Abtak Media Google News

મનરેગા એટલે માત્ર રાહતના કામો એવી માનસિકતામાંથી ગ્રામીણ લોકોને બહાર લાવી રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ મનરેગા યોજનાનું પૂરેપૂરું ફંડ ગ્રામીણ વિકાસ માટે વપરાય તેવા હેતુથી સમગ્ર રાજ્યમાં પ્રથમ એક નવો પ્રયોગ કરવામાં આવ્યો હતો. પ્રાકૃતિક ખેતી, કોરોના કાળમાં મહિલાઓને સામૂહિક રોજગારી, ખેતીલક્ષી પ્રોજેક્ટમાં મહિલાઓના સાહસને પ્રોત્સાહન સહિત બહુઆયામી પાયલોટ પ્રોજેક્ટ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ઓરી ગામે હાથ ધરી સ્વ સહાય જૂથ સખી મંડળની બહેનોએ બાગાયત નર્સરી અને જસદણ તાલુકાના ગોખલાણા ગામે વર્મી કમ્પોસ્ટ બનાવવાનું પૂર્ણ કરતા અને તેમાં આશાસ્પદ પરિણામો મળતાં હવે સમગ્ર રાજકોટ જિલ્લામાં ખેતીલક્ષી પ્રોજેક્ટોને પણ મનરેગામાં જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ બાગાયત નર્સરી અને વર્મી કમ્પોસ્ટ ખેતીલક્ષી પ્રોજેક્ટની વિશિષ્ટતા એ છે કે, તેમાં બહેનોને મનરેગામાંથી માનવદિન રોજગારી પ્રતિદિન ૨૨૯ મળે છે. લેબર વર્કનો રેશિયો જળવાતો હોવાથી રો- મટીરીયલમાં પણ યોજનાને જોડી શકાય છે. જ્યારે સ્વસહાય જુથની બહેનો રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સાથે જોડાયેલી હોવાથી તેમના જૂથને ૧૦,૦૦૦ રિવોલ્વીંગ ફંડ,સી.આઇ.એફ ૭૦,૦૦૦ અને સાહસને આગળ વધારવા ૧ લાખ સુધીની લોન પણ મળે છે.

સ્વસહાય જૂથના બીજા પ્રોજેક્ટમાં એવું બનતુ હતુ કે, ‘બહેનોને તેમના પ્રોજેક્ટનો ઉત્પાદન શરૂ થાય ત્યાં સુધીના સમયગાળામાં રોજગારી મળતી ન હતી, અને ઇન્વેસ્ટમેન્ટ થતું હતું. અને તેમાં મનરેગાનુ જોડાણ થતાં બહેનોને પ્રથમ દિવસથી જ રોજગારી મળવાનું શરૂ થઈ જાય છે. જ્યારે ઉત્પાદન શરૂ થાય છે, ત્યારે બહેનોની આવકમાં વધારો થાય છે. જેથી ગ્રામીણ મહિલાઓને કાયમી અને ટકાઉ આજીવિકા આપી શકાય છે.

666રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના ઓરી ગામના લક્ષ્મી મિશન મંગલમમાં ૧૦ બહેનો જોડાયેલા છે. મંડળના પ્રમુખ મનિષા જયંતીભાઈ જમોડ છે.એન.આર.એલ.એમ.યોજનાના કર્મચારીઓ દ્વારા તેમને મનરેગા સાથે જોડાણ કરી બાગાયત નર્સરી કરવાની શક્યતાઓ અંગે મંડળને માર્ગદર્શન આપ્યું હતું .બહેનોએ મિટિંગ કરી આ પ્રોજેક્ટમાં રૂપિયા ૨.૪૬ લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. નર્સરીની શરૂઆત કરવા માટે આયોજન મુજબ જગ્યા પસંદ કરવામાં આવી અને ગ્રામ પંચાયતમાં ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. શ્રમિકો બહેનોના જોબકાર્ડ કાઢવામાં આવ્યા.તાલુકા પંચાયતમાં દરખાસ્ત મંજુર કરવામાં આવતા ૨૦,૦૦૦ જેટલા રૂપા ઉગી શકે એટલા બિયારણની ખરીદી કરવામાં આવી હતી . જામફળી, દાડમ, લીંબુ, સરગવો જેવા દસ પ્રકારના બાગાયતી રોપા તૈયાર કરવામાં આવ્યા છે.

