અંજારની આંગડીયા પેઢીના માલિકની આંખમાં મરચુ છાંટી રૂ.62 લાખની દિલધડક લૂંટ

આંગડીયા પેઢીની ઓફિસ પાસે જ કાર સાથે ઇરાદા પૂર્વક અકસ્માત સર્જી બાઇક પર આવેલા ત્રણ શખ્સો લૂંટ ચલાવી કાર લઇ ફરાર

લૂંટમાં સંડોવાયેલા 30 થી 35 વર્ષના અજાણ્યા શખ્સોના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા

પૂર્વ કચ્છના અંજાર પી.જી.મિસ્ત્રી ગલ્લીમાં આવેલા એન.આર.આંગડીયા પેઢીના માલિકની આંખમાં મરચુ છાંટી ત્રણ અજાણ્યા શખ્સોએ રૂા.62 લાખ રોકડ સાથેના થેલાની લૂંટ ચલાવી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે લૂંટારાને ઝડપી લેવા નાકાબંધી કરાવી હતી. સીસીટીવી ફૂટેજ મેળવી શોધખોળ હાથધરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અંજારના સતાપર રોડ પર આવેલા માધવવિલામાં રહેતા ભાવીન તુલશીદાસ ભીંડે ગઇકાલે સાંજે પોતાની પી.જી.મિસ્ત્રી ગલ્લીમાં આવેલા એન.આર.આંગડીયા પેઢીની ઓફિસેથી ઘરે જવા નીકળ્યા ત્યારે ત્રણ શખ્સોએ રૂા.62 લાખની લૂંટ ચલાવ્યાની અંજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ભાવીન ભીંડે ગઇકાલે રૂા.62 લાખની રોકડ સાથેનો થેલો પોતાની જી.જે.24એએ. 3423 નંબરની સ્વીફટ કારમાં રાખી ઘરે જવા નીકળ્યો ત્યારે એક શખ્સે કાર સાથે બાઇક ભટકાડયું હતું. ત્યારે જ બીજા શખ્સે કારનો દરવાજો ખટખટાવતા ભાવીનભાઇ ભીંડેએ કારનો કાચ ખોલ્યો ત્યારે અજાણ્યા શખ્સે આંખમાં મરચું છાંટી ભાવીનભાઇ ભીંડેને કારની બહાર ખેચી રોકડ રહેલા થેલા સાથેની કાર લઇ ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.

સરા જાહેર આંગડીયા પેઢીની થયેલી રૂા.62 લાખની લૂંટનો ભેદ ઉકેલવા પી.આઇ. એમ.એન.રાણા સહિતના સ્ટાફે સીસીટીવી ફુટેજ મેળવી વિવિધ દિશામાં તપાસ હાથધરી છે. ત્રણેય લૂંટારા પૈકી બે શખ્સોએ સફેદ શર્ટ પહેર્યો હોવાનું અને ત્રણેય સ્પષ્ટ ગુજરાતી ભાષા બોલતા હોવાનું ભાવીનભાઇ ભીંડેએ જણાવ્યું છે. પોલીસ તપાસ દરમિયાન લૂંટ ચલાવેલી કાર રેઢી મળી આવ્યાનું જાણવા મળે છે.