Abtak Media Google News

રાજકોટ જ નહી પણ હવે સૌરાષ્ટ્રની શાન ગણાતા અને નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવતા સપ્ત સંગીતિ સંગીત સમારોહ છેલ્લા 06 વર્ષોથી સંગીતપ્રેમીઓ અને કલાની પારખુ જનતાને હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતથી તરબોળ કરી કરી રહ્યું છે. આ મંચ ઉપર શ્રોતાઓને દેશના નામાંકિત કલાકારોની કલાથી સન્મુખ થવાની તક તો સાંપડે જ છે. ઉપરાંત રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉભરતા યુવા કલાકારોની કલા સાધનાને માણવા અને બિરદાવવાની તક પણ મળે છે. દર વર્ષની પરંપરાને અનુસરતા આ વર્ષે પણ રાજકોટની ઉભરતી યુવા પ્રતિભાઓને “સપ્ત સંગીતિ-ર0ર3” માધ્યમથી દિગ્ગજો અને કલારસીકો સમક્ષ પોતાની કલા પ્રસ્તુત કરવાની અમુલ્ય તક સાંપડશે.

નીઓ રાજકોટ ફાઉન્ડેશનનો ઉદ્દેશ રાજકોટની જનતામાં શાસ્ત્રીય સંગીત અને નૃત્યને વધુ પ્રચલિત કરવા ઉપરાંત રાજકોટના યુવા કલાકારો કે જેઓ ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્ય કલામાં રસ દાખવે છે અને ખુબ સારા કલા-સાધકો છે, તેમને પ્રોત્સાહન આપવાનો પણ છે. તેથી દર વર્ષે દેશના ટોચના કલાકારોની પ્રસ્તુતી પહેલા રાજકોટની ઉભરતી યુવા પ્રતિભાઓ (રાઇઝીંગ સ્ટાર્સ)ને દિગ્ગજો સામે પોતાની કલા પ્રસ્તુત કરવાની તક આપવામાં આવે છે. આ વર્ષે પણ કાર્યક્રમના પ્રથમ ચરણમાં આ કલાકારોને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક પ્રાપ્ત થશે. સપ્ત સંગીતિ-ર0ર3માં તા.ર થી 8 જાન્યુઆરી દરમિયાન સુપ્રસિધ્ધ કલાકારો કલા પિરસશે.

તા.0ર જાન્યુઆરીના રોજ કાર્યક્રમના પ્રથમ ચરણમાં પરમ કથ્થક કેન્દ્રની વિદ્યાર્થીનીઓ દ્વારા ગ્રુપ ડાન્સ રજુ કરવામાં આવશે. પરમ કથ્થક કેન્દ્ર રાજકોટ ખાતે છેલ્લા 41 વર્ષ થી કાર્યરત છે. જેમાં કથ્થક નૃત્યની તાલીમ ગૌરવ પુરસ્કૃત શ્રીમતી પલ્લવીબેન વ્યાસ દ્વારા આપવામાં આવી રહી છે. તેણી પદ્મશ્રી પુરૂ દધીચજી અને કથ્થક શિરોમણી રાજેન્દ્ર ગંગાણીજીના શિષ્યા છે. તેણીની વિદ્યાર્થીનીઓ વાગીશા સાકરીયા, હિમા શેઠ, વૈભવી જિકાર, યશવી જોષી, મિષ્ટી અઘેરા તથા જીયા પાધરા દ્વારા કથ્થક નૃત્ય રજૂ કરાશે. તેમની સાથે હાર્મોનિયમ અને ગાયન પર ઋષિકેશ પંડ્યા અને તબલા પર આનંદ જોષી તથા કુણાલ વ્યાસ સાથ આપશે. આ ઉપરાંત અંકિતા જાડેજા તેમનો કથ્થક સોલો ડાન્સ પ્રસ્તુત કરશે. તેણીએ કથ્થક નૃત્ય શીખવાનું પાંચ વર્ષની ઉંમરેથી જ શરૂ કર્યું હતું. તેમણે જયપુર ધરાનાની તાલીમ કલાશ્રી ટ્રસ્ટ ખાતે વંદનાબહેન જાદવ અને ક્રિષ્નાબહેન સાંઘાણી પાસેથી મેળવી છે. કથ્થકમાં વિશારદ અને અલંકાર કરેલું છે. તેમણે નૃત્ય સંધ્યા, વાઈબ્રન્ટ ગુજરાત, ગુજરાત સંગીત નાટક અકાદમી જેવા કાર્યક્રમોમાં કથક નૃત્ય રજૂ કરેલું છે.

