રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ભલે રાજયના ફરવાના સ્થળે અનેક પાયાની સુવિધાઓ ન અપાતી હોય પરંતુ વિભાગ દ્વારા તાલીમ માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરી નાખવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૫માં ૧૨૦૨ તાલીમાર્થીઓને ૩૨૫.૫૩ લાખ રૂપિયા અને ૨૦૧૬ના વર્ષમાં ૭૦૯૪ તાલીમાર્થીઓને ૧૦૬૪.૮૮ લાખ રૂપિયાના ખર્ચે તાલીમ આપવામાં આવી હતી. તાલીમ આપવાનું કામ ખાનગી સહિતની સંસ્થાઓને સોંપવામાં આવ્યું હતું. બન્ને વર્ષના મળીને ૧૩.૮૯ કરોડ રૂપિયા ફક્ત તાલીમ પાછળ વપરાયા હોવાની માહિતી વિધાનસભા ગૃહમાં આપવામાં આવી છે. વિધાનસભામાં તારાંકિત પ્રશ્નોતરીમાં કોંગ્રેસના ધારાસભ્ય કરમશીભાઇ પટેલના એક સવાલના લેખિત જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી. ૨૦૧૬ના વર્ષની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કઇ ખાનગી સંસ્થાને કેટલી રકમ ચૂકવીને તાલીમની કામગીરી સોંપવામાં આવી તેની જાણકારી માગવામાં આવી હતી. જેના જવાબમાં પ્રવાસન વિભાગના મંત્રી દ્વારા જણાવાયું હતું કે, ૧૨ જેટલી સંસ્થાને નક્કી કરેલી રકમ સાથે તાલીમની કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં કેટલીક ખાનગી સંસ્થાઓનો પણ સમાવેશ થતો હતો. પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થાય તે માટે આ સંસ્થાઓ દ્વારા તાલીમ આપવામાં આવી છે. જે સંસ્થાઓને તાલીમની કામગીરી સોંપાઇ હતી તેમાં ગાંધીનગરની કેમ્બે ઇન્સ્ટીટ્યુટ ઓફ હોસ્પિટાલિટી મેનેજમેન્ટનો પણ સમાવેશ થાય છે. જેને ૫.૬૭ લાખ રૂપિયા સાથે કામ આપવામાં આવ્યું હતું.