ધાર્મિક ટ્રસ્ટો રૂ.૨૦૦૦થી વધુનું રોકડ દાન સ્વીકારી શકે છે

religioustrust | donation
religioustrust | donation

સરકારનાં નવા નિયમ માત્ર ચેરિટેબલ ટ્રસ્ટોને લાગુ પડે.

કેન્દ્ર સરકારે બજેટમાં ૮૦-જી સર્ટિફિકેટ ધરાવતા ટ્રસ્ટો માટે ૨,૦૦૦થી વધુનું રોકડ દાન ના સ્વીકારી શકાય તે મુજબની જોગવાઇ જાહેર કરતાં તમામ ટ્રસ્ટો ગૂંચવણ અનુભવી રહ્યા છે. જોકે, નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ જોગવાઇ માત્ર ચેરિટેબલ ટ્રસ્ટ્સને જ લાગુ પડે છે અને ધર્માદા ટ્રસ્ટ ૨,૦૦૦થી વધુનું રોકડ દાન સ્વીકારી શકે છે.

ટ્રસ્ટ કાયદાના નિષ્ણાત સીએ નૌતમ વકીલે જણાવ્યું હતું કે, હાલમાં અનેક ટ્રસ્ટો રોકડ દાન સ્વીકારવાની મર્યાદાને લઇને પ્રશ્નો ધરાવે છે. નવી જોગવાઇ મુજબ, ૮૦-જી સર્ટિફિકેટ ધરાવતા ચેરિટેબલ ટ્રસ્ટ ૨,૦૦૦થી વધુનું રોકડ દાન સ્વીકારી શકશે નહીં. જોકે, ધર્માદા ટ્રસ્ટ માટે આ પ્રકારની કોઇ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

તેમણે જણાવ્યું હતું કે, ટ્રસ્ટોએ હવે રિટર્ન ફાઇલ કરવા અંગે પણ વધુ જાગૃત બનવાની જરૂર છે. દરેક ટ્રસ્ટે નાણાકીય વર્ષ પૂરું થાય તેના છ મહિનામાં, એટલે કે સપ્ટેમ્બર સુધીમાં રિટર્ન ભરી દેવું જરૂરી છે. જો રિટર્ન મોડું ફાઇલ થાય તો પ્રતિ દિન ૧૦૦કે ૨૦૦ પેનલ્ટી થઇ શકે.

એક ટ્રસ્ટ બીજા ટ્રસ્ટને કોર્પસ દાન આપે તો તે ખર્ચ તરીકે બાદ નહીં મળે. સીએ નૌતમ વકીલે જણાવ્યું કે, હેતુફેર અંગે વિચારણા કરી રહેલા ટ્રસ્ટોએ નવા નિયમો ધ્યાને લેવા જરૂરી છે. હવેથી જો કોઇ ટ્રસ્ટ હેતુફેર કરે તો તેણે ઇન્કમટેક્સ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ૧૨-એ નવેસરથી લેવાનું રહેશે અને તેની અરજી ૩૦ દિવસમાં કરી દેવી પડશે.