Abtak Media Google News

પરમ ગુરુદેવની 32મી  દીક્ષા જયંતિ નિમિત્તે પારસધામમાં  પાંચ દિવસીય ’પરમ આનંદ’ ઉત્સવ

 

પારસધામ ખાતે ‘આનંદની લાઇફસ્ટાઇલ’ ‘આપના જેવી સ્માઇલ’ ’ઇનડીપેનડેન્ટ આનંદ’ જેવા અનેક કાર્યક્રમનું આયોજન

કચ્છની ધરા પર જૈન – જૈનેત્તર ભાવિકોને ધર્મભાવથી ભાવિત કરતું ઐતિહાસિક ચાતુર્માસ પરિપૂર્ણ કરીને ગોંડલ, જેતપુર, રાજકોટ, જુનાગઢ, અમદાવાદ, પાલીતાણા, બરોડા આદિ અનેક ક્ષેત્રોમાં ધર્મ પ્રભાવના કરતાં કરતાં ફરી મુંબઈ મહાનગરીને પાવન કરવા પધારી રહેલા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના આગમનને અત્યંત આનંદ- ઉત્સાહ અને અહોભાવથી વધાવવા મુંબઈના ભાવિકો આતુર બની રહ્યાં છે.લાંબા સમય બાદ મુંબઈ પધારી રહેલાં પરમ ગુરુદેવના મંગલ પ્રવેશ અવસરે ભવ્ય સ્વાગત શોભાયાત્રા  5મી. ફેબ્રુઆરી, 2023ના દિવસે, સવારે 8:00 કલાકે અનન્ય ગુરુભક્ત મહેતા પરિવારના નિવાસસ્થાન – 701 , વિશ્વમિત્રા રામબાણ ચોક, ઘાટકોપર (ઇસ્ટ)થી પ્રારંભ થઈને જયકાર ગુંજાવતી પારસધામના આંગણે વિરામ પામશે.સોનામાં સુગંધ ભળે એમ 10મી ફેબ્રુઆરીના દિવસે પરમ ગુરુદેવ સંયમ જીવનના 32 વર્ષ પૂર્ણ કરીને 33માં વર્ષનો મંગલમય પ્રારંભ કરી રહ્યાં છે ત્યારે તેમના સંયમ જીવનની અનુમોદના સ્વરૂપ પરમ આનંદ ઉત્સવનું વિશિષ્ટ આયોજન પારસધામ-ઘાટકોપરના આંગણે 8મી ફેબ્રુઆરી થી 12મી ફેબ્રુઆરી સુધી પાંચ દિવસ માટે કરવામાં આવ્યું છે. આત્મિક આનંદની અનુભૂતિ કરાવનારા અનોખા અવસર અંતર્ગત તારીખ 8મી ફેબ્રુઆરી સવારના 8:00 કલાકે “આનંદ ક્યાં?” અવસરની સાથે સાંજે 7:30 થી 9:30 કલાક દરમિયાન તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ  રતિલાલજી મહારાજ સાહેબના 25વિં પુણ્યસ્મૃતિ અવસરે એમના જીવન આધારિત નાટિકા “મહાપુરુષ”ની પ્રસ્તુતિ થશે. આ બંને કાર્યક્રમ પરમ પટાંગણ ડી.જે. દોશી ગુરુકુલ હાઇસ્કુલ, તિલક રોડ, ઘાટકોપર(ઇસ્ટ) ખાતે યોજાશે.

એની સાથે પારસધામના આંગણે 9મી ફેબ્રુઆરી એ સવારે 8:00 કલાકે 37 સંત-સતીજીઓની દીક્ષા જયંતિ નિમિત્તે “આનંદની લાઈફ સ્ટાઇલ” અવસર યોજાશે. 10મી ફેબ્રુઆરીએ સવારે 8:00 કલાકે “આપના જેવી સ્માઈલ” અવસર સાથે દસમાં વ્રતની આરાધનાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 11મી ફેબ્રુઆરી સવારના 8:00 કલાકે “ઇનડીપેનડેન્ટ આનંદ” અંતર્ગત સાધર્મિક શિબિરનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે.ઉપરાંતમાં, 12મી ફેબ્રુઆરીએ સવારના 09:00 કલાકે “પરમ આનંદ” અવસર સાથે અદભુત નાટિકાની પ્રસ્તુતિ ઉપરાંત પરમ ગુરુદેવના સંયમ જીવનના 32 વર્ષનો ઉત્સવ તેમજ તે આત્માયાત્રાની ઝલક સ્વરૂપ “ધ ડિવાઇન જર્ની” પુસ્તિકાનું વિમોચન કરવામાં આવશે. 12માં ફેબ્રુઆરીનો આ અવસર ઝવેરબેન ઓડિટોરિયમ, શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય શાળાની બાજુમાં, હિંગવાલા ઉપાશ્રય લેન, ઘાટકોપર ખાતે યોજાશે.

આ સાથે જ મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં પરમ સાત્વિક – ધ નોન-મસાલા હાઉસ અંતર્ગત મસાલા, ફ્રુટ્સ, વેજિટેબલ્સ વગરનું આયંબિલનું ફૂડ ટેસ્ટ કરાવી, આયંબિલ પણ ટફ નથી તે પ્રેરણા જગાડવામાં આવશે.

પરમ ગુરુદેવના પાવન સાંનિધ્યે, જીવનને એક નવી દૃષ્ટિ આપનારા આ દરેક અવસરમાં પધારવા તેમજ ગુરુ દર્શન- વંદનનો લાભ પામવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને પારસધામ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.