Abtak Media Google News

છેલ્લા ૮ દિવસમાં ચીન, પાકિસ્તાન અને નેપાળ સાથે સરહદને લઇ ઘર્ષણ: ભારતીય સેના તમામ મોરચે લડી લેવા તૈયાર

ભારતની સરહદે યુદ્ધની સ્થિતિ ઉભી થાય તેવી શકયતા છે. છેલ્લા ૮ દિવસમાં સરહદે ચીન, પાકિસ્તાન અને નેપાળ પણ અટકચાળા કરી ચૂકયું છે. પાકિસ્તાન ચીનનું પ્યાદુ કહેવાય છે. નેપાળ પણ ચીનના ખોળામાં બેસી ભારત સાથે ગુસ્તાખી કરવા લાગ્યું છે. જેના પરિણામે ભારતને યુદ્ધની તૈયારી કરવી પડે તેવી ધારણા છે. છેલ્લા ૪૮ કલાકમાં ચીન સાથે ભારતના સૈનિકોનું ઘર્ષણ થયું છે. ૨૦ સૈનિકોએ શહિદી વ્હોરી લીધા બાદ હવે ભારતે ચીન તરફની રણનીતિમાં ધડમુળથી ફેરફાર કર્યો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. ભારતના પાડોશી દેશો સાથે મળી દબાવવાનું હિનકૃત્ય કરતા હોવાનું ફલીત થાય છે.

સદીઓથી ચીનની વણલખી કૂટનીતિ રહી છે. એ મુજબ, આગળ વધવું હોય ત્યારે બે ડગલાં પાછળ જાવ અને આજે જે લક્ષ્ય હાંસલ કરવું છે તેનાં વિશે એક દાયકા પહેલાં આયોજન કરવા માંડો. આ બે નીતિ ચીન હરહંમેશ નજર સમક્ષ રાખે છે. ભારત અને ચીન વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલી અથડામણ પણ ચીનની લાંબા ગાળાની નીતિનો જ હિસ્સો હોઈ શકે. ભારત સાથેના સરહદી વિવાદને ગમે ત્યારે વકરાવીને યુદ્ધ નોંતરી શકાય એ હેતુથી ચીન લાંબા સમયથી ભારત સાથે સીમારેખાથી જોડાયેલ દરેક પાડોશી દેશો સાથે વ્યવહાર વધારી ચૂક્યું છે. આજે સ્થિતિ એવી છે કે પાકિસ્તાન ઉપરાંત શ્રીલંકા, નેપાળ,

મ્યાનમાર, માલદિવ, બાંગ્લાદેશ સહિતના દેશો ચીનની શેહમાં આવીને તેનાં ઈશારે વર્તી રહ્યા છે.

ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરએ ચીનની મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે જે સમુદ્રમાર્ગે પાકિસ્તાનના ગ્વાદર બંદરથી ચીનના શિન્જિયાંગ સુધી પહોંચતી મહાકાય પરિયોજના છે. ૨૪૪૨ કિલોમીટર લાંબા આ માર્ગ વડે ચીન સમુદ્ર સાથેનું અંતર ઘટાડીને ખનીજતેલ, નેચરલ ગેસ

ઉપરાંત વિભિન્ન માલસામાનનું પરિવહન કરવા માંગે છે.

હજુ દોઢ દાયકા પહેલાં જગતના એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર તરીકેનો દરજ્જો ધરાવતા નેપાળમાં રાજા બિરેન્દ્ર પરિવારના હત્યાકાંડ પછી સ્થિતિ સતત ભારતવિરોધી બની રહી છે. ચીનપ્રેરિત માઓવાદી પરિબળો હવે ઉઘાડેછોગ નેપાળને ભારતવિરોધી બનાવી ચૂક્યા છે. પરિણામે અત્યાર સુધી બફર ક્ધટ્રી તરીકે ગણાતું નેપાળ પણ હવે ભારતના પડખે ભોંકાતી શૂળ બની રહ્યું છે. શાસક પક્ષના ભારતતરફી વલણ છતાં બાંગ્લાદેશમાં ભારતવિરોધી પરિબળો પૂરતી સંખ્યામાં અને પૂરતાં શક્તિશાળી છે, જેમને વખતોવખત ચીન અને પાકિસ્તાન ભડકાવતા રહે છે. અંદાજે ૩૩ બિલિયન ડોલરનું દેવુ હોવાથી બાંગ્લાદેશની સરકાર પણ ચીનની ઓશિયાળી બની ચૂકી છે.