તા.03 જાન્યુઆરીના રોજ અનુજ અંજારિયાનું સંતુરવાદન અને સપન અંજારીયાનું તબલા વાદન માણવા મળશે. અનુજ અંજારિયાએ સંતુર વાદ્યની તાલીમ નંદકિશોર મૂળેજી તથા ભરત દેસાઈ પાસેથી લીધી છે કે જેઓ પંડિત શિવકુમાર શર્માજીના શિષ્ય છે. વર્ષ-ર01ર થી તેઓ સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિકમાં શ્રીમતી મંજુબહેન મેહતા તથા પૂર્વી મહેતાના શિષ્ય બન્યા છે. તેઓ આકાશવાણીના બી-હાઇગ્રેડ પ્રાપ્ત કલાકાર છે તથા ઓમકારનાથ ઠાકુર સંગીત સ્પર્ધામાં વિજેતા રહી ચૂક્યા છે. ઉપરાંત સપ્તક સંગીત સમારોહ જેવા ખ્યાતનામ સંમેલનમાં પણ સંતુર વાદન રજૂ કરી ચુક્યા છે. તેમની સાથે તબલા સંગતમાં સપન અંજારિયા સાથ આપશે. સપન અંજારીયાએ તબલાની તાલીમ બનારસ ઘરાનાના પંડિત નંદન મહેતા પાસે લીધી છે. આ ઉપરાંત પંડિત પૂરન મહારાજ, રાજલ શાહ તથા હેતલ મેહતા પાસેથી તાલીમ પ્રાપ્ત કરી છે. તેમણે પંડિત રાજન સાજન મિશ્રાજી, શ્રીમતી મંજુ મેહતા, ઉસ્તાદ સુજાત ખાન વગેરે ખ્યાતનામ કલાકારો સાથે તબલા સંગત કરેલી છે. તેમને જાણીતા સંગીત સંમેલનો જેવા કે “જાન ફેસ્ટ” સપ્તક સંગીત સમારોહ તથા ડોવરલેન મ્યુઝિક ફેસ્ટિવલમાં પણ તબલા સંગત કરેલ છે. ભારત ઉપરાંત તેઓએ યુરોપ, ચાઇના, રશિયા વગેરે દેશોમાં પોતાની કલા રજૂ કરી છે.

તા.5 જાન્યુઆરીના રોજ નાદસ્વરમ ગ્રુપના કલાકારો દ્વારા વૃંદ ગાયન રજુ કરવામાં આવશે. ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કાર તથા તાનારીરી એવોર્ડથી સન્માનિત શ્રીમતી પિયુ બહેન સરખેલ દ્વારા સંચાલિત નાદસ્વરમ ફાઉન્ડેશન છેલ્લા 1ર વર્ષોથી રાજકોટ ખાતે સંગીતના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત છે. જે અંતર્ગત અનેક વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ શાસ્ત્રીય ગાયનની તાલીમ લઇ રહ્યા છે. શ્રીમતી પિયુ બહેન સરખેલના વિદ્યાર્થીઓએ તાના રીરી સંગીત મહોત્સવ, મોન્સુન મુઝીક ફેસ્ટિવલ, ઉ.આમીરખાન સમારોહ, પં.કમલ બંદોપાધ્યાય સંગીત સમારોહમાં સમૂહ શાસ્ત્રીય ગાયન રજૂ કરેલું છે. સપ્ત સંગીતિની પ્રસ્તુતિમાં ઇશીતા ઉમરાણીયા, દ્રષ્ટી અંધારિયા, પ્રિયંકા શુક્લ, ધ્વનિ વછરાજાની, આદિત્ય શુકલ, ઋષિકેશ પંડ્યા અને શ્યામલ જાદવ ગાયન રજૂ કરશે. તેમને હાર્મોનિયમ ઉપર સંદીપ વ્યાસ તથા તબલા પર યશ પંડ્યા સાથ આપશે.

