શ્રમિકોની નોંધણી ‘સામાજીક સમરસતા’ માટેનું પ્રથમ ડગલું…!

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા દેશમાં દરેક નાગરિકના સમાન અધિકારો અને છેવાડાના વ્યક્તિ સુધી તમામ સવલત પહોંચી જાય તે માટેની વ્યવસ્થાના આદર્શ પરિમાણની યથાર્થતા માટે હવે શ્રમિકો માટેની રાષ્ટ્ર વ્યાપી નોંધણી અને ઈ-નિર્માણની સાથે સાથે યુ-વીન કાર્ડનું રજિસ્ટ્રેશન ઓનલાઈન કરવાની સુવિધા આપીને અસંગઠીત ક્ષેત્રના મજૂરી કરતા શ્રમિકો માટે સરકારની ખેવના થતી સામાજીક સમરસતાનો અર્થ ખરા અર્થમાં ફળીભૂત થશે.

ગુજરાતમાં બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા છેવાડાના મજૂરોને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાઓનો લાભ મેળવવા માટે જરૂરી ઈ નિર્માણ અને યુ-વીન કાર્ડ હવેથી ઓનલાઈન રજિસ્ટ્રેશન દ્વારા મળી શકશે. આ માટે બાંધકામ ક્ષેત્રે કડીયાકામ, પ્લમ્બીંગ કામ, સુથારી કામ, કલર કામ જેવા વિવિધ કામોમાં છુટક મજૂરી કરતા તમામ જ્ઞાતિ, જાતિ, શ્રમિકોને સ્માર્ટ ફોન દ્વારા નોંધણી કરવાની વ્યવસ્થા આપવામાં આવી છે.

લોકતંત્રની બહાલી અને સુદ્રઢતા માટે વિસ્થાપિત મજૂરોને દેશભરમાં ગમે ત્યાં મતાધિકારની છુટ આપવાની સવલતની સાથે સાથે હવે સરકારી સહાય યોજનાઓ અને લાભો છેવાડાના નાગરિકોને મળે તે માટે શરૂ કરવામાં આવેલી કવાયતને ગુજરાતમાં વધુ વિસ્તૃત કરીને રાજ્યના તમામ શ્રમિકોને યુ-વીન કાર્ડના રજિસ્ટ્રેશનના ઓનલાઈન સવલત આપીને બાંધકામ ક્ષેત્ર સહિતના છુટક મજૂરી કામ કરતા શ્રમિકોને મુખ્ય પ્રવાહ સાથે જોડવાની સરકારની આ યોજનામાં વિનામુલ્યે કાર્ડ આપવામાં આવશે. શ્રમિકોના બાળકોને ધો.1 થી લઈ ડોકટર અને એન્જીનીયરના ઉચ્ચ અભ્યાસ માટે શ્રમિકોના બાળકોને રૂા.500થી લઈ રૂા.25000 સુધીની શિક્ષણ સહાય, હોસ્ટેલ ફી, પુસ્તકોની સહાય અને જરૂરી તમામ સહાય માટેના દરવાજાઓ ખોલવામાં આવ્યા છે.

સામાજીક સમરસતા લાવવા માટે છેવાડાના શ્રમિકોને શિક્ષણ અને જરૂરી સહાય માટેના દરવાજા ખોલીને સામાજીક સમરસતાનો એક નવો માહોલ ઉભો કર્યો છે. આજે દરેક પરિવાર, વ્યક્તિ અને છેવાડાના શ્રમિકને પોતાના અને પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને વિકાસની ખ ેવના હોય છે. ગુજરાત સરકાર દ્વારા મજૂરોને પણ સામાન્ય વર્ગના લોકોને મળે છે તેવી તેવી તકોમાં ખાસ કરીને સંતાનોનાં અભ્યાસની જરૂરી સાધનીક અને આર્થિક સહાય અને તમામ મજૂરોની રાજ્યસ્તરની નોંધણીની સવલત ગુજરાતમાં ખરા અર્થમાં આર્થિક અસમાન્તા દૂર કરવાની દિશામાં એક મહત્વનું પગલુ બની રહેશે.

સંવેદનશીલ સરકારના સંવેદનશીલ નિર્ણયના અમલથી શ્રમિકો માટેના ઈ-નિર્માણ અને યુ-વીન કાર્ડના રજિસ્ટરની ઓનલાઈન સવલત જિલ્લા શ્રમ કલ્યાણ બોર્ડના માધ્યમથી બાંધકામ ક્ષેત્રના અસંગઠીત શ્રમિકોના બાળકોની શૈક્ષણિક સહાય અને અન્ય સવલતો શ્રમજીવીઓને સરળતાથી મળે તેવો એક નવો માહોલ ઉભો થયો છે. શ્રમિકો અને છેવાડાના નાગરિકોની આર્થિક મુશ્કેલી અને શૈક્ષણિક ક્ષેત્રે યોગ્ય માર્ગદર્શન અને ગરીબ પરિવારના સંતાનોને પ્રાથમિકથી લઈ ઉચ્ચ અભ્યાસ કરવા સુધીની સવલત ઉભી થાય તો આપો-આપ સમાજમાંથી આર્થિક અસમાન્તાનો ભેદ દૂર થાય. ગુજરાત સરકારના શ્રમિકો માટેના યુ-વીન કાર્ડના રજિસ્ટ્રેશનના આ પગલાથી સામાજીક સમરસતાનું એક નવું માળખુ ઉભુ થશે.