Abtak Media Google News

સરકારે 3 વર્ષમાં 1.25 લાખથી વધુ યુવાઓને સરકારી સેવામાં જોડ્યા : આઉટ સોર્સીંગ એજન્સીઓનો સર્વિસ ચાર્જ 12 ટકાથી ઘટાડી 5 ટકા કરી રૂ. 10 કરોડની બચત કરાઈ

રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં જે કાયમી જગ્યાઓ છે તેની ભરતી પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે. રાજ્ય સરકારે વાર્ષિક કેલેન્ડર બનાવી ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. છેલ્લા ત્રણ વર્ષમાં 1.25 લાખથી વધુ કર્મીઓની ભરતી કરી છે. મુખ્યમંત્રીએ વિધાનસભામાં પ્રશ્નોતરી સમય દરમિયાનની ચર્ચામાં આવું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારે તો 7 વર્ષ સુધી ભરતી પ્રક્રિયા પર પ્રતિબંધ મૂક્યો હતો. તે હાલની સરકારે દૂર કર્યો છે અને નિયમિત ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર બનાવ્યું છે અને પ્રતિ વર્ષ ભરતી કરવામાં આવી રહી છે. જ્યાં જરૂરિયાત વધુ હોય ત્યાં કાયમી જગ્યાઓ ઉપર આઉટ સોર્સીંગથી ભરતી કરવામાં આવે છે. આવા કર્મીઓને પણ પૂરેપૂરો પગાર અપાઈ છે.

આઉટ સોર્સીંગના કર્મીઓને પૂરેપૂરો પગાર ન આપવા અંગેના પૂરક પ્રશ્નના પ્રત્યુત્તરમાં નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં કાયમી જગ્યાઓની ભરતી સમયાંતરે જાહેરાત આપીને ઇન્ટરવ્યુ દ્વારા ભરીએ છીએ. આ ઉપરાંત વધુ જરૂરિયાત હોય એવી જગ્યાએ આઉટ સોર્સીંગથી ભરતી કરીએ છીએ. આઉટ સોર્સીંગના કર્મીઓને પૂરેપૂરું વળતર આપવા માટે એસ્ક્રો એકાઉન્ટથી સીધે સીધો પગાર એમના ખાતામાં જમા થાય છે. 80થી 90 ટકા એસ્ક્રો એકાઉન્ટ ખોલવાની કામગીરી પૂર્ણ થઇ છે અને આગામી સમયમાં 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આઉટ સોર્સીંગના કર્મીઓને પૂરેપૂરો પગાર આપવા અમારી સરકાર કટિબદ્ધ છે.

વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં આણંદ અને ખેડા જિલ્લામાં નેશનલ રૂરલ હેલ્થ મિશન અંતર્ગત મંજૂર જગ્યાઓના પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ યોજના સંપૂર્ણ કેન્દ્ર સરકાર આધારિત છે. જેમાં વિવિધ સંવર્ગોની ભરતી 11 માસના કરાર આધારે કરવામાં આવી છે. જેમાં ઇન્ટરવ્યુ દ્વારા સંપૂર્ણ પારદર્શીતાથી મેરીટના ધોરણે ભરતી કરીને નિમણૂંક આપવામાં આવે છે. તબીબો માટે વોક-ઇન ઇન્ટરવ્યુ યોજીને તેમની પસંદગી અને રાજ્ય સરકારની જરૂરિયાત મુજબ નિમણૂંક આપીને ગ્રામ્ય કક્ષાએ આરોગ્યની સારવાર પૂરી પાડવામાં આવે છે. સાથે સાથે માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર ઘટે, રસીકરણ અને પોષક આહાર સહિતની સુવિધાઓ આપીએ છીએ.

રાજ્યના આરોગ્ય, શિક્ષણ, પોલીસ, પંચાયત સહિતના વિભાગોમાં સરકારે 1.25 લાખથી વધુ યુવાઓને સરકારી સેવામાં જોડ્યા છે. આઉટ સોર્સીંગથી ભરતી કરીએ છીએ એમાં પણ એસ્ક્રો એકાઉન્ટ દ્વારા પગાર આપીએ છીએ. આરોગ્ય વિભાગમાં અમે શરૂઆત કરી છે. આઉટ સોર્સીંગ માટે જે એજન્સીઓ 12થી 12 ટકા મુજબ સર્વીસ ચાર્જ લેવાતો હતો તે અમે 5 ટકા કર્યો છે. જેના પરિણામે રૂ.10 કરોડની બચત કરી છે અને આગામી સમયમાં તમામ વિભાગોમાં આ રીતે કામગીરી કરાશે. કેમકે પ્રજાના પૈસા બચાવવા અને યોગ્ય જગ્યાએ વાપરવા એ અમારી નૈતિક ફરજ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.