તા.6 જાન્યુઆરીના રોજ ચેતન રાઠોડનું બાંસુરી વાદન માણવા મળશે. ચેતન રાઠોડે શાસ્ત્રીય સંગીતની પ્રારંભીક તાલીમ રાજકોટ ખાતે અનવરભાઈ હાજી પાસેથી ગ્રહણ કરી છે. ત્યાર બાદ સિદ્ધાર્થ સરકાર પાસે બાંસુરી વાદનની તાલીમ લેવાની શરૂઆત કરી. ર011 થી તેમને પદ્મવિભૂષણ પંડિત હરિપ્રસાદ ચોરસિયાજીનું સાંનિધ્ય પ્રાપ્ત થયું અને હાલ તેમના ગુરુકુળમાં રહીને બાંસુરીની તાલીમ લઈ રહ્યા છે. તેમની સાથે તબલાવાદનમાં યશ પંડયા સાથ આપશે. તેમણે તબલાની પ્રાથમિક તાલીમ કોશોર ચોટલીયા તથા હાર્દિકભાઈ કાનાણી પાસે મેળવી છે અને હાલમાં પં.યોગેશ સમસીના શિષ્ય સ્વપ્નીલ ભિસે પાસે તાલિમ લઈ રહ્યા છે. યશ પંડયાએ સંગીત વિશારદ તથા માસ્ટર ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સનો અભ્યાસ કરેલો છે તથા યુવક મહોત્સવ તથા કલા મહાકુંભમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે.

સપ્ત સંગીતિના છઠ્ઠા દિવસે એટલે કે તા. 07 જાન્યુઆરીના રોજ રાજકોટના જાણીતા કૌશર હાજી શાસ્ત્રીય કંઠય સંગીત રજુ કરશે. તેણીએ પ્રારંભીક તાલીમ તેમના પિતા અનવર હાજી પાસેથી પ્રાપ્ત કરી છે. તેઓ ગાયનમાં સંગીત વિશારદ છે અને છેલ્લા 14 વર્ષથી વિદુષી અશ્ર્વિની ભીડે દેશપાંડેજી પાસે થી જયપુર- અત્રોલી ધરાના ગાયકીની તાલીમ મેળવી રહ્યા છે. આ ઉપરાંત તેમણે તાનારીરી મહોત્સવ, સુરપ્રભાત, પંડિત ઓમકારનાથ ઠાકુર મહોત્સવ, અનાહત નાદ મુંબઇ, સ્વરભાસ્કર રત્નાગિરી જેવા જાણીતા સંગીત સમારોહ તથા ગુજરાત સંગીત નાટક અકાદમી અને દિલ્હી સંગીત નાટક અકાદમીના કાર્યક્રમોમાં પણ તેમની કલાનો પરિચય આપ્યો છે. તેઓ નારીશક્તિ એવોર્ડથી પણ સન્માનિત છે. તેમને હાર્મોનિયમમાં જ્ઞાનેશ્ર્વર સોનવણે સાથ આપશે. તેમણે ખૂબ નાની વયે નાસિકના બાપુ કુલકર્ણીજી પાસેથી હાર્મોનિયમની તાલીમ મેળવી છે. તેઓ હાર્મોનિયમની ઉચ્ચ તાલીમ સુધીર નાયક પાસે લઇ રહ્યા છે અને હાલમાં મુંબઈ સ્થિત શરદા સંગિત વિદ્યાલયમાં હાર્મોનિયમની તાલીમ આપી રહ્યા છે. કૌશર હાજી સાથે તબલા વાદન નીરજ ધોળકિયા કરશે. તેમણે તબલાની શરૂઆતની તાલિમ નિતાઈ ચક્રવર્તીજી, બલરાજ ચૌધરીજી તથા સુધીર કુમાર સક્સેના પાસેથી મેળવી છે અને હાલ પંડિત યોગેશ સમસીના શિષ્ય ચંદ્રશેખર ગાંધીજી પાસે તબલાની ઉચ્ચ તાલિમ મેળવી રહ્યા છે. તેઓ છેલ્લા 15 વર્ષ થી રાજકોટ ખાતે તબલાની તાલીમ આપી રહ્યા છે. તેઓ તાનારીરી સંગીત સંમેલન, ઓમકારનાથ સંગીત સંમેલન, સપ્ત સંગીતિ તથા સપ્તક સંગીત સંકલ્પ જેવા અનેક કાર્યક્રમોમાં તબલા વાદન રજૂ કરી ચુક્યા છે. આ ઉપરાંત તેમણે વિદુષી કલા રામનાથ, પદ્મભૂષણ આચાર્ય ગોકુલોત્સવજી મહારાજ, પંડિત હરિકાંતભાઈ સેવક, શ્રીમતી પિયુબહેન સરખેલ જેવા જાણીતા કલાકારો સાથે તબલા સંગત કરેલ છે.

