Abtak Media Google News

સોના-ચાંદીની આયાતના એક મોટા એન્ટ્રી ગેટ સમાન ભારતના પ્રથમ બુલીયન એક્સચેન્જના પાયલટ રનની ગિફ્ટ સિટીમાં શરૂઆત

બુલીયન એક્સચેન્જ ગાંધીનગરમાં સ્થપાતા ભારત હવે, આંતરરાષ્ટ્રીય સ્તરે સોના, ચાંદી સહિતની મોંઘામુલી વસ્તુના ભાવ નક્કી કરી શકશે

સોના, ચાંદી, પ્લેટીનમ સાહિતના મોંઘામૂલા દાગીનાના આંતરરાષ્ટ્રીય સ્તરના ભાવ હવે ભારત પણ નક્કી કરી શકશે. ભારતમાં એક્સચેન્જના માધ્યમથી સોનાં-ચાંદીની  આયતના એક મોટા પ્રવેશ ગેટ સમાન પ્રથમ બુલિયન એક્સચેન્જના પાયલટ રનની શરૂઆત ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં થઈ ગઈ છે. જેનાથી હવે “ગિફ્ટ”માં સોના ચાંદીની “રેલમછેલ” થશે..!! ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જના પાયલોટ રનની શરૂઆત ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) દ્વારા કરવામાં આવી  છે. 1 ઓક્ટોબર 2021ના ​​રોજ, જ્યારે IFSCAનો સ્થાપના દિવસ છે, તે જ દિવસથી એક્સચેન્જ ઓથોરિટીના બુલિયન એક્સચેન્જ 2020 હેઠળ આવશે.

ઉલ્લેખનીય છે કે, ગત આ અંગે 11 ડિસેમ્બર 2020ના રોજ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જ્યારે ફેબ્રુઆરી 2020માં સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં પણ આ બુલિયન એક્સચેન્જની જાહેરાત કરવામાં આવી હતી. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં બુલિયન એક્સચેન્જની શરૂઆત થતાં હવે ભારતમાં વિદેશોમાંથી સોના-ચાંદીની આયાત વધુ વધશે. દેશમાં સોના-ચાંદી સહિતની મોંઘામુલી વસ્તુનો પુરવઠો વધશે તેમજ ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે આ સોના ચાંદીના ભાવ નક્કી કરી શકશે. આ માટે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન હોલ્ડિંગ દ્વારા નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ તેમજ નેશનલ સિક્યુરિટી ડિપોઝિટ લિમિટેડ અને સેન્ટરલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ વચ્ચે કરાર થયા છે.

એવું માનવામાં આવે છે કે હવે દેશમાં જે પણ સોનું આયાત કરવામાં આવશે, તે આ એક્સચેન્જ હેઠળ આવશે. ભારતમાં સોનાનો વપરાશ સૌથી વધુ છે. તેથી, આ વિનિમયને એક મહત્વપૂર્ણ પગલું તરીકે ઓળખવામાં આવી રહ્યું છે અને અહીં નક્કી કરેલા ભાવો સોનાની કિંમત નક્કી કરશે, જે આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ હશે. ભારત સોનાનો સૌથી મોટો આયાતકાર દેશ છે. આનાથી દુબઇથી ભારતમાં સોનાના વેપારનો મોટો હિસ્સો શિફ્ટ થવાની ધારણા છે. આવા એક્સચેન્જ લંડન, શાંઘાઈ અને તુર્કીમાં પણ છે. આ એક્સચેન્જ સોનાની દુનિયામાં શું ચાલી રહ્યું છે તે તમામ બાબતો પર નજર રાખશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.