Abtak Media Google News

શહેરમાં લાઈટ,પાણી,રોડ રસ્તા સહિતની ફરિયાદ માટે કોર્પોરેશન દ્વારા હાલ ચાલી રહેલી કોલ સેન્ટરની વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવશે. આગામી જુલાઈ માસના આરંભથી ફરિયાદ નિકાલ માટે ઓટીપી બેઇઝ નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. જ્યારે જુલાઈ અંત કે ઓગસ્ટ માસથી કોર્પોરેશન ઓન વોટ્સએપ સેવાઓ પણ શરૂ કરાશે તેવી જાહેરાત આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.

બજેટમાં કરાયેલી જાહેરાત મુજબ ઓટીપી બેઇઝ ફરિયાદ નિકાલ વ્યવસ્થા ઉભી કરાશે,કોલ સેન્ટરના  નંબર ટોલ ફ્રી કરાશે:સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલની જાહેરાત

તેઓએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન વધુમાં જણાવ્યું હતું કે હાલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ વિભાગોની ફરિયાદ કોલ સેન્ટરમાં નોંધવામાં આવે છે.જેમાં ફરિયાદ નોંધાયા બાદ તે હલ થાય કે ન થઈ હોવા છતાં અરજદારને બે દિવસમાં રજીસ્ટર મોબાઇલ નંબર પર ફરિયાદ નિકાલ થઈ ગયો હોવાનો મેસેજ આવી જાય છે.દરમિયાન ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં કોલ સેન્ટર અપગ્રેડેશન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી જેની હવે અમલવારી કરવામાં આવશે. આગામી જુલાઇ માસથી ફરિયાદ નિકાલ માટેની નવી વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવશે. કોલ સેન્ટરના હાલ જે નંબર છે તેમાં ફોન કરવાથી ચાર્જિસ લાગે છે. હવે કોલ સેન્ટરના નંબર ટોલ ફ્રી કરી દેવામાં આવશે.આટલું જ નહીં ફરિયાદ નોંધાવ્યા બાદ તે ફરિયાદ દાખલ થશે અને તેનો ઓટીપી અરજદાર તથા અધિકારીને મોકલવામાં આવશે.જે જનરેટ થયા બાદ જ અરજદારને તેની ફરિયાદનો નિકાલ થયો છે તેઓ મેસેજ મોકલવામાં આવશે. ટૂંકમાં આગામી જુલાઇ માસથી હવે ફરિયાદ યથાવત હોવા છતાં જે ફરિયાદ નિકાલનો મેસેજ મળી જાય છે તે સંપૂર્ણપણે બંધ થઈ જશે અને ઓટીપી જનરેટ થયા બાદ જ ફરિયાદ નિકાલ થયાનો મેસેજ અરજદારને પ્રાપ્ત થશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે જુલાઈ માસના અંતમાં અથવા ઓગસ્ટ માસના આરંભે  કોર્પોરેશન ઓન વોટ્સએપ સેવાનો પણ આરંભ કરી દેવામાં આવશે. જેમાં અરજદારોને જન્મ મરણના દાખલાની કોપી મિલકતવેરાની કોપી પ્રોફેશન ટેક્સની કોપી લગ્ન નોંધણીની કોપી મહાપાલિકા દ્વારા આવાસ યોજના સહિતના અલગ-અલગ જે ફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવે છે તેની કોપી વોટ્સએપના માધ્યમથી મળી જશે કોલ સેન્ટરના અપગ્રેસન સાથે વોટ્સઅપ સેવા પણ શરૂ કરવાની જાહેરાત મહાપાલિકા દ્વારા કરાઈ હતી તે હવે અમલમાં આવી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.