ્યું હોવાનું દેખાઈ રહ્યું છે.

એક અહેવાલમાં બહાર આવ્યું છે કે, બંગાળના વાઘ માટે ફાળવાતી રકમના માત્ર ૨.૬ ટકા રકમ સિંહ પાછળ વાપરવામાં આવે છે. ૨૦૧૨-૧૩ની સાલમાં ભારતમાં વાઘ માટે સરકાર દ્વારા ૧૬૨.૮૭ કરોડ ફાળવવામાં આવ્યા હતા. જેની સામે ગુજરાતના સિંહ માટે ૫.૧૮ કરોડ મળ્યા હતા. આવી રીતે છેલ્લા ૨૦૧૬-૧૭માં વાઘ માટે ૩૪૨.૨૫ કરોડ જયારે સિંહ માટે માત્ર ૪.૯૮ કરોડ જ જાહેર થયા હતા. ૫ વર્ષના કુલ આંકડા જોઈએ તો અત્યાર સુધીમાં વાઘના સંવર્ધન અને રક્ષણ માટે ૧૦૦૭.૨૭ કરોડ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે. જયારે સિંહ માટે આ રકમના ૨.૬ ટકા એટલે કે ૨૫.૮૫ કરોડની રકમ જારી કરવામાં આવી છે.

બીજી તથ્ય એ છે કે ભારતમાં ૨૦૧૪ની ગણતરી પ્રમાણે વાઘની સંખ્યા ૨૨૨૬ છે. જયારે ૨૦૧૫ની ગણતરી પ્રમાણે સિંહ માત્ર ૫૨૭ જ છે. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે, સિંહના ભાગનો ફાળો પણ વાઘને મળી રહ્યો છે. એક તરફ સિંહના સંવર્ધન માટે ગુજરાત સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે અને સંવર્ધનની લાંબાગાળાની યોજના અમલી થાય તે માટે પણ વિચારણા થઈ રહી છે પરંતુ આ કામગીરીની સફળતા માટે પહેલા વાઘ ઉપર જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું છે તે રીતે જો સિંહના સંવર્ધન માટે પુરતી રકમ ફાળવવામાં આવે તો ભવિષ્યમાં સિંહની સંખ્યા પણ વાઘની જેમ વધી શકે તેમ છે.

આ અગાઉ પાર્લામેન્ટરી કમીટી દ્વારા પણ પ્રોજેકટ લાયનને પ્રોજેકટ ટાઈગરની દિશામાં જ આગળ ધપાવવા માટે સુચન આપવામાં આવ્યું હતું. અગાઉ ગુજરાત દ્વારા ૨૬૪ કરોડના સંવર્ધન પ્રોજેકટ માટેની દરખાસ્ત થઈ હતી. ત્યારબાદ ૨૦૧૧ની સાલમાં આ રકમને ૧૫૦ કરોડ કરવામાં આવી હતી અને તે પણ મંજૂર થઈ ન હતી. આ પરિસ્થિતિમાં હવે કેન્દ્ર અને રાજય સરકાર ગુજરાતના સિંહ બાબતે વધુ જાગૃત અને સચેત બન્યા હોવાથી નજીકના ભવિષ્યમાં સિંહના સંવધર્ન માટે ખુબ મહત્વના અને અસરકારક પગલા ભરવામાં આવશે તેવું દેખાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.