Abtak Media Google News

હીપેટાઈટીટીસ-સીની સારવાર માટે શોધાયેલી રેમડેસિવિર દવા કોરોના વાયરસ સામેની લડાઈમાં મદદરૂપ: કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોનાં અભ્યાસમાં ખૂલાસો

કોરોના વાયરસથી ઉભી થયેલી વૈશ્ર્વિક મહામારીથી વિશ્વભરનાં દેશોમાં આર્થિક, સામાજીક, માનસિક એમ દરેક ક્ષેત્રે ગંભીર નકારાત્મક અસરો ઉપજી છે. આ મહામારીને નાથવા ‘સચોટ’ રસીની શોધમાં વૈજ્ઞાનિકો, સરકાર અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સહિત દવા ઉત્પાદક કંપનીઓ જુટાઈ છે. કોરોનાને નાથતી સચોટ રસી તો હજુ શોધાઈ જ નથી અનેક પડકારોને લઈ રસીની રસ્સાખેંચ જામી છે. આ રસ્સાખેંચ વચ્ચે કઈ રસી સૌથી વધુ અસરકારક છે?? તેની આડઅસર ઉપજે છે કે કેમ?? આડઅસર થાય છે તો કેવી અને કયા પ્રકારની ?? આ બધા પ્રશ્ર્નો વચ્ચે રસીની ‘સચોટતા’ નકકી કરવી ખૂબ મુશ્કેલ છે.ત્યારે આ પ્રશ્ર્નો વચ્ચે એન્ટીવાયરસ દવા રેમડેસિવિરને લઈ નવો ખૂલાસો અને ઉમ્મીદ જાગી છે. કોરોના સામેની લડાઈમાં રેમડેસિવિર જ એક માત્ર સહારો હોવાનું યુકેના કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોએ એક અભ્યાસમાં જણાવ્યું છે.

કોરોના વાયરસને ખત્મ કરી મહામારીમાંથી ઉગરવારસી ઉપરાંત, વિવિધ જાતની દવાઓ ઉપર પણ હાલ શોધખોળ ચાલુ છે. રેમડેસિવિર દવા કે જેના ઉપર અગાઉ એક અભ્યાસ કરાયો હતો જેનાં આધારે જાણવા મળ્યું હતુ કે કોરોના સામેની લડાઈમાં રેમડેસિવિર દવા ખૂબ મદદરૂપ સાબિત થઈ રહી છે. પરંતુ ત્યારબાદ ગત ઓકટોબર માસમાં કરાયેલા અધ્યયનમાં એવો ખુલાસો થયો હતો કે, આ દવા કોરોનાને કારણે થતા મૃત્યુના દર પર કોઈ અસરકારક સાબિત થઈ રહી નથી. ત્યારે હવે, કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા ફરી એક અભ્યાસ કરાયો છે. જેમણે જણાવ્યું છે કે, દવા કોરોના વિરૂધ્ધ ખૂબ અસરકારક છે. હાલ રેમડેસિવિર સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

જોકે, સંશોધકો દ્વારા આ અભ્યાસ એક જ દર્દી પર કરાયો હતો. સંશોધકોએ આ રીપોર્ટ નેચર કોમ્યુનિકેશન પત્રિકામાં પ્રકાશિત કરી જણાવ્યું કે, રેમડેસિવિર દવાની શોધ અને વિકાસ હેપેટાઈટીસ-સી માટે થયો હતો. પરંતુ હવે તેનો ઉપયોગ પરીક્ષણ બાદ ઈબોલા અને કોરોના વાયરસ વિરૂધ્ધ થઈ રહ્યો છે.

કેમ્બ્રિજ વિશ્ર્વવિદ્યાલયના જેમ્સ થાવેનતીરને જણાવ્યું કે, કોરોનાગ્રસ્ત એક ૩૧ વર્ષિય દર્દી પર રેમડેસિવિર દવાનું પરીક્ષણ કરાયું હતુ. જે ઘણા અંશે મદદગાર નીવડયું છે. આ દવા રોગપ્રતિકારક શકિત વધારવામાં મદદ કરે છે. જેના પરિણામ સ્વરૂપ કોરોના લક્ષણ જેવા કે, તાવ, ક્ફ, શ્ર્વાસ લેવામા તકલીફ વગેરેને ઘટાડે છે.

સરકારે રસીકરણ ઝુંબેશ શરૂ કરી દીધી છે. જેઅંતર્ગતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ માહિતી આપતા જણાવ્યું છે કે ભારત કોવિડ ૧૯ના રસીકરણ અભિયાન માટે સજજ થઈ ગયું છે. અને આ માટે દેશમાં ૨૯ હજાર કોલ્ડ ચેઈન પોઈન્ટ, ૪૧ હજાર ડિપફ્રીઝર, ૭૦ વોક-ઈન-ફીઝર, ૪૫ હજાર આઈસલીન્ઝ ફીઝર, ૩૦૦ સોલાર ફ્રીઝરની વ્યવસ્થા પૂર્ણ થઈ ચૂકી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણે જણાવ્યું કે, આ બધી સુવિધા માટે રાજયોને આદેશો જારી કરાયા છે. તેમજ તમામ સાધન સરંજામ અને રસીકરણ માટે જરૂરી એવી ચીજ વસ્તુઓ રાજયોને ફાળવવામાં આવી રહી છે. આ માટે અધિકારીઓને પણ કેન્દ્ર પર તૈનાત રહેવા આદેશ આપ્યા છે. રસીકરણ ઝુંબેશ માટે ઓનલાઈન પ્લેટફોર્મ વિકસાવાયું છે.

કોરોના રસી માટે ‘બેન્ડ, વાજા અને બારાત’ તૈયાર…

કોરોના મહામારીને નાબૂદ કરવા વિશ્વભરનાં દેશોની સરકારો અથાગ પ્રયાસો કરી રહી છે. પોતાના નાગરિકોને જટથી કોરોનાની રસી મળે અને મહામારીમાંથી મૂકત થાય એ માટે કવાયત હાથ ધરાઈ છે. ત્યારે ભારતમાં પણ કોરોના રસી માટે ‘બેન્ડ, બાજા અને બારાત…’ તૈયાર થઈ ચૂકયા છે. પરંતુ વરરાજા રૂપે ‘રસી’ની હજુ રાહ જોવાઈ રહી છે. લગ્ન માટે જેમ બેન્ડ, વાજા અને બારાત તૈયાર હોય, તેમ રસીકરણ માટે સરકાર, લોકો અને સંશોધકો તૈયાર થઈ ગયા છે. પણ મુખ્ય હથિયાર ‘રસી’ની રાહ જોવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.