આ મંડળની બહેનોને ૭૦૦ દિવસની રોજગારી પ્રતિદિન ૨૨૯ લેખે મળશે. ૨૦,૦૦૦ રોપા ૨૦ લેખે વેચવાના આયોજન સાથે વેચાણ થયે તેની આવક પણ મંડળને થશે. એ જ રીતે જસદણ તાલુકાના ગોખરાણા ગામે પણ એન.આર.એલ.એમ હેઠળ ખોડીયાર મિશન મંગલમ સ્વ સહાય જૂથની ૧૦ બહેનોએ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને રોજગારી માટે વર્મી કમ્પોસ્ટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે.

આ બીજા પ્રોજેક્ટની વિગત એવી છે કે સૌ પ્રથમ બહેનોને દેશી ખાતર માટે અળસિયા બેડમાં કઈ રીતે છોડવા સહિતના પ્રશ્નો હતા. અને તે માટે એન આર એલ એમ યોજના જસદણ અને રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી તેમને તાલીમ આપવામાં આવી હતી. વર્મિ કમ્પોસ્ટની કામગીરી શરૂ કરવા માટે મનરેગા શાખા દ્વારા ૧.૭૪ લાખનું ૪૦૬ દિવસની માનવદિન રોજગારી સાથે માલસામાન અને મજૂરીનું એસ્ટીમેન્ટ બનાવી મંજૂરી આપવામાં આવી હતી. એસ્ટીમેન્ટ મુજબ ૧૨×૪×૨ ની સાઈઝના ૬ બેડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.એક બેડમાં ૩ ટન છાણ-કચરો, ૧૦ કિલોગ્રામ અળસિયા, ૧૦ નંગ કોથળા સાથે ૪૫ દિવસના અંતે વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર થાય તે રીતે કામગીરી શરૂ કરવામાં આવી હતી .

669કુલ છ બેડમાં વર્ષમાં સાત વખત ખાતર તૈયાર થતું હોવાથી એક બેડ ની આવક વાર્ષિક ૮૦૦૦૦ ની આવક લેખે ૪.૮૩ લાખની ઉત્પાદનની આવક અને ૪૦૬ દિવસની માનવદિનની રોજગારી રૂ.૯૨ હજારથી વધુ મળી કુલ રૂ.૫.૭૫ લાખ ની આવકનો મંડળની ૧૦ બહેનોને અંદાજ છે.

રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના જિલ્લા લાઇવલીહુડ મેનેજર વી.બી.બસીયાએ જણાવ્યું હતું કે, ‘આ બંને ગામમાં સફળતા પછી વિછીયા તાલુકાના ભાડલી,ભોયરા,ફુલઝર,વાંગધ્રા તેમજ જસદણ તાલુકાના કાળાસર ગામે પણ નર્સરી આ રીતે નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન અંતર્ગત સ્વ સહાય જૂથની બહેનો દ્વારા આ રીતે કન્વર્ઝન કરીને શરૂ કરવામાં આવી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના આ પ્રોજેકટનું પાણી પુરવઠા અને પશુપાલન વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ પણ નિરીક્ષણ કરેલ છે.’

રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે પટેલે જણાવ્યું હતું કે, ‘મનરેગા હેઠળ ૪૦થી વધુ કામો હાથ પર લઈ શકાય તેમ છે. અમે જિલ્લાના મુખ્ય લાઈન ડિપાર્ટમેન્ટને પણ જે તે સરકારી કચેરીઓ અને બિલ્ડિંગોમાં મનરેગા હેઠળ કામગીરી કરવા જણાવ્યું છે. કોરોના કાળમાં મહિલાઓને રોજગારી મળી રહે તેમજ મહિલા મંડળ દ્વારા તૈયાર થતી ચીજવસ્તુઓ ખેતીના કામમાં જ ઉપયોગી બને અને મહિલાઓ નવા સાહસમાં જોડાય તે માટે રાજ્યમાં સૌપ્રથમ વખત અમે આ નવતર પ્રયોગ કર્યો હતો અને તેમાં અમને મહદઅંશે સફળતા મળી છે એટલે સમગ્ર જિલ્લામાં આ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરવાનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ આયોજન કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.