Abtak Media Google News

પેટ્રોકેમિકલ્સ, ટેલીકોમ અને રીટેલ ક્ષેત્રના વેપારમાં રિલાયન્સે ભારે પ્રગતિ સાધીને

ત્રણ માસમાં રેકોર્ડ બ્રેક નફો કમાનારી દેશની પ્રથમ ખાનગી કંપની બની

દેશના વેપાર-ઉદ્યોગમાં દાયકાઓથી ગુજરાતીઓનો દબદબો રહ્યો છે. જેને રિલાયન્સ કંપનીએ જાળવી રાખ્યો છે. રિલાયન્સ પેટ્રોકેમિકલ્સ,  ટેલીકોમ અને રિટેલ ક્ષેત્રના વેપારમાં ભારે પ્રગતિ સાધીને ગત વર્ષના ત્રીજા કવાર્ટરમાં ૧૦ હજાર કરોડ રૂપિયા થી વધારે નફો રળ્યો છે. જેથી આવો રેકોર્ડ બ્રેક નફો રળનારી દેશની પ્રથમ ખાનગી કંપની બની ગઇ છે. જે ગુજરાતનું ગૌરવ વધારે તેવી વેપાર ઉઘોગની અભૂતપૂર્વ ઘટના છે. આ પહેલા સરકારી કંપની ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનને વર્ષ ૨૦૧૨-૧૩ માં ૧૪,૫૧૨ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.

રિલાયન્સ દ્વારા વર્ષ ૨૦૧૮ના ૧લી ઓકટોબરથી ૩૧ ડીસેમ્બર વચ્ચેના ત્રણ માસના ગાળામાં ૧૦,૨૫૧ કરોડ રૂપિયાનો નફો કર્યાનું કંપનીના અહેવાલમાં જણાવાયું છે. કંપનીએ વર્ષ ૨૦૧૭ ના આ જ સમયગાળા દરમ્યાન રૂ ૯,૪૨૦ કરોડ રૂ. નો નફો કર્યો હતો. જેમાં ૮.૮ ટકા  નો વધારો થવા પામ્યો છે. આ વર્ષે કંપનીનું ઓઇલ અને ગેસ ઉત્પાદન કાર્યમાં ઓછું થયું છે. પરંતુ રીફાઇનરી ક્ષેત્રના ઘટેલા નફાને રીટેલ વેપારના વધેલા નફાએ ભરપાઇ કરી દીધું હતું.

આ પહેલા સરકારી કંપની ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનને વર્ષ ૨૦૧૨-૧૩ જાન્યુઆરી-માર્ચ માસના કવાર્ટરમાં ૧૪૫૧૨.૮૧ કરોડ ‚ નો નફો રળ્યો હતો. આઇઓસીને ગ્રાહકોને અપાયેલી વર્ષભરની સબસીડીની રકમ આ કવાર્ટરમાં મળવાના કારણે તેનો નફો આટલો બધો અસાધારણ રહેવા પામ્યો હતો. પરંતુ ૧૦ હજાર કરોડ રૂ થી વધુ નફો એક કવાર્ટરમાં મેળવવામાં અત્યાર સુધી એકપણ ખાનગી કંપની સફળ થઇ ન હતી. જે રિલાયન્સે કરી બતાવ્યું છે.

રિલાયન્સ કંપનીનો વેપાર આ કવાર્ટરમાં પ૬ ટકા વધીને ૧,૭૧,૩૩૬ કરોડ રૂ. એ પહોંચી જવા પામ્યો છે. કંપનીએ આ કવાર્ટર દરમ્યાન દેશભરમાં અનેક રીટેલ સ્ટોરો ખોલ્યા હતા. અને જેની જીયો મોબાઇલ સેવાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. જેના કારણે જીયોના ગ્રાહકોની સંખ્યા ૨.૮ કરોડ કરતા વધી જવા પામી હતી. જેથી ટેલીકોમ ક્ષેત્રના વેપારમાં ભારે વધારો થવાની સાથે કંપનીને ભારે નફો થયો હતો. આ દરમ્યાન આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો થવાના કારણે કંપનીના પરંપરાગત ઓઇલ રીફાઇનરીના કારોબારના નફોમાં ઘટાડો થવા પામ્યો હતો.

કંપનીના ચેરમેન અને એમ.ડી. મુકેશભાઇ અંબાણીના જણાવ્યા અનુસાર આપણા દેશ અને કંપનીના સભાસદો માટે વધારેમાં વધારે વેપાર કરીને નફો કમાવવાના પ્રયાસોના કારણે કંપની એક કવાર્ટરમાં ૧૦ હજાર કરોડ રૂપિયાની વધુનો નફો કમાનારી પ્રથમ ખાનગી કંપની બની ગઇ છે.

કાચા તેલના ભાવોમાં ભારે વધારા-ધટાડાના વચ્ચે પણ કંપનીએ મજબુતીથી કામ કરીને એક કવાર્ટરમાં આટલો વિશાળ નફો રળ્યો છે.કંપનીના રીટેલ અને ટેલીફોન ક્ષેત્રના વેપારમાં ભારે વધારો થયો છે.  જેના કારણે કંપનીના વેપારમાં આટલો વધારો થયો છે. કંપનીના રીટેલ વેપાર ૨૧૦ ટકા વધીને રૂ ૧,૫૧૨ કરોડ રૂપિયા નો થઇ ગયો છે. એમ જણાવીને મુકેશભાઇએ ઉમેર્યુ હતું કે દેશના ૬,૪૦૦ શહેરો અને મોટા વિસ્તારોમાં કંપનીના ૯,૯૦૭ સ્ટોર બનાવવામાં આવ્યા છે. તહેવારની સીઝન દરમ્યાન રીટેલ સ્ટોરોમાં ભારે વેપાર થવાના કારણે કંપનીનો ભારે નફો થવા પામ્યો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેના કંપની અહેવાલમાં જણાવ્યું છે કે તેમની કંપની પર ૩૧ ડીસેમ્બર ૨૦૧૮ ના રોજ દેણું હતુ તે વધીને ૨,૭૪,૩૮૧ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. જે ૩૦ સપ્ટેમ્બરે પુરા થતા કવાર્ટરમાં ૨,૫૮,૭૦૧ કરોડ રૂપિયા હતો અને ૩૧ માર્ચના પૂર્ણ થતા કવાર્ટરમાં ૨,૧૮,૭૬૩ કરોડ રૂપિયા હતો. કંપની પાસે ઉ૫લબ્ધ રોકડ રકમમાં સામાન્ય વધારો થવા પામ્યો છે. ૩૦ સપ્ટેમ્બરના કવાર્ટરમાં ૭૬,૭૪૦ કરોડ રૂપિયા હતો જેમાં વધારો થઇને ૩૧ ડીસેમ્બરના કવાર્ટરમાં ૭૭,૯૩૩ કરોડ રૂપિયા એ પહોંચી જવા પામ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.