Abtak Media Google News

બાળકોને પોષણક્ષમ ભોજનથી વંચિત રાખતી ભાજપ સરકાર મળતીયાને તંદુરસ્ત કરે છે: મનિષ દોશીનો પ્રહાર

સમગ્ર દેશમાં કુપોષણના લીધે ઠિંગણાપણું, નબળાઈ, અને ઓછા વજનની ટકાવારીમાં ગુજરાત મોખરે હોવાનું તાજેતરના નેશનલ ફેમીલી હેલ્થ સર્વે-5 માં આવેલા ચોકાવનારા આંકડા ગુજરાત માટે ચિંતાજનક છે ત્યારે ગરીબ  શ્રમિક  સામાન્ય વર્ગના લાખો બાળકોને હક્કના પોષણક્ષમ ભોજનથી વંચિત રાખવા બીજી બાજુ તેમના મળતીયાઓને સતત તંદુરસ્ત કરવાની ભાજપ સરકારની નિતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું

રાજ્યમાં વર્ષ 2018 માં 1,10,999 બાળકો કુપોષિત, વર્ષ 2019માં 1,42,142 કુપોષિત બાળકો જ્યારે 27-2-2020 ના રોજ માત્ર છ મહિનામાં કુપોષિત બાળકોની સંખ્યા 3,86,840 જ ગુજરાત સરકારની કુપોષણ સામે લડવા માટે કેટલી ગંભીર છે તે ઉજાગર કરે છે. હવે કોરોના કાળ બાદ આ સંખ્યા કેટલી થશે તે ગુજરાત માટે ચિંતાનો વિષય છે. રાજ્યની 42,208 આંગણવાડીમાં સંજીવની દૂધ યોજના પણ લાંબા સમયથી બંધ રહી છે. ગુજરાતના 14 જિલ્લા, 52 તાલુકામાં 8,958 શાળા અને 7,68,465 બાળકો જે યોજનાના લાભાર્થી છે તેવી સરકારની જાહેરાત હકિકતમાં દોઢ વર્ષથી કોરોના મહામારીમાં અંબાજી થી ઉમરગામ આદિવાસી વિસ્તારના બાળકો માટેની દૂધ સંજીવની યોજના સદંતર બંધ હતી.

ગુજરાત સરકાર સુપ્રિમકોર્ટના આદેશ છતાં 2012 પછી ગરીબી રેખા નીચેના કુટુંબોનો સર્વે કર્યો નથી તેમ છતાં વર્ષ 2012ના આધારે રાજ્યમાં 31,41,231 પરિવાર ગરીબી રેખાની નીચે એટલે કે, ગુજરાતમાં 1 કરોડ 88 લાખ નાગરિકો ગરીબી રેખા નીચે જીવન પસાર કરી રહ્યાં છે. જો વર્ષ 2022 માં ગરીબી રેખા નીચેના કુટુંબોનો સાચો સર્વે કરવામાં આવે તો ગુજરાતમાં 54 ટકા કરતા વધુ નાગરિકો એટલે કે 3 કરોડ 70 લાખ જેટલા નાગરિકો ગરીબી રેખા નીચે જીવન જીવવા મજબુર છે.

સુપ્રિમકોર્ટ અને હાઈકોર્ટની ફટકાર પછી પણ બાવન બાવન લાખ બાળકોને મધ્યાહન ભોજન ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ ભાજપાની ભ્રષ્ટ સરકારની પોલ ખુલી ગઈ છે. ગુજરાતના બાવન લાખ બાળકોને મધ્યાહન ભોજન પાંચ મહિનાથી મળ્યુ નથી. વિવિધ સંગઠનોની લાંબી રજુઆત બાદ રાજ્ય સરકારે દેખાવ પુરતુ મધ્યાહન ભોજન શરૂ કરવાના સમારંભ યોજ્યા.

રાજ્યના બાવન લાખ બાળકોને ભોજન માટે અનાજ અને કુકિંગ કોષ્ટની રકમ ચુકવાઈ નથી.રાજ્યની 32418 સરકારી શાળાના 52,23,321 મોટા પાયે ગરીબ  સામાન્ય  શ્રમિક વર્ગના વિદ્યાર્થીઓ પાંચ મહિનાથી મદ્યાહન ભોજનથી વંચિત રહે તે કેટલે અંશે વ્યાજબી? મધ્યાહન ભોજન પ્રતિદિન  વિદ્યાર્થી ધો. 1 થી 6 માં 100 ગ્રામ કુકીંગ કોસ્ટ 4.97 રૂપિયા, જ્યારે ધો. 7 થી 8 માં 150 ગ્રામ અને કુકીંગ કોસ્ટ 7.45 રૂપિયા એટલે કે, ધોરણ 1 થી 6 ના 33 લાખ વિદ્યાર્થીઓના 178 કરોડ રૂપિયા અને ધોરણ 7 થી 8 ના 19 લાખ વિદ્યાર્થીઓના 150 કરોડ રૂપિયા ચુકવવાના બાકી છે. શું આ રીતે તંદુરસ્ત બનશે ગુજરાત ? કોંગ્રેસના શાસન દરમિયાન ગુજરાતથી શરૂ થયેલી મીડ ડે મીલ યોજનામાં ગરીબ  સામાન્ય વર્ગના બાળકોને સરકાર શિક્ષણ અને મધ્યાહન ભોજનથી વંચિત રાખવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે. પ્રધાનમંત્રી 18મી એપ્રિલે સરકારી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ માત્ર ટેલીવીઝન પૂરતો સીમિત રહ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.