તા.08 જાન્યુઆરીના રોજ રાજકોટના જાણીતા કલાકાર પલાશ ધોળકિયા શાસ્ત્રીય કંઠય સંગીત રજુ કરશે. તેમણે ગાયનની પ્રારંભિક તાલીમ આતામહોમદ ખાન પઠાણ પાસેથી પ્રાપ્ત કરી અને હાલ છેલ્લા 07 વર્ષથી પદ્મભૂષણ પંડિત અજય ચક્રવર્તીજીના માર્ગદર્શન હેઠળ ઉચ્ચ તાલીમ પ્રાપ્ત કરી રહ્યા છે. તેઓ ઓમકારનાથ ઠાકુર સંમેલન, સપ્ત સંગીતિ, સપ્તક સંગીત સંકલ્પ તથા ગુજરાત સંગીત નાટક અકાદમીના અનેક કાર્યક્રમોમાં પોતાની કલા રજૂ કરી ચુક્યા છે. હાલ રાજકોટ ખાતે દેશ-વિદેશના વિદ્યાર્થીઓને સંગીતની તાલીમ ઓનલાઇન તથા ઓફલાઇન માધ્યમો દ્વારા આપી રહ્યા છે. પલાશ ધોળકિયા સાથે જ્ઞાનેશ્ર્વર સોનવણે હાર્મોનિયમ વાદન અને નીરજ ધોળકિયા તબલામાં સાથ આપશે.

Screenshot 2 16

સપ્ત સંગીતિ સંગીત સમારોહની ખાસીયત એ છે કે આ સમગ્ર આયોજન રાજકોટના કલાપ્રેમી પેટ્રનોની દિલાવરીને આભારી છે, જેથી દર વર્ષની માફક તમામ કાર્યક્રમો શ્રોતાઓ માટે નિ:શુલ્ક રહેશે. કોરોનાકાળના બે વર્ષ બાદ સમારોહનું આયોજન પ્રત્યક્ષ થઈ રહ્યુ છે, તેથી શ્રોતાઓમાં પણ જબરો રોમાંચ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષની માફક પાસ મેળવવા માટે સંગીત રસીક શ્રોતાઓ દ્વારા “સપ્ત સંગીતિ” વેબસાઈટwww. saptasangeeti. Org પર રજીસ્ટ્રેશનનો મારો ચલાવવામાં આવ્યો હતો. દરરોજના કાર્યક્રમો માટે અંદાજે 4000 થી 5000 લોકોએ રસ દાખવી રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે આયોજકો માટે કસોટી રૂપ સાબીત થઈ રહ્યું છે. રાજકોટના કલાભાવિકો દ્વારા રજીસ્ટ્રેશનને અપ્રતિમ પ્રતિસાદ પ્રાપ્ત થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.