Abtak Media Google News

ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે ઊર્જા સુરક્ષા, વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, આરોગ્ય સંભાળ, ખાદ્ય સુરક્ષા, ખેતી, આઇટી, ફાર્મા સહિતના 12થી વધુ ક્ષેત્રોમાં મહત્વના કરાર

હાલના સમયમાં ઇકોનોમિક વોર ચાલી રહ્યો છે. તેવામાં અર્થતંત્રને મજબૂતાઈ આપવાનો મોદી મંત્ર-1ધૂમ મચાવી રહ્યો છે. આખા વિશ્વને ઇંધણ આપતા સાઉદી અરેબિયાને હવે ભારત ઉર્જા આપવાનું છે. ઉપરાંત ગિફ્ટમાં ફંડ રાખી સાઉદી અરેબિયા વિશ્વ આખામાં રોકાણ કરવા સજ્જ પણ બન્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સઉદે સોમવારે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક યોજી હતી અને ઊર્જા સુરક્ષા, વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, આરોગ્ય સંભાળ અને ખાદ્ય સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહકાર અંગે ચર્ચા કરી હતી.

ક્રાઉન પ્રિન્સ, જેઓ અહીં ત્રણ દિવસની સરકારી મુલાકાતે આવ્યા હતા, તેમણે સપ્તાહના અંતે રાષ્ટ્રીય રાજધાનીમાં જી20 સમિટમાં હાજરી આપી હતી.  આ તેમની બીજી રાજ્ય મુલાકાત છે, પ્રથમ ફેબ્રુઆરી 2019 માં તેઓ અહીં આવ્યા હતા.

પીએમ મોદી સાથેની તેમની મુલાકાત પહેલા, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સનું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત- સાઉદી અરેબિયા વ્યૂહાત્મક ભાગીદારી કાઉન્સિલની પ્રથમ નેતાઓની બેઠક દરમિયાન, પીએમ મોદી અને ક્રાઉન પ્રિન્સે વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની બે મંત્રી સ્તરીય સમિતિઓ એટલે કે રાજકીય, સુરક્ષા, સામાજિક અને સાંસ્કૃતિક સહકાર પરની સમિતિ હેઠળ થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. આ વેળાએ બે ડઝનથી વધુ મેમોરેન્ડા ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ભારત અને સાઉદી અરેબિયા આઇટી, કૃષિ, ફાર્માસ્યુટિકલ્સ, પેટ્રોકેમિકલ્સ અને માનવ સંસાધનથી માંડીને અન્ય ક્ષેત્રોમાં એકબીજા સાથે મળીને કામ કરવા તૈયાર થયા છે. આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર હતા.

સાઉદી અરેબિયાએ સોમવારે જણાવ્યું હતું કે તે રોકાણની સુવિધા માટે ગુજરાતમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ) ખાતે સોવેરિયન વેલ્થ ફંડની ઓફિસ સ્થાપશે.  સાઉદી અરેબિયાના રોકાણ મંત્રી ખાલિદ એ. અલ ફલીહે કહ્યું કે આગામી થોડા અઠવાડિયામાં, તેઓ ગિફ્ટ સિટીમાં એક પ્રતિનિધિમંડળ મોકલશે.

એપ્રિલ 2000 થી જૂન 2023 સુધીમાં ભારતમાં સાઉદીનું રોકાણ 3.22 બિલિયન ડોલર હતું. ખાલિદે જણાવ્યું હતું કે સરકારની માલિકીના પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ  દ્વારા કેટલીક મોટી ભારતીય કંપનીઓમાં રોકાણ કરવામાં આવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે પીઆઈએફ ભારતીય બજાર અને તેના રોકાણો માટે ઉત્સુક છે પરંતુ હવે રોકાણ વધશે. ગોયલે એમ પણ કહ્યું કે તેમણે એવું સૂચન કર્યું છે કે ભારત રિયાધમાં એક ઓફિસ સ્થાપશે જેમાં ઈન્વેસ્ટ ઈન્ડિયા અને કેટલાક અધિકારીઓની ભાગીદારી હશે.

બીજી તરફ સાઉદી અરેબિયા દાયકાઓથી ભારતને ક્રૂડ ઓઈલ વેચી રહ્યું છે.  આવનારા સમયમાં ઉર્જા ક્ષેત્રે સાઉદી નહીં પરંતુ ભારત સાઉદીનું મુખ્ય નિકાસ ભાગીદાર બની શકે છે. સોમવારે આ દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું હતું.  બંને દેશો વચ્ચે નવા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.  આ અંતર્ગત, ભારત અને સાઉદી અરેબિયા પાવર ગ્રીડ, રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન ક્ષમતાઓ વચ્ચે સમુદ્રની અંદર ઇન્ટરલિંક બનાવવા માટે કામ કરવા સંમત થયા હતા.  સાઉદી આ કેબલ દ્વારા ભારતમાંથી સ્વચ્છ ઊર્જા સપ્લાય કરવાની યોજના ધરાવે છે.

ભારતે વર્ષ 2030 સુધીમાં 50 લાખ ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખ્યું છે.  પીએમ નરેન્દ્ર મોદી ભવિષ્યમાં ગ્રીન હાઇડ્રોજનની નિકાસ માટે હબ બનવાનું લક્ષ્ય ધરાવે છે.  રિન્યુએબલ એનર્જી મંત્રાલયના મંત્રી આરકે સિંહ અને તેમના સાઉદી અરેબિયાના સમકક્ષ અબ્દુલાઝીઝ બિન સલમાન અલ-સાઉદ વચ્ચે સોમવારે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.  જો બધુ બરાબર રહેશે તો આવનારા સમયમાં ભારતની છબી ઓઈલ આયાત કરતા દેશથી ગ્રીન અને હાઈડ્રોજન પાવરના નિકાસકાર દેશમાં બદલાઈ જશે.  હાલમાં, સાઉદી અરેબિયા ભારતનો ત્રીજો સૌથી મોટો તેલ અને રસોઈ ગેસ સપ્લાયર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.