Abtak Media Google News

સૌપ્રથમ વખત ટી-૨૦માં ભારતે ‘ટાર્ગેટ’ને જોયા વગર આક્રમક અને નેચરલ ગેમ રમી

ટી-૨૦માં ૨૫૦૦થી વધુ રન કરનાર રોહિત વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો: રોહિત બન્યો મેન ઓફ ધ મેચ

કહેવાય છે અને હકિકત પણ છે કે ક્રિકેટ ફિઝિકલની સાથોસાથ માનસિક રમત છે. ટી-૨૦નાં ઈતિહાસમાં સૌપ્રથમ વખત ભારતીય ટીમે ટાર્ગેટને જોયા વગર આક્રમક અને નેચરલ ગેમ રમી બાંગ્લાદેશને ધરાશાયી કર્યું હતું. પ્રથમ મેચમાં જે બાંગ્લાદેશી બોલરોએ રોહિતની નબળી કડી જોય જે સ્લોટમાં બોલ ફેંકયા હતા તે જ સ્લોટમાં રોહિતે બીજી મેચમાં બાંગ્લાદેશી બોલરોને હંફાવ્યા હતા અને ધુળ ચાટતા કર્યા હતા. ગેમ પ્લાનમાં ભારતીય ટીમે ફેરબદલ કરી બીજો ટી-૨૦ મેચ જીતી બાંગ્લાદેશ સામે ભારતે તેની સર્વોપરીતા સાબિત કરી હતી.  આગામી ૧૦મી નવેમ્બરનાં રોજ જે છેલ્લો ટી-૨૦ મેચ રમાવાનો છે ત્યારે બાંગ્લાદેશ ટીમ ઉપર સૌથી વધુ પ્રેશર રહેશે. પ્રારંભિક ૬ ઓવરમાં બાંગ્લાદેશનાં બેટસમેનો સૌથી સારી રમત રમી રહ્યા હતા પરંતુ દિપક ચહલ, વોશિંગ્ટન સુંદર અને યજુવેન્દ્ર ચહલની બોલીંગનાં કારણે તેઓ બેકફુટ પર આવી ગયા હતા. વિજય થયા બાદ ભારતીય ટીમે હોટલમાં કેક કાપી વિજયને મનાવ્યો હતો ત્યારે ફરીથી ભારતે તેની સર્વોપરીતા સાબિત કરી ખરાઅર્થમાં ક્રિકેટ રમત રમી હતી.

સુકાની ઓપનર રોહિત શર્માની ધમાકેદાર બેટિંગની મદદથી ભારતે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ટી૨૦ ક્રિકેટ મેચમાં બાંગ્લાદેશ સામે આઠ વિકેટે વિજય નોંધાવ્યો હતો. આ વિજય સાથે જ ભારતે ત્રણ મેચની શ્રેણીને ૧-૧થી સરભર કરી દીધી છે. ટોસ ગુમાવ્યા બાદ ભારતે બાંગ્લાદેશને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. બાંગ્લાદેશે નિર્ધારીત ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૫૩ રનનો સ્કોર નોંધાવ્યો હતો. રોહિત શર્મા અને શિખર ધવનની જોડીએ ૧૫૪ રનના લક્ષ્યાંકને એકદમ આસાન બનાવી દીધો હતો. ભારતે ૧૫.૪ ઓવરમાં બે વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. રોહિત શર્મા સદી નોંધાવશે તેવું લાગી રહ્યું હતું પરંતુ ૮૫ રન નોંધાવીને તે આઉટ થઈ ગયો હતો. તેણે ૪૩ બોલમાં છ ચોગ્ગા અને છ સિક્સર ફટકારી હતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી અને અંતિમ ટી૨૦ મેચ નાગપુરમાં ૧૦મી તારીખે રમાશે.

