Abtak Media Google News

પ્રથમ ફેઇઝ માટે રૂ.49 કરોડ ફાળવાશે, ટૂંકમાં ટેન્ડર પ્રસિદ્વ કરાશે: મેયર ડો.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલની જાહેરાત

વર્ષોથી ફાઇલોમાં અટવાયેલો રામનાથ મહાદેવ મંદિર ર્જીણોધ્ધાર અને આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું સપનું હવે સાકાર થશે. રામનાથ મહાદેવ મંદિર અને આજી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર દ્વારા 172 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હોવાની જાહેરાત આજે મેયર ડો.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ દ્વારા કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રસિદ્વ કરવા સહિતની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. દરમિયાન આજે પોતાના ડ્રીમ પ્રોજેક્ટ સાકાર થવાનું શરૂ થતાં મેયરે રામનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, શહેરી વિકાસ મંત્રી વિનોદભાઇ મોરડીયા અને વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઇ રૈયાણીનો આભાર માન્યો હતો.

Screenshot 3 15Screenshot 4 12Screenshot 1 27Unnamed File 1Untitled 1 Recovered Recovered 120Screenshot 2 20

મેયર ડો.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે 11 કિલોમીટરનો વિસ્તાર ધરાવતી આજી નદીને સાબરમતી રિવરફ્રન્ટ માફક ડેવલપ કરવા માટે કોર્પોરેશન દ્વારા વર્ષો પહેલા પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો. જેનો અંદાજે ખર્ચ રૂ.1200 કરોડ થાય તેમ હતો. દરમિયાન તાજેતરમાં રામનાથ મહાદેવ મંદિર અને આજી નદીનો સવા કિલોમીટરના વિસ્તારને ડેવલપ કરવા માટે કોર્પોરેશન દ્વારા નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. આ માટે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું કામ કરનાર એજન્સીની નિયુક્તી કરવામાં આવી હતી. રામનાથ મહાદેવ મંદિરના ર્જીણોધ્ધાર અને તેને લાગૂ આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે થોડા સમય પહેલા મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું અને રૂ.187 કરોડની ગ્રાન્ટની માંગણી કરવામાં આવી હતી. દરમિયાન આજે રાજ્ય સરકાર દ્વારા રાજકોટવાસીઓ જેના પ્રત્યે ખૂબ જ આસ્થા ધરાવે છે તે રામનાથ મહાદેવ મંદિરના ડેવલપમેન્ટ અને આજી રિવરફ્રન્ટ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખના કામો હેઠળ રૂ.171.95 કરોડની ફાળવણી કરી છે. તબક્કાવાર જેમ કામ પુરું થશે તેમ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં એક સાથે 49 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે હવે મહાપાલિકા દ્વારા ટૂંક સમયમાં ટેન્ડર પ્રસિદ્વ કરવા સહિતની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં આશરે અઢીથી ત્રણ વર્ષ લાગશે. પ્રોજેક્ટ સાકાર થતાંની સાથે જ રાજકોટવાસીઓને એક નવલું નજરાણું મળી રહેશે. આ પ્રોજેક્ટ અંતર્ગત દર વર્ષે ચોમાસાની સિઝનમાં આજી નદીના ગંદારા પાણીથી રામનાથ મહાદેવનો જળાભિષેક થાય છે તે અટકશે સાથોસાથ નદીના વહેણને બદલાવવા માટે દિવાલનું નિર્માણ કરવામાં આવશે. મંદિરના ર્જીણોધ્ધાર ઉપરાંત વિશાળ પાર્કીંગ એરિયા, ટેમ્પલ પ્લાઝા, કિયોસ્ક, લેન્ડ સ્ક્રેપિંગ અને ભવિષ્યમાં વધુ ડેવલપને ધ્યાનમાં રાખી જગ્યા અનામત રાખવામાં આવશે. પ્રથમ તબક્કે રામનાથ મંદિરનો ર્જીણોધ્ધાર કરવામાં આવશે. સાથોસાથ મંદિરની બંને બાજુ 500-500 મીટર આજી નદીમાં રિવરફ્રન્ટની કામગીરી હાથ ધરવામાં આવશે. ભવિષ્યમાં 11 કિલોમીટરની આજી નદીમાં અન્ય વિકાસ કામો પણ હાથ ધરવામાં આવશે.

આજનો દિવસ મારા માટે ઐતિહાસિક: મેયર

Img 20220916 Wa0244

મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે 12 માર્ચ, 2021ના રોજ જ્યારે મેં રાજકોટના મેયર તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે મેં જણાવ્યું હતું કે રામનાથ મહાદેવ મંદિરનું ડેવલપમેન્ટ અને આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ મારા ડ્રિમ પ્રોજેક્ટ છે. દરમિયાન છેલ્લા દોઢ વર્ષના મેયર તરીકેના મારા કાર્યકાળમાં આ પ્રોજેક્ટ માટે મેં ખૂબ જ વ્યક્તિગત રસ લીધો છે. છેલ્લા 12 વર્ષથી પર્યાવરણ વિકાસ દ્વારા ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવતુ ન હતું જે મળ્યું છે. દરમિયાન આજે આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે 172 રૂપિયાની ફાળવણી કરતા આજનો દિવસ મારી જીંદગીનો ઐતિહાસિક દિવસ છે. આજે બપોરે હું રામનાથ મહાદેવ સમક્ષ શીશ ઝૂકાવીશ અને આ પ્રોજેક્ટ ઝડપથી સાકાર થાય તે દિશામાં કામગીરી પણ ચાલુ કરી દઇશ. શહેરના છેવાડાના માનવીને પ્રાથમિક સુવિધા મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવશે. તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપરાંત શહેરી વિકાસ મંત્રી વિનોદભાઇ મોરડીયા અને વાહન વ્યવહારમંત્રી અરવિંદ રૈયાણીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.