Abtak Media Google News
  • તુવેર રૂ.7000 પ્રતિ કિવ., ચણા રૂ. 5440 પ્રતિ કિવ. અને રાયડો રૂ. 5650 પ્રતિ ક્વિ.ના ભાવે ખરીદી કરશે

કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ 2023-24 માટે તુવેર, ચણા અને રયાડા પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું.

તેઓએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે, ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી હાથ ધરાશે. કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે, અને આ માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરૂ આયોજન પણ કરાશે.

ખેડૂતોને ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા અનુરોધ કરતા મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોએ તા. 5 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી દરમિયાન ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ટઈઊ મારફત ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષ 2023-24 માટે રવિ પાકોનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અનુસાર તુવેર માટે રૂ.7000 પ્રતિ કિવ., ચણા માટે રૂ. 5440 પ્રતિ કિવ. અને રાયડા માટે રૂ. 5650 પ્રતિ ક્વિ. જાહેર કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.