૧૫૪ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને શિખર ધવન અને સુકાની રોહિત શર્માની ઓપનિંગ જોડીએ ધમાકેદાર શરૂઆત અપાવી હતી. આ બંને બેટ્સમેનોએ બાંગ્લાદેશી બોલર્સની ધોલાઈ કરી હતી. તેમાં પણ રોહિત શર્મા વધારે આક્રમક રમી રહ્યો હતો. તેણે મેદાનની ચારેય તરફ શોટ્સ ફટકાર્યા હતા. એક સમયે ભારત વિકેટ ગુમાવ્યા વગર જ મેચ જીતી જશે તેમ લાગી રહ્યું હતું. પરંતુ અંતે પ્રવાસી ટીમને શિખર ધવનને આઉટ કરવામાં સફળતા મળી હતી. ધવન અને રોહિતે પ્રથણ વિકટે માટે ૧૧૮ રનની ભાગીદારી નોંધાવી હતી. ધવન ૨૭ બોલમાં ચાર ચોગ્ગાની મદદથી ૩૧ રન નોંધાવીને અમિનુલ ઈસ્લામના બોલ પર બોલ્ડ થયો હતો. રોહિતે ૮૫ રનની તોફાની ઈનિંગ્સ રમી હતી. લોકેશ રાહુલે અણનમ ૮ અને શ્રેયસ ઐય્યરે અણનમ ૨૪ રનની ઈનિંગ્સ રમી હતી.

Untitled 1

રોહિત શર્માની આ ૧૦૦મી ટી ૨૦ ઇન્ટરનેશનલ મેચ હતી. તેણે આ ખાસ ક્ષણનો જશ્ન ધમાકેદાર બેટિંગ કરીને મનાવ્યો હતો.  રોહિતે પોતાની બેટિંગ દરમિયાન છ ચોગ્ગા અને એટલા જ તેની સામે છગ્ગા માર્યા હતા. આ તેની ૧૮મી હાફ સેન્ચ્યુરી હતી. કપ્તાન રોહિત શર્માએ પોતાના સાથી શિખર ધવનની સાથે તોફાની બેટિંગ કરી હતી. આ બંનેને ૧૦.૫માં ૧૧૮ રનની ભાગીદારી કરીને ભારતની જીત સુનિશ્ચિત કરી દીધી હતી. આ જ સ્કોર પર શિખર ધાવણ અમીનુલ ઇસ્લામના બોલ પર આગળ રમીને કોશિશ કરવા જતા બોલ્ડ થઇ ગયો હતો. તેણે ૨૭ બોલમાં ૩૧ રન બનાવ્યા હતા જેમાં ચાર ચોગ્ગા પણ સામેલ છે.  આ પહેલા બાંગ્લાદેશની ટીમે ૬ વિકેટના નુકસાને ૧૫૩ રન બનાવ્યા હતા. ઓપનર મહોમ્મ્દ નઇમ (૩૬) અને લિટન દાસ (૨૯)રનની ભાગીદારી કરીને સારી શરૂઆત કરી હતી. બાંગ્લાદેશના બાકી બેટ્સમેન શરૂઆતનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા ને જલ્દી આઉટ થઇ ગયા હતા. સૌમ્ય સરકાર અને મહમૂદલ્લાહ ૩૦-૩૦ રન બનાવીને ટીમને ૧૫૦ રન સુધી લઇ ગયા હતા. પરંતુ આ સ્કોટ ભારતીય ટીમ સામે ખૂબ જ નાનો હતો. ભારત માટે યજુવેન્દ્ર ચહલે સૌથી વધારે વિકેટ લીધી હતી. દિપક ચાહર,ખલીલ અહમદ અને વોશિંગટન સુંદરે એક એક વિકેટ લીધી હતી.

