Abtak Media Google News

સામાન્ય દબાણ તો તંત્ર ધારે ત્યારે તોડી શકે છે. પણ અત્યારે ધાર્મિક દબાણોનો પ્રશ્ન તંત્ર માટે માથાનો દુઃખાવો બન્યો છે. વાસ્તવિક સ્થિતિ એવી છે કે તંત્ર આ દબાણોને સ્પર્શવા પણ ઇચ્છતું નથી. પણ અરજદારો કે કોર્ટ તરફથી જ્યારે દબાણ હટાવવા માટેનું દબાણ આવે છે ત્યારે તંત્રના શ્વાસ અધ્ધર થઈ જાય છે. કારણકે ધાર્મિક દબાણ એવો વિષય છે જેને છેડવાથી ઘણી વખત વિવાદને નોતરું પણ અપાઈ જાય છે. તાજેતરનો ઉત્તરાખંડનો બનાવ જ આનું મોટું ઉદાહરણ છે. દબાણ કોઈ પણ ધર્મનું હોય, પણ ધર્મને લઈને લોકો મારવા કે મરવા માટે મજબૂર બની જતા હોય તંત્ર આ દિશામાં ફૂંકી ફૂંકીને ચાલે છે.

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ગેરકાયદે ધાર્મિક બાંધકામોને દૂર કરવાના નિર્દેશો આપ્યા હતા. આ મુદ્દે રાજ્ય સરકારે આપેલા જવાબ સામે વાંધો ઉઠાવતા હાઈકોર્ટે મંગળવારે ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરવા ગુજરાત સરકારે કેવા પ્રયાસ કર્યા છે અને આવા કેટલાં દબાણો છે તેની માહિતી માગી હતી. જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી. માયીએ ગેરકાયદે ધાર્મિક બાંધકામો દૂર કરવા લીધેલા પગલાં અંગે રાજ્ય સરકારે ફાઈલ કરેલી એફિડેવિટ સામે કડક શબ્દોમાં વાંધો ઉઠાવ્યો હતો. સાથે જ 27 ફેબ્રુઆરીએ આ કેસની વધુ સુનાવણી થાય એ પહેલા નવી એફિડેવિટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. મહત્વનું છે કે, રાજ્યમાં જાહેર જગ્યાઓ પર ધાર્મિક દબાણ મુદ્દે સુઓ મોટો પિટિશન દાખલ કરવામાં આવેલી છે. જેની સુનાવણી તાજેતરમાં થઈ હતી.

હાઈકોર્ટે નોંધ્યું કે, એફિડેવિટમાં ગૃહ વિભાગના સચિવે જણાવ્યું છે કે, 30 સપ્ટેમ્બર 2022 સુધીમાં નોંધવામાં આવેલા કુલ ગેરકાયદે ધાર્મિક બાંધકામોમાંથી હજી સુધી ફક્ત 23.33 ટકા જ દબાણોને દૂર કરાયા છે. ગેરકાયદે ધાર્મિક બાંધકામો દૂર કરવાની વિચારણા થઈ છે કે દૂર કરી દેવાયા છે તે અંગેની સ્પષ્ટતા એફિડેવિટમાં નથી, તેમ કોર્ટે જણાવ્યું.

અગાઉ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર સ્થળો પર દબાણ કરીને બાંધવામાં આવેલા કથિત ધાર્મિક સ્થળોને તોડી પાડવાની ઝુંબેશ શરૂ કરી હતી. જેના સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે 2006માં સુઓ મોટો પિટિશન દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી. સુપ્રીમ કોર્ટ તમામ રાજ્યો અને કેંદ્રશાસિત પ્રદેશોને સૂચના આપી હતી કે, જાહેર સ્થળોએ દબાણ કરીને બાંધવામાં આવેલા ગેરકાયદે ધાર્મિક સ્થળોની ઓળખ કરવામાં આવે અને તેમને દૂર કરવા, સ્થળાંતક કરવા કે નિયંત્રિત કરવા માટે યોગ્ય પોલીસી તૈયાર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટના આ આદેશના સંદર્ભે 15 ડિસેમ્બર 2022ના રોજ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને એફિડેવિટ રજૂ કરવાની સૂચના આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.