Abtak Media Google News
  • બનાસકાંઠાના દાંતાના અનાજ કૌભાંડનો રેલો ઇડર સુધી પહોંચ્યો

રાજ્ય સરકાર લાખ્ખો ગરીબોને રાહતદરે અને મફત સરકારી અનાજ પૂરું પાડે છે ત્યારે કાળા બજારીયાઓ ગરીબોનો મોં માં આવેલો કોળિયો છીનવી લઈ આ સરકારી અનાજ બારોબાર સગેવગે કરતા હોવાના કિસ્સાઓ અનેક વખત પ્રકાશમાં આવ્યા છે. બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકામાં શંકાસ્પદ સરકારી અનાજ સગેવગે કરવાનું મસ મોટું અનાજ કૌભાંડ ઝડપાયું હતું જેનો તપાસનો રેલો છેક સાબરકાંઠા જીલ્લાના ઈડર સુધી પહોંચ્યો હતો જેમાં ઈડર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ગાંધીનગર પુરવઠા વિભાગની તપાસ ટીમ અને બનાસકાંઠા જીલ્લા પુરવઠા વિભાગે એકાએક બાતમી આધારે રેડ કરતા હડકંપ મચી ગયો હતો

આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઈડર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આવેલી આશરે ચાર જેટલી દુકાનોના ગોડાઉનોમાં એકાએક ગાંધીનગર વિજિલન્સ અને બનાસકાંઠા જીલ્લા પુરવઠા વિભાગે ઈડર પ્રાંત અધિકારીને સાથે રાખીને રેડ પાડતા કાળા બજારિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો જ્યારે તપાસ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ જોવા મળ્યો અને આ તપાસમાં એપીએમસીના કમ્પાઉન્ડમાં આવેલી (1)ભારત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ,(2) શાહ રતનલાલ, (3) સુપર ટ્રેડર્સ, (4) સહકાર ટ્રેડિંગ આમ ચાર દુકાનોના ગોડાઉનમાંથી લાખ્ખો રૂપિયાનો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડવામાં પુરવઠા વિભાગને મોટી સફળતા મળી છે અને આ શંકાસ્પદ અનાજના જથ્થાને ઝડપી સીઝ કરવામાં આવ્યો હતો

જ્યારે ઉપરોક્ત દુકાનોમાં લાંબા સમયથી કાળો કારોબાર ચલાવતા હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે સૂત્રો પાસેથી વધુ જાણવા મળ્યું હતું કે સાબરકાંઠા જિલ્લાને અડીને આવેલા મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાંથી બે નંબરનો સરકારી અનાજનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે અને ફેરિયાઓ દ્વારા રોજેરોજ ટેમ્પો અને છકડા મારફતે મોટા પ્રમાણમાં આ શંકાસ્પદ સરકારી અનાજના કટ્ટા ભરીને લાવવામાં આવે છે અને ઉપરોક્ત દુકાનોના ગોડાઉનોમાં આ અનાજના કટ્ટા ખાલી કરવામાં આવે છે જો તપાસ અધિકારીઓ દ્વારા આ મામલે પણ વધુ તપાસ કરવામાં આવે તો સમગ્ર અનાજ કૌભાંડનું નેટવર્ક પકડાઈ શકે તેમ છે જ્યારે ઈડરમાં થયેલી રેડને પગલે જીલ્લાના અનાજ કૌભાંડીઓમા ફફડાટ ફેલાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ રેડને પગલે જીલ્લાના વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના અને લાંબડીયા વિસ્તારોમાં

પણ તપાસ કરવામાં આવેતો મસ મોટું અનાજ કૌભાંડ બહાર આવી શકે તેમ છે તેવું લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે પરંતુ અત્રે ઉલ્લેખનીય છેકે જીલ્લાના સરકારી અનાજના ગોડાઉનોમાં પણ તપાસ કરવામાં આવે તો કૌભાંડનો રલો આવી શકે તેમ છે તેવું પણ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.