પરિણામે વર્તમાન સમયે ભારતની મોટાભાગની સરહદો પર પાડોશીઓ હોંકારા-પડકારા કરી રહ્યાં છે. વર્ષો પહેલા ભારતને એશિયામાં મોટાભાઈ તરીકે ઓળખવામાં આવતું હતું. બાંગ્લાદેશના નિર્માણ, માલદીવમાં રાજકીય કટોકટી, શ્રીલંકામાં આતંકવાદ સહિતની કટોકટીઓમાં ભારતે મોટાભાઈની ભૂમિકા ભજવી આવા દેશોને સંતુલીત રાખવાનો પ્રયાસ કર્યો હતો. અલબત ચાઈનીઝ ડ્રેગનનો ભરડો હવે એવો કસાયો છે કે, આ દેશોને નાછુટકે ભારતની વિરુધ્ધમાં જવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

દરેક પક્ષના અધ્યક્ષ સાથે આવતીકાલે વડાપ્રધાન મોદીની બેઠક

સરહદે ચીનના સૈનિકો સાથે થયેલી અથડામણના પગલે આવતીકાલે વડાપ્રધાન મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી છે. જેમાં દરેક પક્ષના અધ્યક્ષ હાજર રહેશે. આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી સરહદી તનાવ મુદ્દે ચર્ચા થશે. ૨૦ જવાનો શહિદ થયા બાદ વિરોધ પક્ષો સરકારની રણનીતિ પર સવાલ ઉઠાવી રહ્યાં છે. અલબત તમામ પક્ષોએ એક સુરમાં ચીનની હરકતની ટીકા કરી છે. વડાપ્રધાન મોદીને ચીન મુદ્દે સ્થિતિ સ્પષ્ટ કરવા રાહુલ ગાંધીએ માંગણી પણ કરી છે. ગઈકાલે રક્ષા મંત્રાલયમાં પણ એક મહત્વની બેઠક મળી હતી. જેમાં રક્ષામંત્રી રાજનાથસિંહ, સીડીએસ જનરલ બિપીન રાવત અને ત્રણેય સેના પ્રમુખ હાજર રહ્યાં હતા. હવે આવતીકાલે વિપક્ષોનો મત જાણવાનો સરકાર પ્રયાસ કરશે.

સેનાની ત્રણેય પાંખ હાઇએલર્ટ ઉપર

લદ્દાખથી લઈ અ‚ણાચલ પ્રદેશ વિસ્તારની વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય સૈનિકોની ચુસ્ત ઘેરાબંધી ઉભી કરાઈ છે. ૧૫,૦૦૦ ભારતીય સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. ઉપરાંત નૌસેના, એરફોર્સ સહિતની ભારતીય સંરક્ષણની ત્રણેય પાંખને હાઈએલર્ટ પર રાખવામાં આવી છે. પારકી ભૂમિ પર કબજો કરી લેવાની સામ્રાજ્યવાદી ચીનની વર્ષો જૂની નીતિ સામે આગમચેતીના પગલા ભારતીય સેના લઈ રહી છે. બે દિવસ પહેલા ઉભી થયેલી સ્થિતિનું પુનરાવર્તન પણ ન થાય તેવી તકેદારી રાખવામાં આવી રહી છે. ગઈકાલે સંરક્ષણ મુદ્દે મળેલી બેઠક બાદ ચીનની મેલી રમત સામે એલર્ટ જાહેર કરાયું છે.

જાપાન, તાઇવાન, મલેશિયા અને વિયેતનામ સહિતના ‘મોટાભાઇ’ના પડખે

ભારત-ચીન વચ્ચેના તનાવમાં વર્તમાન સમયે જાપાન, તાઈવાન, મલેશીયા અને વિયેતનામ સહિતના દેશ ભારતની પડખે આવી ઉભા છે. એશિયામાં ભારતની છાપ મોટાભાઈ તરીકેની છે. ડ્રેગનની કરતુતોથી જાપાન, તાઈવાન, મલેશીયા અને વિયેતનામ સહિતના દેશો લાંબા સમયથી પરેશાન છે. ચીન યેનકેન પ્રકારે આ દેશોની ભૂમિ પર કબજો કરવા માંગે છે. જાપાન તો ચીનનું પરંપરાગત શત્રુ રહ્યું છે. જેથી વર્તમાન સમયે આ તમામ દેશો ભારતનું પડખુ લઈ રહ્યાં હોવાનું સામે આવી રહ્યું છે. અમેરિકાએ પણ ભારતની તરફેણનું વલણ અપનાવ્યું છે.

ટેલિકોમ સેક્ટરમાં ચીનનો ‘ટાવર’ નહીં પકડાય

સરહદની સાથે આર્થિક મોરચે પણ દગાબાજ ચીનને પાઠ ભણાવવાની કવાયત શ‚ થઈ ચૂકી છે. ટેલીકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા બીએસએનએલની ૪-જી સેવામાં ચાઈનીઝ ઉપકરણોના પ્રયોગ પર નિર્ભરતા ઓછી કરવાનો નિર્ણય લેવાયો છે. સુરક્ષાના કારણોસર બીએસએનએલ ચાઈનીઝ ઉપકરણોનો ઉપયોગ ઓછો કરે તેવી સુચના આપવામાં આવી છે. સુત્રોના જણાવ્યા મુજબ ટેન્ડર મુદ્દે ફરીથી વિચારણા કરવામાં આવી રહી છે. અગાઉ પણ ચીનની હુવાઈ કંપની દ્વારા ૫-જી ઉપકરણોની સાથે જાસૂસી થાય તેવી શંકા વ્યકત કરવામાં આવી હતી. હુવાઈ કંપની ચીનના સૈન્યની હોવાનું પણ માનવામાં આવતું હતું. અમેરિકાની જેમ ભારતમાં પણ આ કંપનીના પગપેસારા પર વિરોધ ઉભો થયો હતો. હવે ટેલીકોમ સેકટરમાં ચીનના ઉપકરણોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.