Abtak Media Google News

હળવદના ધૂળકોટના વતની અનિલસિંહ જાડેજાએ કુખ્યાત લતિફ ગેંગના 18 સાગરિતોને ઝડપી લેવા સહિતની પસશંનીય કામગીરી રહી’તી

કોરોની કપરી પરિસ્થિતીમાં ગરીબ અને શ્રમજીવીઓની વ્હારે આવી સ્વ ખર્ચે રાશન કીટ અને ભોજનની વ્યવસ્થા કરી આપી’તી

હળવદ તાલુકાના ધૂળકોટ ગામના વતની અને પોલીસ ડીપાર્ટમેન્ટ તેમજ ક્ષત્રિય સમાજના ગૌરવ સમાન નિવૃત આઇજી અનિલસિંહ કનકસિંહ જાડેજાનું ટુંકી બીમારીથી નિધન થતા પોલીસબેડામાં અને ક્ષત્રિય સમાજમાં શોકની લાગણી પસરી ગઇ છે. તેમની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં સગા-સ્નેહીઓ અને પોલીસ અધિકારીઓ જોડાયા હતા.
અધિકારી અનીલસિંહ કનકસિંહ જાડેજા 1982માં સબ-ઇન્સ્પેક્ટર તરીકે પોલીસમાં જોડાયા. અમદાવાદમાં લતીફ વહાબ ગેંગના સાગરિતોને પકડી ઇનામ મેળવ્યું. 1990માં જીપીએસસીની એક્ઝામમાં ઉત્તીર્ણ થઈ નાયબ પોલીસ અધિક્ષક બન્યા. લતીફ ઓપરેશનની શરૂઆત કરી ગેંગના 18 સાગરિતને ઝડપી પાડ્યા.

રાજ્ય સરકાર તરફથી તેમને 50 હજારનું ઇનામ મળ્યું. 1993માં રાજ્યમાં આતંકવાદ વિરોધી દળની સ્થાપના થઈ એમાં એકમાત્ર ડીવાયએસપી તરીકે નિમણૂક મેળવી 6 શીખ ત્રાસવાદી ઉપરાંત ખાલિસ્તાન લેબ્રેશન ફોર્સના સૂત્રધારોને રાઇફલો સાથે પકડયા. નાયબ પોલીસ મહાનિરીક્ષક તરીકે 2011થી 2013 સીઆઇડી ક્રાઇમમાં અટપટા ગુનાઓ ઉકેલ્યા, રાજ્યમાં ઇન્ટરપોલના લાઇઝન ઓફિસર તરીકે કામગીરી કરી. 3 ઓગસ્ટ, 2013ના સરહદી રેન્જ-ભુજનો ચાર્જ સંભાળ્યો, કચ્છ, પાટણ તેમજ બનાસકાંઠા જિલ્લાઓના સુપરવિઝન તેમજ અગત્યના પ્રશ્નો ઉકેલ્યા છે.
2001માં આઇપીએસ તરીકે તેઓ નોમિનેટ થયા, ત્યારે સૌથી પહેલું પોસ્ટિંગ દાહોદમાં થયું. ગોધરાકાંડ વખતે કોમીહિંસા ફાટી નીકળી, ત્યારે તેમણે 650 મુસ્લિમ અને 1200 હિન્દુને સલામત સ્થળે રાખીને તેમના જીવ બચાવી એક ફરજનિષ્ઠ અને માનવતાવાદી ફરજ અદા કરી પોલીસફોર્સનું ગૌરવ વધાર્યું હતું.

પોલીસ ડીપાર્ટમેન્ટમાં પસંશનીય કામગીરીથી તેઓ સારી લોકચાહના ધરાવતા હતા. રાષ્ટ્રીય કક્ષાની કાયદો અને વ્યવસ્થા અંગેની મિટીંગ મળતી ત્યારે ગુજરાત તરફથી એ.કે.જાડેજા ખાસ ઉપસ્થિત રહેતા અને તેમના બહોળા અનુભવનું જરૂરી માર્ગ દર્શન આપતા હતા. ભૂજ બોર્ડર રેન્જના આઇજી બાદ તેમની અમદાવાદ રેન્જ આઇજી તરીકે નિમણુંક આપવામાં આવી હતી ત્યાં તેઓ ગત તા.31-3-20ના રોજ નિવૃત થયા હતા.

નિવૃત થયા બાદ એ.કે.જાડેજાએ કોરોનાની મહામારીમાં ગરીબ અને શ્રમજીવી પરિવારોની વ્હારે આવી રાશન કીટ વિતરણ કરી હતી તેમજ તેઓની જઠરાગ્ની ઠારવા રસોડુ શરૂ કરી માનવતાનું ઉતમ ઉદારણ પુરૂ પાડયું હતું. એક પુત્ર અને એક પુત્રીને વિલાપ કરતા છોડી વૈકુઠવાસ ગમન કરનાર એ.કે.જાડેજાના અમદાવાદ ખાતેના થલતેજ ચાર રસ્તા હેબતપુર પામ બીચ બંગલા ખાતેથી સ્મશાન યાત્રા નીકળી ત્યારે મોટી સંખ્યામાં સામાજીક, રાજકીય અગ્રણીઓ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સગા-સંબંધીઓ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.