Abtak Media Google News

ભારતે સંયુક્ત આરબ અમીરાત પાસેથી ખરીદેલા ક્રૂડ ઓઈલ માટે રૂપિયામાં પ્રથમ ચુકવણી કરી છે.  ઉપરાંત, ભારતે સ્થાનિક ચલણને વૈશ્વિક સ્તરે લઈ જવાની દિશામાં આ મહત્વપૂર્ણ પગલાં ભર્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, ભારત અન્ય ઓઈલ સપ્લાયર દેશોની સાથે રૂપિયામાં ક્રૂડ ખરીદવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે લાગુ કરવાની પ્રક્રિયા છે અને તેના માટે કોઈ લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું નથી.

પાંચ મહિના પૂર્વે યુએઇ સાથે સ્થાનિક ચલણમાં વ્યવહાર કરવા માટે મહત્વના કરાર કર્યા બાદ અમલવારી શરૂ, પ્રથમવાર અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની પાસેથી 10 લાખ બેરલ ક્રૂડ ઓઈલની રૂપિયાથી ખરીદી કરાઈ

રૂપિયામાં ચૂકવણી માટે ભારતે જુલાઈમાં યુએઈ સાથે આ દિશામાં કરાર કર્યો હતો.  ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની પાસેથી 10 લાખ બેરલ ક્રૂડ ઓઈલની ખરીદી માટે ભારતીય રૂપિયામાં ચૂકવણી કરી છે.  આ સિવાય રશિયા પાસેથી ખરીદવામાં આવેલા ક્રૂડ ઓઈલનો અમુક હિસ્સો પણ રૂપિયામાં ચૂકવવામાં આવ્યો છે.

ભારત તેની 85 ટકાથી વધુ ક્રૂડ ઓઈલની જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે.  આ માટે તેણે મોટા પ્રમાણમાં ડોલરમાં ચૂકવણી કરવી પડે છે. પરંતુ, ગયા વર્ષથી ભારતે તેલની ખરીદી માટે ડોલરને બદલે રૂપિયામાં ચૂકવણી કરવાની સિસ્ટમ શરૂ કરી છે.  આરબીઆઈએ પણ આ દિશામાં જરૂરી પગલાં લીધાં છે.

એક અધિકારીએ કહ્યું કે, આપણે ધ્યાન રાખવું પડશે કે તેલની ખરીદી માટે રૂપિયામાં ચૂકવણી કરવાથી ખર્ચમાં વધારો ન થાય.  ઉપરાંત, તે કોઈપણ રીતે વ્યવસાયને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં.  તેમણે કહ્યું કે જ્યાં રકમ વધારે નથી ત્યાં રૂપિયામાં પેમેન્ટ કરવામાં બહુ મુશ્કેલી નથી.  પરંતુ, જ્યારે ક્રૂડ ઓઈલના દરેક શિપમેન્ટનું મૂલ્ય લાખો ડોલરનું હોય છે, ત્યારે સમસ્યાઓ ઊભી થાય છે.  ભારત વિશાળ રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે.

વૈશ્વિક પડકારોની જીડીપી પર ઓછી અસર પડશે

અધિકારીએ જણાવ્યું હતું કે રૂપિયાનું આંતરરાષ્ટ્રીયકરણ ડોલરની માંગ ઘટાડવામાં મદદ કરશે.  વૈશ્વિક નાણાકીય આંચકાની ભારતીય અર્થવ્યવસ્થા પર ઓછી અસર પડશે. ગયા અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવેલી સંસદીય સમિતિના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય રૂપિયામાં ક્રૂડ ઓઈલ માટે પેમેન્ટ લેવાની દિશામાં પ્રગતિ સારી નથી.  આના પર અધિકારીઓએ સ્વીકાર્યું કે 2022-23માં સ્થિતિ એવી જ રહેશે, પરંતુ આ વર્ષે તેલનો થોડો વેપાર રૂપિયામાં થયો છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે જેટલો રૂપિયાથી વ્યાપાર થશે એટલો અર્થતંત્રને ફાયદો

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય સ્તરે જેટલો રૂપિયાથી વ્યાપાર થશે એટલો ભારતીય અર્થતંત્રને ફાયદો થશે. હાલ આંતરરાષ્ટ્રીય ચુકવણું ડોલરમાં કરવામાં આવે છે. જેના કારણે ફાયદો ડોલરને થાય છે અને રૂપિયો દબાવમાં રહે છે પણ રૂપિયાથી ચુકવણું થવાથી હવે રૂપિયો દોડતો જ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.