મહેમાન ટીમે પાવરપ્લેમાં વિના વિકેટે ૫૪ રન કર્યા હતા. નઇમે આ દરમિયાન ૨૦ બોલમાં ૨૭ અને દાસે ૧૭ બોલમાં ૨૬ રન કર્યા હતા. ૬થી ઓવરમાં દાસ ૧૭ રને રમી રહ્યો હતો ત્યારે ચહલની બોલિંગમાં પંત દ્વારા સ્ટમ્પ થયો હતો. જોકે પંતે બોલ સ્ટમ્પને ક્રોસ કરે તે પહેલા કલેક્ટ કર્યો હતો. દાસ પાછો ફર્યો હતો અને તેને ફ્રી હીટ પણ મળી હતી. તે પછી સુંદરની બોલિંગમાં ૨૬ રને રોહિતે સ્કવેર લેગ પર ફરીથી તેનો કેચ છોડ્યો હતો. જોકે નસીબનો જુગાર રમતો દાસ ૨૯ રને પેવેલિયન ભેગો થયો હતો. ચહલની બીજી ઓવરમાં પંતે જ તેને રનઆઉટ કરીને રાહતનો શ્વાસ લીધો હતો. પ્રથમ વિકેટ માટે બાંગ્લા ઓપનર્સે ૪૪ બોલમાં ૬૦ રન કર્યા હતા.

અગાઉ બાંગ્લાદેશના બેટ્સમેનોએ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું જેના કારણે ટીમે પડકારજનક સ્કોર નોંધાવ્યો હતો. બાંગ્લાદેશ માટે કોઈ બેટ્સમેને મોટી ઈનિંગ્સ રમી ન હતી પરંતુ તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું. ટીમની શરૂઆત ઘણી સારી રહી હતી. લિટન દાસ અને મોહમ્મદ નઈમે પ્રથમ વિકેટ માટે ૬૦ રનની ભાગીદારી નોંધાવી હતી. જેમાં લિટન દાસે ૨૯ રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ નઈમે સૌમ્ય સરકાર સાથે મળીને ઈનિંગ્સ આગળ ધપાવી હતી. બાંગ્લાદેશ માટે નઈમે સૌથી વધુ ૩૬ રન નોંધાવ્યા હતા. તેણે ૩૧ બોલમાં પાંચ બાઉન્ડ્રી ફટકારી હતી. આ ઉપરાંત સૌમ્ય સરકારે ૨૦ બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૩૦ રન ફટકાર્યા હતા. જ્યારે સુકાની મહેમુદૂલ્લાહે પણ આક્રમક બેટિંગ કરી હતી. તેણે ૨૧ બોલમાં ૩૦ રન ફટકાર્યા હતા જેમાં ચાર ચોગ્ગા સામેલ હતા. ભારત માટે યુજવેન્દ્ર ચહલે બે તથા દીપક ચહર, ખલીલ અહેમદ અને વોશિંગ્ટન સુંદરે એક-એક વિકેટ ઝડપી હતી.

સ્ટેડિયમની બહાર ખુલ્લેઆમ ટિકિટોના કાળાબજાર

ખંઢેરી સ્ટેડિયમની બહાર ગઈકાલે મેચ પૂર્વે ખુલ્લેઆમ ટિકિટોના કાળાબજાર થયા હતા. જો કે જડબેસલાક પોલીસ બંદોબસ્ત વચ્ચે વચેટીયાઓ મેચની ટિકિટો બેથી ત્રણ ગણા ભાવે વેચીને ખુલ્લેઆમ વેપલો કરી રહ્યા હતા. તેમ છતા બંદોબસ્તમા રહેલી પોલીસને આ ઘટના દેખાઇ ન હતી.

પોલીસ જવાનો તૈનાત છતાં હાઈવે ઉપર આડેધડ પાર્કિંગ : એમ્બ્યુલન્સ ફસાઈ

Screenshot 20191108 090206

ખંઢેરી સ્ટેડિયમ આસપાસ હાઇવે ઉપર પોલીસ બંદોબસ્ત હોવા છતાં રોડ ઉપર આડેધડ વાહનોનું પાર્કિંગ થયું હતું. અંદાજે બે કિલોમીટર સુધી રોડની બન્ને બાજુ વાહનોની લાઈનો જોવા મળી હતી. જેના કારણે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાસ કરીને જ્યારે મેચ પૂર્ણ થયો ત્યારે એક એમ્બ્યુલન્સ અંદાજે ૩૦ મિનિટ સુધી આ ટ્રાફિકમા ફસાઈ ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.