Abtak Media Google News

ભ્રષ્ટાચાર અને જૂથવાદના આક્ષેપો બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની આકરી કાર્યવાહી: શિક્ષણ સમિતિના ઇતિહાસમાં પ્રથમવાર આખી બોડીને વિસર્જીત કરી દેવાતા રાજકોટના રાજકારણમાં ભારે ખળભળાટ

રાજકોટના રાજકારણમાં આજે મોટો ખળભળાટ આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમીક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને વાઇસ ચેરમેન સંગીતાબેન છાયા સહિત તમામ 15 સભ્યોના રાજીનામા લઇ લેવામાં આવ્યા છે. શિક્ષણ સમિતિના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે આખી બોડીને બે વર્ષથી પણ ઓછા સમયગાળામાં વિસર્જીત કરી દેવામાં આવી છે. સતત ભ્રષ્ટાચાર અને સભ્યો વચ્ચે આંતરિક જૂથવાદના આક્ષેપ બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ત્રીજું નેત્ર ખોલતા ભાજપના કાર્યકરો સ્તબ્ધ થઇ ગયા છે. શિક્ષણ સમિતિના 15 સભ્યોની નિયુક્તિ માટે આગામી દિવસોમાં સંગઠન દ્વારા કાર્યવાહી હાથ પર લેવામાં આવશે.

કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમીક શિક્ષણ સમિતિની વર્તમાન બોડીની રચના ગત 31મી મે, 2021ના રોજ કરવામાં આવી હતી. ચેરમેન અને વાઇસ ચેરમેનની મુદ્ત અઢી-અઢી વર્ષની હોય છે. 15 સભ્યો વચ્ચે આંતરિક જૂથવાદ ચાલતો હતો. આ ઉપરાંત સમિતિ સામે સતત ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થતા હતા. ગઇકાલે શિક્ષણ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન સહિત તમામ 15 સભ્યોને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ગાંધીનગર બોલાવ્યા હતા. તેઓની સાથે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, મેયર ડો.પ્રદિપ ડવ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલને પણ રાખવામાં આવ્યા હતા.

સંગઠનના હોદ્ેદારો, કોર્પોરેશનના પદાધિકારીઓ અને શિક્ષણ સમિતિના સભ્યો સાથે મિટિંગ બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષે તમામ 15 સભ્યોને રાજીનામા આપી દેવાનો આદેશ આપી દીધો હતો. દરમિયાન આજે સવારે સમિતિના વાઇસ ચેરમેન સંગીતાબેન છાયા, સભ્ય રવિન્દ્ર ગોહેલ, ડો.મેઘાવી માલધારી, ધૈર્ય પારેખ, જયંતિલાલ ભાખર, જાગૃત્તિબેન ભાણવડીયા, ડો.પીનાબેન કોટક, કિરીટ કુમાર ગોહેલ, વિજય ટોળીયા, તેજસ ત્રિવેદી, કિશોર પરમાર અને સરકાર નિયુક્ત સભ્ય ડો.અશ્ર્વિન દુધરેજીયા, ફારૂકભાઇ બાવાણી અને શરદ તલસાણીયાએ સમિતિના સભ્ય પદેથી રાજીનામું આપતા પત્ર ચેરમેન અતુલ પંડિતને સુપરત કર્યો હતો.

ત્યારબાદ પ્રોટોકોલ મુજબ ચેરમેન અતુલ પંડિતે પોતાના ઉપરાંત અન્ય 14 સભ્યોના રાજીનામાનો પત્ર મેયર ડો.પ્રદિપ ડવ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીને આપી દીધો હતો. આ પત્રમાં ચેરમેન દ્વારા એવું કારણ આપવામાં આવ્યું છે કે કામની વ્યસ્તતા અને સામાજીક જવાબદારીના કારણે તેઓ શિક્ષણ સમિતિના ચેરમેન પદેથી રાજીનામું આપી રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષણ સમિતિના ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે જ્યારે ભ્રષ્ટાચાર અને આંતરિક જૂથવાદના કારણે પક્ષ દ્વારા આખી બોડીને વિસર્જીત કરવામાં આવી હોય આ પૂર્વે વર્ષ 2006માં શિક્ષણ સમિતિના ચેરમેન પદેથી મુકેશભાઇ દોશીએ રાજીનામું આપ્યું હતું. જો કે ત્યારે માત્ર ચેરમેનનું જ રાજીનામું લેવામાં આવ્યું હતું. બાકીના તમામ સભ્યને યથાવત રાખવામાં આવ્યા હતા. સરકાર નિયુક્ત ત્રણ સભ્યો ઉપરાંત ચેરમેન અને વાઇસ ચેરમેન સહિત 12 સભ્યોના રાજીનામા હાઇકમાન્ડ દ્વારા માંગી લેવામાં આવતા ભાજપમાં જબ્બરો ખળભળાટ મચી જવા પામ્યો છે.

મિરાણી, ડવ અને પટેલને પણ પાટીલે ઠપકો આપ્યાની ચર્ચા

નગર પ્રાથમીક શિક્ષણ સમિતિની રચના બાદ છેલ્લા બે વર્ષથી સતત સમિતિ વિવાદમાં રહી છે. સતત ભ્રષ્ટાચારના આક્ષેપો અને જૂથવાદની ચર્ચાઓ ચાલી રહી છે. વાત છેક પ્રદેશ હાઇકમાન્ડ સુધી પહોંચતા ગઇકાલે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે શિક્ષણ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન અને 15 સભ્યો સાથે બેઠક યોજી હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, મેયર ડો.પ્રદિપ ડવ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ હાજર રહ્યા હતા. જેમાં આ ત્રણેયને કડક ઠપકો આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. કારણ કે સમિતિની રચના બાદ સતત આક્ષેપો અને જૂથવાદ ચાલી રહ્યો છે. છતાં તેને અટકાવવાની જવાબદારી જેના શિરે છે તે ત્રણ મુખ્ય વ્યક્તિઓએ આંખ આડા કાન કરતા પક્ષે સમિતિને વિસર્જીત કરવાની નોબત આવી હતી.

ચેરમેન બન્યા એટલે રાજકીય કારકિર્દીનો સત્યાનાશ

દેવાંગ માંકડ અને નરેન્દ્રસિંહ ઠાકુર સિવાય અન્યને ચેરમેન પદ માફક ન આવ્યું

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમીક શિક્ષણ સમિતિનું ચેરમેન પદ જાણે શ્રાપિત હોય તેવું લાગી રહ્યું છે. ચેરમેનની ખુરશી પર બેસનારની રાજકીય કારકિર્દીનો સત્યાનાશ થઇ જાય છે. અપવાદરૂપ દેવાંગ માંકડ અને નરેન્દ્રસિંહ ઠાકુરને ચેરમેન પદ ફળ્યું છે. શિક્ષણ સમિતિના ચેરમેન પદે રહી ચૂકેલા હિતેશ પંડ્યા, કિરીટ પાઠક, મુકેશ દોશી, નાથાભાઇ કિયાડા, લાભભાઇ આહિર, માવજીભાઇ ડોડીયા અને ઠાકરશીભાઇ પટેલ હાલ રાજકીય દ્રષ્ટિએ જોવામાં આવે તો સંપૂર્ણપણે હાંસિયામાં ધકેલાય ગયા છે. માત્ર દેવાંગ માંકડ અને નરેન્દ્રસિંહ ઠાકુરને ચેરમેન પદેથી નિવૃત્ત થયા બાદ પણ રાજકીય માન-મોભો જળવાઇ રહે તેવો હોદ્ો મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.